અભેદ્ય અને ભેદ્ય ખડકો (impervious and pervious rocks) : જળપ્રવેશક્ષમતા ન ધરાવતા ખડકો. પૃથ્વીના પોપડાના બંધારણમાં રહેલા કેટલાક ખડકોમાં ખનિજકણોની ઘનિષ્ઠ ગોઠવણીને કારણે આંતરકણ જગાઓ હોતી નથી, જેથી આ પ્રકારના ખડકોમાંથી પાણી સરળતાથી પસાર થઈ શકતું નથી, એટલે એ ખડકોને અભેદ્ય ખડકો કહે છે. દળદાર (massive) અગ્નિકૃત ખડકો તેનું ઉદાહરણ છે; પરંતુ આ પ્રકારના અભેદ્ય ખડકોમાં વધુ પહોળાઈ અને ઊંડાઈવાળા સાંધા કે તડો હોય તો તેમાં વિપુલ પ્રમાણમાં ભૂગર્ભજળ એકઠું થઈ શકે છે.
ભેદ્ય ખડકો (pervious rocks) : ખડકોમાંના ખનિજકણોની પરસ્પર ગોઠવણી (કણરચના) એવા પ્રકારની હોય કે તેમાં થઈને સપાટીજળ પ્રત્યક્ષ રીતે પસાર થઈને એકત્ર થતું હોય. આ પ્રકારની પરિસ્થિતિને ખડકોની ભેદ્યતા કહેવાય. કોઈ પણ ખડકને ભેદ્ય ત્યારે જ કહેવાય જ્યારે જળ, ખનિજ, તેલ કે વાયુ, ખડકમાંની આંતરકણ- જગાઓ(interstices)માં પ્રવેશીને ઓછાવત્તા પ્રમાણમાં મુક્ત રીતે ઉપરથી નીચે કે નીચેથી ઉપર તરફ પસાર થઈ શકે. તડો, ફાટો, સાંધા જેવાં રચનાત્મક લક્ષણો ધરાવતા અગ્નિકૃત, જળકૃત કે વિકૃત ખડકોને ભેદ્ય ખડકો ગણાવી શકાય, પરંતુ મૃણ્મય કે ‘શેલ’ જેવા ખડકો મોટેભાગે અભેદ્ય ગણાય છે. કોઈ પણ ખડક ભેદ્ય છે કે અભેદ્ય, તે જાણવા માટેની તદ્દન સરળ કસોટી એ છે કે તેમાં શારકામ દ્વારા પંપ મૂકીને, ખેંચવાથી પાણી જો ઉપલબ્ધ થાય તો ભેદ્ય અને જો ન થાય તો અભેદ્ય. ખડક ભેદ્ય કે છિદ્રાળુ હોવાના લક્ષણવાળી ઘટનાને ભેદ્યતા (permeability) કે છિદ્રાળુતા (porosity) કહેવાય છે. જળપ્રવેશક્ષમતા એટલે ભેદ્યતા; આંતરકણ જગાઓ કે કોઈ પણ પ્રકારનાં પોલાણો હોવાં તે છિદ્રાળુતા કહેવાય. આ લક્ષણોથી વિરુદ્ધ લક્ષણો હોય તો તે અંગે ‘અભેદ્યતા’, ‘અછિદ્રાળુતા’ જેવા પર્યાયોનો ઉપયોગ થાય છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે
મોહનભાઈ પુરુસોત્તમદાસ પટેલ