કાંગડા (Kangra) : હિમાચલ પ્રદેશના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 31o 40’થી 32o 25′ ઉ. અ. અને 73o 35’થી 77o 05′ પૂ.રે. વચ્ચેનો 5,739 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લાની નૈર્ઋત્યે ઉના જિલ્લો, વાયવ્યે પંજાબ રાજ્યનો ગુરુદાસપુર જિલ્લો, ઉત્તરે છામ્બ (ચંબા) અને લાહુલ-સ્પિટી જિલ્લા, પૂર્વે કુલુ અને મંડી જિલ્લા, તથા દક્ષિણે હમીરપુર જિલ્લો આવેલા છે. જિલ્લાનો આકાર માછલી જેવો દેખાય છે. જિલ્લામથક કાંગડા જિલ્લાની મધ્યમાં આવેલું છે.
ભૂપૃષ્ઠ : આ જિલ્લો સમુદ્રસપાટીથી 500થી 5500 મીટર જેટલી વિવિધ ઊંચાઈ ધરાવતી પર્વતીય હારમાળાઓથી ઘેરાયેલો છે. ધૌલાધાર નામની વિશાળ પર્વતમાળા અહીં આવેલી છે. તેના અગ્રભાગમાં પાલમપુર અને કાંગડાની ફળદ્રૂપ ખીણો આવેલી છે. ધૌલાધાર પર્વતમાળા બિયાસ નદીના જમણા કાંઠાથી શરૂ થાય છે અને કુલુ જિલ્લા સાથે સીમા રચે છે. સરુઈઘાટ અહીં આવેલો છે. ત્યાંથી આ હારમાળા બાંઘલ વિસ્તારમાંથી પસાર થાય છે. બીર-બાંઘલ હારમાળા 6000 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. ત્યારબાદ તે હાથીધારને સમાંતર આગળ વધે છે. હાથીધાર હારમાળા છામ્બ અને કાંગડા જિલ્લા વચ્ચે સીમા બનાવે છે. પાપરોલા હારમાળા કાંગડા ખીણથી બીર-બાંઘલને સ્થગિત કરે છે. તે પછીથી તે બિનુનને પસાર કરીને મંડી સુધી જાય છે, ત્યાં તે સિકંદર ધાર તરીકે ઓળખાય છે. કાંગડા ખીણનો કેટલોક ભાગ ડેરાગોપીપુર તાલુકામાં આવેલો છે.
લઘુ હિમાલયની શિવાલિક હારમાળા કાંગડા જિલ્લામાં આવેલી છે. ઈશાન દિશાએથી શરૂ થતી હારમાળાઓ અહીં એકબીજીને સમાંતર જોવા મળે છે. તેની ઊંચાઈ 400થી 4000 મીટર જેટલી છે. તેમનાં ઉન્નત શિખરો બારે માસ હિમાચ્છાદિત રહે છે. બિયાસ નદી વચ્ચે આવેલો વિસ્તાર જિલ્લાની દક્ષિણ સીમા રચે છે. નૈર્ઋત્યમાં આવેલી ચક્કી નામની સહાયક નદીનો વિસ્તાર ખેતી માટે ઉત્તમ ગણાય છે.
જળપરિવાહ : બિયાસ અહીંની મુખ્ય નદી છે. શિયાળાની ઋતુ દરમિયાન (ડિસેમ્બરથી ફેબ્રુઆરી) તેમાં જળજથ્થો ઓછો હોય છે, પરંતુ વર્ષાઋતુ (જુલાઈથી ઑગસ્ટ) દરમિયાન તેમાં જળજથ્થાનું પ્રમાણ સૌથી વધુ હોય છે. તેની શાખા નદીઓ તેમજ વિશાળ પર્વતમાળાઓએ કાંગડા જિલ્લાને ચમ્બા જિલ્લાથી જુદો પાડ્યો છે. ઐતિહાસિક સ્થળ તરીકે જાણીતા બનેલા બૈજનાથ પાસે આવેલી હારમાળામાંથી બિનુન નામની સહાયક નદી નીકળે છે. સંગહોલથી આગળ ઘણી શાખા નદીઓનાં પાણી ભેગાં થાય છે. કેટલીક શાખા નદીઓ પંજાબના ગુરુદાસપુર જિલ્લા સાથે પણ સીમા રચે છે.
