અમાનઅલીખાં (જ. 1888; અ. 11 ફેબ્રુઆરી 1953) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના પ્રસિદ્ધ ગાયક. બિજનૌર(જિલ્લો મુરાદાબાદ)ના નિવાસી. પિતાનું નામ છજ્જૂખાં ઉર્ફે અમરશા સાહેબ હતું. તેઓ બાળપણમાં રમતિયાળ હતા. પિતાની એક શિષ્યાના હળવા ઠપકાને લીધે કંઠ્ય સંગીતનું શિક્ષણ લેવા તરફ વળ્યા. કાકા નજીરખાં અને ખાદિમહુસેનખાં પાસેથી તાલીમ મેળવીને ટૂંકસમયમાં જ તેઓ ધ્રુપદ-ધમારની ગાયકીમાં જાણીતા થયા. તેમની ગાયકીનો વિશેષ ગુણ ‘સરગમ-પદ્ધતિ’ હતી. તે ઉપરાંત ‘બઢત’–પદ્ધતિ પણ વેગપૂર્ણ હતી. પ્રત્યેક સ્વરને બીજા- સ્વર સાથે મીંડ લઈને જોડવાની તેમની કળા અને સમ ઉપર પહોંચવાની પદ્ધતિ આકર્ષક હતી. તેમણે લગભગ 100 રાગો ઉપર આશરે પાંચ સો બંદિશોની રચના કરી છે. તેમણે રચેલી પોતાની બંદિશોમાં ‘અમર’ ઉપનામ રાખ્યું છે.
ચન્દ્રકાન્ત મહેતા