ગોસ્પ્લાન : વિસર્જિત સોવિયેત સંઘનું મધ્યસ્થ આયોજન મંડળ. સામ્યવાદી પક્ષ અને સરકારે નક્કી કરેલા આયોજનનાં ધ્યેયોને અનુરૂપ પંચવર્ષીય કે સાતવર્ષીય યોજનાઓ તેમજ લાંબા ગાળા માટે આયોજનનું માળખું ઘડવું, આયોજનનાં વિવિધ પાસાંઓના અમલ પર દેખરેખ રાખવી, રાષ્ટ્રીય સ્તરની વિશિષ્ટ યોજનાઓ ઘડવી વગેરે બાબતો તેના કાર્યક્ષેત્રમાં મૂકવામાં આવી હતી. ફેબ્રુઆરી, 1921માં તેની સ્થાપના થઈ ત્યારે તે માત્ર સલાહકાર મંડળ હતું, જેનું મુખ્ય કાર્ય રાજ્ય દ્વારા થતા મૂડીરોકાણનું કદ અને સ્વરૂપ નક્કી કરવા સલાહ આપવા પૂરતું મર્યાદિત હતું; પરંતુ 1928માં સોવિયેત સંઘમાં પ્રથમ પંચવર્ષીય યોજના દાખલ થતાં ગોસ્પ્લાનેના કાર્યક્ષેત્રમાં વધારો કરવામાં આવ્યો. ત્યારપછી પરિસ્થિતિ અનુસાર તેના કાર્યક્ષેત્રમાં વધઘટ થતી રહી.
1991માં સોવિયેત સંઘના વિઘટન સાથે ‘ગોસ્પ્લાન’ વિખેરી નાખવામાં આવ્યું હતું.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે