અભાવવાદ : ધ્વનિ તો પ્રવાદમાત્ર છે એમ માનતો મત. આ અભાવવાદના ત્રણ વિકલ્પો વિચારાયા છે. તદનુસાર, શબ્દ તથા અર્થના ગુણ અને અલંકારો જ શોભાકારક હોવાથી, લોક અને શાસ્ત્રથી ભિન્ન એવા સુંદર શબ્દાર્થના સાહિત્યરૂપ કાવ્યનો બીજો કોઈ શોભાહેતુ નથી, જે કહેવાયો ન હોય, તે થયો એક પ્રકાર. જે કહેવાયો નથી તે શોભાકારક હોય જ નહિ તે થયો બીજો પ્રકાર. અર્થાત્ જો ધ્વનિનો અંતર્ભાવ ગુણ, અલંકાર વગેરે પ્રસિદ્ધ પ્રસ્થાનને વિશે ન સંભવે તો તેનું અસ્તિત્વ જ ન હોઈ શકે. ત્રીજા વિકલ્પ અનુસાર, ધ્વનિ નામે કોઈ અપૂર્વ પદાર્થ સંભવતો જ નથી. જો ધ્વનિ નામે કોઈ તત્વ હોય અને તે શોભાકારક પણ હોય તો તેનો અંતર્ભાવ પહેલાં કહેવાયેલા ગુણ કે અલંકારમાં જ થઈ જાય. તેને નવું નામ આપવાની શી જરૂર ? વળી, વાગ્વિકલ્પો તો અનંત હોઈને કદાચ કોઈ પૂર્વે ન કહેવાયેલ પ્રકારવિશેષ તે ધ્વનિ એમ હોય તોપણ તે અંતે તો ગુણ કે અલંકારથી પૃથક્ નથી. વાસ્તવમાં આ પ્રકારનો અભાવવાદ અસ્તિત્વમાં ન પણ હોય અને તેના વિકલ્પો કલ્પી લઈને આનંદવર્ધને તેની રજૂઆત કરી હોય તે શક્ય છે. જો કે, અભિનવગુપ્તે ‘લોચન’ ટીકામાં ધ્વન્યભાવવાદી મનોરથ નામે કવિનો ઉલ્લેખ કર્યો છે ખરો.
તપસ્વી નાન્દી