ગ્રેટ ડિક્ટેટર, ધ : ચાર્લી ચૅપ્લિનની પહેલી સવાક ફિલ્મ. નિર્માણ-સંસ્થા : યુનાઇટેડ આર્ટિસ્ટ. નિર્માણવર્ષ : 1940. નિર્માતા-દિગ્દર્શક-પટકથાલેખક : ચાર્લી ચૅપ્લિન. સંગીત : મેરેડિથ વિલ્સન. કલાકારો : ચાર્લી ચૅપ્લિન, પાઉલેટી ગોદાર્દ, જૅક ઓકી, રેજિનાલ્ડ ગાર્ડિનર, હેન્રી
ડૅનિયલ, બિલી ગિલ્બર્ટ. આ પહેલી ફિલ્મ છે, જેની પટકથા અગાઉથી ચૅપ્લિને લખી હતી. બે દાયકાની આ પહેલી ફિલ્મ છે, જેમાં ચૅપ્લિને ‘ટ્રૅમ્પ’ સિવાયની ભૂમિકા ભજવેલી. આમાં ચૅપ્લિને બેવડી ભૂમિકા ભજવી છે : એક તો યહૂદી હજામ તરીકે અને બીજી તોમાનિયાના સરમુખત્યાર એડેનોઇડ હાન્કેલ તરીકે. ઍડૉલ્ફ હિટલરની હાંસી ઉડાવતી પ્રતિકૃતિ એટલે હાન્કેલ. હિટલરની તમામ ક્રિયાઓની આબાદ નકલ ચૅપ્લિને કરી છે. એક ઉગ્ર ભાષણ આપતા હાન્કેલની વાણીમાં એટલી બધી ઉગ્રતા છે કે આખું માઇક્રોફોન વાંકું વળીને પીગળી જાય છે ! ફિલ્મમાં જે હજામનું પાત્ર છે, તેના હાવભાવ અને પ્રતિક્રિયાઓમાં સરમુખત્યાર પાત્રની ભિન્નતા અને સમાનતા સમાંતર ચાલ્યા કરે છે. અંતનાં ર્દશ્યોમાં હજામને સરમુખત્યાર સમજીને લોકો તેને રાજકીય ભાષણ આપવા આગ્રહ કરે છે, ત્યારે આ ઓછાબોલો હજામ વિશ્વશાંતિ, માનવતા અને આશા ઉપર લાંબું ભાષણ આપે છે. આ ર્દશ્યોમાં પણ ચૅપ્લિન છવાઈ જાય છે.
ચૅપ્લિને જણાવ્યું હતું કે આ ફિલ્મ જ્યારે તેણે બનાવી તે સમયે નાઝીઓના માનવ-અત્યાચારોથી તે બિલકુલ અજાણ હતો. અમેરિકન વિવેચકોના મતે ચૅપ્લિનનો હિટલર ભયાનકને બદલે વિદૂષક દેખાય છે. ચૅપ્લિને નિખાલસતાથી કબૂલ કર્યું કે જો તેને આ દારુણ માનવસંહારની ખબર હોત તો તે આ ફિલ્મ કદાપિ બનાવત નહિ. આ ચિત્રને કારણે હિટલર ચાર્લી ચેપ્લિનને તેનો ‘એનિમી નંબર વન’ ગણતો થઈ ગયો હતો.
પીયૂષ વ્યાસ