જંગલો : જિલ્લાની આશરે 83 % ભૂમિ જંગલોથી આવરી લેવાયેલી છે. અહીં 3500 મિમી. જેટલો વરસાદ પડે છે. (ભારતમાં વધુ વરસાદ મેળવતા પ્રદેશો પૈકી બીજા ક્રમે.) જંગલ-વિસ્તાર હેઠળ આવેલી 60 % ભૂમિમાંથી આર્થિક ર્દષ્ટિએ ઉપયોગી પેદાશો મેળવાય છે. અહીંનાં મુખ્ય વૃક્ષોમાં ખેર, દેવદાર, ફર, સ્પ્રુસ મુખ્ય છે. 40 % જંગલવિસ્તારમાંથી ઇંધનનાં લાકડાં તથા પોપ્લર, વાંસ પણ મળે છે. બાગાયત ખેતી કરનારા ખેડૂતોને ફૉરેસ્ટ કૉર્પોરેશન દ્વારા ટેક્નિકલ તેમજ આર્થિક સહાય અપાય છે. રાજ્ય સરકારે આ જિલ્લામાં વિકાસ થાય તે માટે સરકારી એજન્સી તરફથી પાલમપુર, કાંગડા, ધરમશાલા, જ્વાલામુખી, દમતાલ, ભવરના, ડેરા, શાહપુર, ગગ્ગલ અને નૂરપુર ખાતે લાકડાંનાં વેપારી મથકો ઊભાં કરાયાં છે.
ખેતી : ખેતી આ જિલ્લાના લોકોનો મુખ્ય વ્યવસાય છે. અહીંના ફળદ્રૂપ ખીણપ્રદેશોને ખેતી હેઠળ લાવવા માટે આધુનિક પદ્ધતિઓનો અમલ કરાવાય છે. જમીનો તેમજ આબોહવા અનુકૂળ હોવાથી અહીં ઘઉં, ડાંગર, મકાઈ, શેરડી, તેલીબિયાં, બટાટા અને ચા જેવા પાકો મેળવાય છે. તે પૈકી બટાટા અને ચા જેવા રોકડિયા પાકોનું મહત્ત્વ વધુ રહે છે. જમીનો રેતાળ અને કાંપની છે. તેમાં પાણી દ્વારા સેન્દ્રિય તત્વો ઉમેરાતાં રહે છે, પરિણામે ખીણપ્રદેશોમાં વર્ષમાં બે પાક લેવામાં આવે છે.
જિલ્લાના મોટાભાગમાં ખરીફ પાક તરીકે મકાઈનું વાવેતર થાય છે. વધુ ઊંચાઈએ બટાટાનું વાવેતર થાય છે. ખીણપ્રદેશોમાં સિંચાઈની સુવિધાને કારણે બટાટા અને ડાંગર મુખ્ય પાક તરીકે ઉગાડાય છે. બાજરી અને કઠોળનું વાવેતર ઓછા પ્રમાણમાં થાય છે. રવી પાક તરીકે ઘઉં અને જવની ખેતી થાય છે. ઊંચાઈ પ્રમાણે લણણીનો સમય જુદો જુદો રહે છે.
800થી 1600 મીટરની ઊંચાઈએ નાના નાના કદના ચાના બગીચા આવેલા છે. અહીં 1750થી 3750 મિમી. જેટલો વરસાદ પડે છે. જમીન લોહતત્વવાળી અને ઢોળાવવાળી હોવાથી તે ચા માટે અનુકૂળ પડે છે. અહીં લીલી અને કાળી એમ બે પ્રકારની ચાની ખેતી થાય છે. ચાની પ્રક્રિયાના એકમો બીર અને પાલમપુર ખાતે ઊભા કરાયેલા છે; જ્યારે ચાનું વેચાણકેન્દ્ર અમૃતસરમાં આવેલું છે.
અહીંની જમીનો અને આબોહવા બંને બાગાયત ખેતી માટે અનુકૂળ હોવાથી ફળોની વાડીઓ વધુ જોવા મળે છે. અહીં ખાટાં ફળો જામફળ, કેરી, પપૈયાં, દ્રાક્ષ, લોકાટ (ચીની/જાપાની વૃક્ષનું ફળ), દાડમ અને ગલગલ(silk cotton fruit)ના બગીચા આવેલા છે. આ ઉપરાંત, પીચ, લીચી, રાસબરી, જરદાલુ અને બદામનું પણ ઉત્પાદન મેળવાય છે.
નગરોટા ખાતે શેતૂરનાં વૃક્ષોનું બિયારણ માટેનું સંશોધનકેન્દ્ર સ્થાપવામાં આવેલું છે. નૂરપુર ખાતે કોશેટા ઉછેરકેન્દ્ર વિકસાવવામાં આવ્યું છે. આ જિલ્લામાં ઉત્પન્ન થતું રેશમ સમગ્ર ભારતમાં ઉત્તમ કક્ષાનું ગણાય છે.
પશુપાલન : આ જિલ્લામાં ગોચરની સુવિધા અને ઉત્તમ પ્રકારનું ઘાસ મળી રહેતું હોવાથી ઘેટાં-બકરાંનું પ્રમાણ વધુ છે. અહીંના મોટાભાગનાં ગામોમાં દેશી અને મેરિનો ઓલાદનાં ઘેટાં ઉછેરવામાં આવે છે. ઘેટાં-બકરાંમાંથી ઊન, ચામડાં અને માંસ મેળવાય છે.
જિલ્લામાં ઢોરઉછેરને પણ મહત્વ અપાય છે. જિલ્લામાં ડેરી-ઉદ્યોગનો વિકાસ થયેલો છે. ડેરી-ઉદ્યોગને કારણે અહીંના લોકોનું જીવનધોરણ સુધર્યું છે. કોટલા, જાલારી અને ડગવાર ખાતે ડેરી ઊભી કરવામાં આવી છે. ડારકોટા ખાતે દૂધ માટે શીતાગાર ઊભું કરવામાં આવ્યું છે. ડેરીમાં દૂધનો પાઉડર, માખણ, ઘી, મલાઈ, તેમજ અન્ય પેદાશોનું ઉત્પાદન મેળવાય છે. ડેરીવહીવટ સરકાર હસ્તક છે.
ઉદ્યોગો : ચૂનાખડકો, સ્લેટ અને કુદરતી વાયુ અહીંથી મળે છે. ચૂનાખડક આધારિત સિમેન્ટ-ઉદ્યોગ ધરમકોટ ખાતે વિકસ્યો છે. 1905થી અહીં ચાની ફૅક્ટરીઓ કાર્યરત છે. કાંગડા અને જ્વાલામુખી ખાતે ધૂપ બનાવવાના મહત્ત્વના એકમો સ્થપાયેલા છે. નૂરપુર અને ડેરા ગોપીપુર ખાતે લાખના એકમો આવેલા છે. કાંગડા ખાતે ખેરના વૃક્ષની છાલમાંથી કાથો બનાવવાનાં કેન્દ્રો કામ કરે છે. સ્લેટ બનાવવાની ફૅક્ટરીઓ ધરમકોટ, ભાગસુ, જિયા, કન્યારા, નરવાના, ડેઓલ અને કંડબારી ખાતે આવેલી છે. ઊન પર આધારિત ઘણા ગૃહઉદ્યોગો છે. નૂરપુર ખાતે શાલ, મફલર, ટોપીઓ અને સ્વેટર બનાવવાના એકમો સ્થપાયેલા છે. પાલમપુર અને મૂલથાન ખાતે ઊની ગાલીચાનાં કેન્દ્રો છે. ઊની વસ્ત્રો બનાવવાના એકમો ધરમશાલા ખાતે છે, જેમાં તિબેટવાસીઓ રોકાયેલા છે. કાંગડા ખાતે ચિનાઈ માટીમાંથી ગૃહોપયોગી કલાત્મક પાત્રો અને વાસણોનો ગૃહઉદ્યોગ વિકસ્યો છે. આ ઉપરાંત, વાંસ અને લાકડામાંથી કોતરણીવાળી કલાત્મક કૃતિઓ બનાવવાના એકમો, સોના-ચાંદીનાં આભૂષણો બનાવવાના એકમો, ધાતુકામ, સાબુ, ફળો અને શાકભાજી આધારિત એકમો પણ છે. વૈજનાથ, કાંગડા, ધરમશાલા, પાલમપુર અને શાહપુર ખાતે ગ્રામીણ ઉદ્યોગ વિકાસ કેન્દ્ર, પૉલિટેકનિક અને ટેકનિકલ શાળા સ્થપાયેલાં છે. ગ્રામીણ વસ્તીના વિકાસ માટે સરકાર દ્વારા આર્થિક સહાય અને સસ્તી જમીન ફાળવી આપીને ગૃહઉદ્યોગોને પ્રોત્સાહન અપાય છે.
