ગ્રીનપાર્ક સ્ટેડિયમ : કાનપુરમાં આવેલું ભારતનું ક્રિકેટ મેદાન. 1952માં 12મી જાન્યુઆરીએ પ્રવાસી ઇંગ્લૅન્ડની ટીમ સામે પ્રથમ વાર આ મેદાન પર ટેસ્ટમૅચ ખેલાઈ. અત્યાર સુધીમાં આ મેદાન પર રમાયેલી 16 ટેસ્ટમૅચોમાં ભારતનો 2માં વિજય, 3માં પરાજય થયો હતો. બાકીની 11 ડ્રૉ ગઈ છે. 1959માં આ મેદાન પર ઑસ્ટ્રેલિયા સામે ખેલાયેલી ટેસ્ટમાં ગુજરાતના ટેસ્ટ ખેલાડી જશુ પટેલે પ્રથમ
દાવમાં 69 રનમાં 9 વિકેટ અને બીજા દાવમાં 55 રનમાં 5 વિકેટ મેળવીને 1 મૅચમાં 124 રનમાં 14 વિકેટ લેવાનો આ મેદાન પરનો સૌથી વધુ વિકેટનો વિક્રમ સ્થાપ્યો; જ્યારે 1986–87માં શ્રીલંકા સામે ભારતે 7 વિકેટે 676 રન કરીને અત્યાર સુધી(2009)નો ભારતનો સૌથી શ્રેષ્ઠ ટેસ્ટ જુમલો ખડક્યો. એ સમયે અઝહરુદ્દીને 199 રન કર્યા હતા, જે આ મેદાન પરનો ભારતીય ખેલાડીનો સૌથી વધુ જુમલો છે. જ્યારે 1978–79માં વેસ્ટ ઇન્ડીઝના રાઉસ બેકસે કરેલા 250 રન તે આ મેદાન પરનો વ્યક્તિગત શ્રેષ્ઠ જુમલો છે. આ મેદાન પર ભારત દ્વારા 14 અને વિદેશી ખેલાડીઓ દ્વારા 10 એમ કુલ 24 સદીઓ નોંધાઈ છે. 1986ની 24મી ડિસેમ્બરે ગ્રીનપાર્ક સ્ટેડિયમ પર સૌપ્રથમ વન-ડે મૅચ ખેલાઈ. ભારતમાં પાંચ દિવસીય ટેસ્ટમૅચો અને એક દિવસીય ક્રિકેટ મૅચો માટે આ મેદાનનો ત્યારપછી ઉપયોગ થતો આવ્યો છે.
જગદીશ શાહ