અમીન, મોતીભાઈ (જ. 29 નવેમ્બર, 1873, અલિંદ્રા; અ. 1 ફેબ્રુઆરી 1939, વસો) : ગુજરાતની પુસ્તકાલય અને છાત્રાલયની પ્રવૃત્તિના પ્રણેતા. પિતા નરસિંહભાઈ પેટલાદની વહીવટદારની કચેરીમાં કારકુન. 1881માં મોતીભાઈએ વસોની પ્રાથમિક શાળામાં અભ્યાસ શરૂ કર્યો. 6 ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કર્યા પછી 1887માં વસોમાં નવી શરૂ થયેલી અંગ્રેજી શાળામાં ધોરણ-1માં પ્રવેશ લીધો. અંગ્રેજી ચાર ધોરણ પાસ કરીને આગળ અભ્યસા માટે વડોદરા ગયા. 1894માં મૅટ્રિક થયા. 1894માં વડોદરા રાજ્યના કેળવણી અધિકારી હરગોવિંદદાસ કાંટાવાળા વસોમાં આવેલા. મોતીભાઈએ તેમના પ્રમુખપદે દેશી કારીગરોને ઉત્તેજન આપવા માટે એક કમિટી નીમી. આ કમિટીએ વસોમાં પુસ્તકાલય શરૂ કરવાનો નિર્ણય લીધો. અહીંથી ગુજરાતની પુસ્તકાલય પ્રવૃત્તિના શ્રીગણેશ થયા. 1895માં મોતીભાઈએ વડોદરાની કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. એ જ વર્ષે તેમણે જુદી જુદી જગ્યાએ રહેતા વિદ્યાર્થીઓને સંગઠિત કરીને રામજી મંદિરમાં ક્લબ શરૂ કરી. વિદ્યાર્થીઓએ એક જ રસોડે જમવાનું શરૂ કર્યું. અહીંથી જ ગુજરાતમાં છાત્રાલય પ્રવૃત્તિનાં બીજ રોપાયાં.1900માં તેઓ બી.એ. થયા. થોડો સમય વડોદરાની સ્કૂલમાં તેઓ શિક્ષક તરીકે રહ્યા. 1902માં પાટણની હાઈસ્કૂલમાં તેઓ શિક્ષક તરીકે નિયુક્ત થયા. તેઓ ત્યાંના ફતેહસિંહરાવ પુસ્તકાલયના મંત્રી અને માર્ગદર્શક બન્યા. 1905માં પેટલાદની ઍંગ્લોવર્નાક્યુલર સ્કૂલના આચાર્ય નિમાયા. 1906માં પાટણમાં બોર્ડિંગ હાઉસ શરૂ કર્યું.
નોકરી સાથે તેમણે એકલે હાથે તા. 7-1-1906ના રોજ ‘મિત્રમંડળ પુસ્તકાલયો’ શરૂ કરવાની પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો. એ રીતે ગુજરાતમાં સાર્વજનિક ગ્રંથાલય પ્રવૃત્તિનો આરંભ થયો. સાથે સાથે વાચનાલયો પણ શરૂ કર્યાં. મોતીભાઈએ સ્વયંભૂ ગ્રંથાલય-પ્રવૃત્તિ શરૂ કરીને ગામેગામ ગ્રંથાલયો સ્થાપવાનું કાર્ય હાથ ધર્યું. સર સયાજીરાવ ગાયકવાડને મોતીભાઈની પ્રવૃત્તિના સમાચાર મળતા તેમણે મિ. બોર્ડનને મદદ કરવા માટે મોતીભાઈને વડોદરા રાજ્યના પુસ્તકાલય ખાતામાં નિમંત્રણ આપ્યું. પુસ્તકાલય-પ્રવૃત્તિના નાયબ વડા તરીકે વડોદરા રાજ્યનાં પ્રાથમિક શાળા ધરાવતાં ગામોમાં ‘શાળા ત્યાં ગ્રંથાલય’ સ્થાપવાની જવાબદારી સોંપી. નિવૃત્ત થતાં પહેલાં તેમણે આઠસોએ આઠસો ગામમાં ગ્રંથાલયો સ્થાપ્યાં.
સર સયાજીરાવ ગાયકવાડે 1911માં વડોદરા રાજ્યમાં સ્વતંત્ર પુસ્તકાલય ખાતું શરૂ કરીને મોતીભાઈ અમીનને આસિસ્ટન્ટ ક્યુરેટર તરીકે નીમ્યા હતા. તેમની પ્રેરણા અને ઉત્સાહથી વડોદરા રાજ્યમાં ત્રીસ વાચનાલયો અને સરક્યુલેટિંગ લાઇબ્રેરીની યોજના અમલમાં મૂકવામાં આવી.
આ ઉપરાંત તેમણે ચરોતર એજ્યુકેશન સોસાયટી દ્વારા બ્રિટિશ મુલકનાં ગામોમાં વાચનાલય પ્રવૃત્તિ શરૂ કરાવી. ગ્રંથાલયોને મદદરૂપ થવા માટે તેમણે 1924માં પુસ્તકાલય સહાયક સહકારી મંડળ લિ., 1925માં વડોદરા રાજ્ય પુસ્તકાલય મંડળ અને ‘પુસ્તકાલય’ માસિકનો પ્રાંરભ કર્યો. ઇન્ડિયન લાઇબ્રેરી ઍસોસિયેશને તેમને ગ્રંથાલય પ્રવૃત્તિના પિતામહ તરીકે નવાજ્યા. ગાયકવાડ સરકારે તેમને ખિતાબ આપવા ઇચ્છા વ્યક્ત કરેલી પરંતુ તેમણે ઇનકાર કરેલો. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ મોતીભાઈ અમીને પુસ્તકાલય ક્ષેત્રે કરેલી સેવાને બિરદાવી હતી. તેમજ તેમને આ સંસ્થાના માનદ સભ્ય બનાવ્યા.
આ ગ્રંથ, ગ્રંથાલય અને વિદ્યાપ્રેમી સમાજસેવકે સતત સમાજસેવાની પ્રવૃત્તિ કરી. આર્થિક મુશ્કેલીને કારણે અભ્યાસ ન કરી શકતા વિદ્યાર્થીઓ માટે તેમણે ‘ગરીબ વિદ્યાર્થી ફંડ’, ‘પેટલાદ લોન ફંડ’, ‘વસો યુવક મંડળ’ સ્થાપીને યુવાનોને સહાયરૂપ બન્યા. પાટીદાર સમાજના રીત-રિવાજોની સુધારણા માટે તેમણે ‘પાટીદાર પત્રિકા’ શરૂ કરી. પૂર સંકટ વેળાએ પણ તેમણે રાહતકાર્યો કરેલાં. ગુજરાતમાં – વસોમાં તેમણે સૌપ્રથમ બાળમંદિર શરૂ કરેલું.
ઊર્મિલા ઠાકર
ઈશ્વરભાઈ પટેલ