વેપાર : આ જિલ્લામાંથી ઊની વસ્ત્રો, ગાલીચા, ધૂપ, સાબુ, લાકડાનું રાચરચીલું, ચા, ફળો, સ્લેટની નિકાસ તથા અનાજ, ખાંડ, કાપડ, દવાઓ, સિગારેટ, કેરોસીન, વીજળીના પંખા વગેરેની આયાત કરવામાં આવે છે.
પરિવહન : જિલ્લાનું ભૂપૃષ્ઠ પહાડી હોવા છતાં સડકમાર્ગો અને રેલમાર્ગોનો વિકાસ થયેલો છે. પઠાણકોટ-જોગિન્દરનગર વચ્ચે ઘણા વળાંકોમાં પસાર થતા નૅરોગેજ રેલમાર્ગની લંબાઈ 163 કિમી. જેટલી છે. જિલ્લામાંના સડકમાર્ગોની કુલ લંબાઈ 2314 કિમી. જેટલી છે. જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા રાજ્યનાં વાહનો પણ અહીંથી પસાર થાય છે, તેથી અવરજવરની સગવડ રહે છે.
પ્રવાસન : પ્રકૃતિસૌન્દર્યને કારણે અહીં પ્રવાસધામો આવેલાં છે. રાજ્યસરકારે પણ પ્રવાસન-ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ હેતુથી હિમાચલ પ્રદેશ પ્રવાસ નિગમ નામની સંસ્થા ઊભી કરી છે. ધરમશાલા-મંડી માર્ગ પરનું વૈજનાથ અહીંનું મહત્વનું યાત્રાધામ છે. 1500 મીટરની ઊંચાઈએ આવેલું ધરમશાલા પ્રકૃતિસૌંદર્યને કારણે પ્રવાસન-ધામ તરીકે વિકસ્યું છે. ધરમશાલા પાસે આવેલાં જ્વાલામુખી અને મસરુર ખાતે આવેલાં પ્રાચીન મંદિરો યાત્રાધામ બની રહેલાં છે. ધરમશાલાથી 15 કિમી.ને અંતરે આવેલું કાંગડા જિલ્લામથક હોવાથી વહીવટી ર્દષ્ટિએ તેનું મહત્વ વધ્યું છે. નૂરપુર પઠાણકોટ નજીક આવેલું ઐતિહાસિક શહેર છે. ઊની વસ્ત્રો બનાવવાની ફૅક્ટરીઓ અહીં વિકસી છે. પાલમપુર તેના કુદરતી સૌન્દર્યને કારણે જાણીતું બન્યું છે. ઘણાં ચલચિત્રોમાં અહીંના પ્રકૃતિસૌંદર્યને વણી લેવામાં આવે છે. કાંગડા ચાના બગીચાઓનું તથા કૃષિ યુનિવર્સિટીનું મથક છે.
વસ્તી : 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 15,07,223 જેટલી છે. અહીં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને જૈન રહે છે. તેઓ બધા હિન્દી અને પહાડી ભાષાનો ઉપયોગ કરે છે. જિલ્લામાં પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીની શૈક્ષણિક સુવિધા ઉપલબ્ધ છે. જિલ્લામથકે અને તાલુકામથકોએ તબીબી-ચિકિત્સાલયો તથા ગ્રામવિસ્તારોમાં પ્રાથમિક સ્વાસ્થ્યકેન્દ્રો ઊભાં કરાયેલાં છે.
ઇતિહાસ : હિમાચલ પ્રદેશની સરકાર દ્વારા જિલ્લાઓની પુનર્રચના થઈ ત્યારે 1972માં કાંગડા જિલ્લાની રચના કરવામાં આવેલી. આજે આ જિલ્લો તાલુકા, ઉપ-તાલુકાનો બનેલો છે. જિલ્લામાં નગરો આવેલાં છે, તે પૈકી એક લશ્કરી છાવણીવાળું નગર છે.
નીતિન કોઠારી