ગૌણ ભૂકંપ-તરંગો : પૃથ્વીના પેટાળ તરફ ગતિ કરતા તરંગો. ભૂકંપ દરમિયાન ઉદભવતા તરંગોના ત્રણ પ્રકાર છે : (1) મુખ્ય તરંગો (P-waves), (2) ગૌણ તરંગો (S waves) અને (3) ભૂપૃષ્ઠ તરંગો (L waves અથવા Free waves). આ પૈકી મુખ્ય અને ગૌણ તરંગો પૃથ્વીના પેટાળ તરફ ગતિ કરે છે, જ્યારે ભૂપૃષ્ઠ તરંગો પૃથ્વીની સપાટી તરફ જાય છે. આ ત્રણે પ્રકારના તરંગો જુદી જુદી લાક્ષણિકતાઓ ધરાવે છે.
ગૌણ તરંગો ‘સેકનડરી વેવ્ઝ’ તરીકે પણ ઓળખાય છે. ગૌણ તરંગો પ્રકાશના તરંગો જેવા છે અને તેમનું હલનચલન પ્રસરણની દિશાથી કાટખૂણે હોય છે. વધુમાં ગૌણ તરંગો અનુપ્રસ્થ (transverse) અને વિરૂપક (distortional) લક્ષણોવાળા હોય છે. ગતિની બાબતમાં તેમનું સ્થાન મુખ્ય તરંગો પછીનું છે. ગૌણ તરંગો ઘન પદાર્થોમાંથી પસાર થઈ શકે છે, જ્યારે પ્રવાહી માધ્યમ આવતાં તે અવરોધાય છે; તેથી તેમનું આ લક્ષણ ભૂગર્ભની રચના સમજવા માટે ઉપયોગી નીવડે છે. ભૂકંપીય અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે ગૌણ તરંગો પૃથ્વીની સપાટીથી 2900 કિમી.ની ઊંડાઈએથી પરાવર્તન પામે છે. આ અવલોકન પરથી નક્કી કરવામાં આવ્યું છે કે પૃથ્વીની સપાટી પરથી 2,900 કિમી. નીચેનો કેન્દ્રીય ભાગ (core) પ્રવાહી સ્થિતિમાં છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે