અભાવ : વૈશેષિક દર્શન અનુસાર જે નથી તે. ‘વૈશેષિકસૂત્ર’માં દ્રવ્યગુણ વગેરે છ ભાવપદાર્થો સ્વીકારાયા છે. પરંતુ પછીના ‘સપ્તપદાર્થી’ વગેરે ગ્રંથોમાં અભાવને પણ એક સ્વતંત્ર પદાર્થનું સ્થાન આપવામાં આવ્યું. તેમાં ‘જે ભાવથી ભિન્ન તે અભાવ’ એવું અભાવનું લક્ષણ દર્શાવાયું છે. એટલે કે જે ‘નથી’ તે. પરંતુ આ તો વિરોધાભાસ લાગે પણ વૈશેષિકો જે જ્ઞેય અને અભિધેય હોય તેને પદાર્થ કહેતા હોઈ, વિરોધાભાસ રહેતો નથી.
અન્નંભટ્ટ જેવા આચાર્યો અભાવના ચાર પ્રકાર દર્શાવે છે : (1) પ્રાગભાવ, (2) પ્રધ્વંસાભાવ, (3) અત્યન્તાભાવ અને (4) અન્યોન્યાભાવ. કેટલાક અન્ય આચાર્યો અભાવના પ્રથમ સંસર્ગાભાવ અને અન્યોન્યાભાવ એમ બે પ્રકાર પાડી સંસર્ગાભાવમાં ઉપરના ચારમાંથી પ્રથમ ત્રણનો સમાવેશ કરે છે. પ્રાગભાવ : કાર્યની ઉત્પત્તિપૂર્વેનો તેનો અભાવ, તન્તુઓમાં ઉત્પન્ન થયા પૂર્વે પટનો જે અભાવ છે તે તેનો પ્રાગભાવ છે. પ્રાગભાવ અનાદિ છે. પણ કાર્ય(પટ)ની ઉત્પત્તિ સાથે જ તે નાશ પામતો હોઈ સાન્ત (સ + અન્ત) છે. પ્રધ્વંસાભાવ : કાર્યનો નાશ થતાં તેનો જે અભાવ ઉત્પન્ન થાય તે. તન્તુઓને વિખેરી નાખતાં (અર્થાત્ તન્તુ-સંયોગના નાશથી) પટનો પ્રધ્વંસાભાવ ઉત્પન્ન થાય છે. આમ તે સાદિ (સ + આદિ) છે. પણ ઉત્પન્ન થયા પછી હંમેશાં રહેતો હોવાથી તે અનન્ત (અન્ + અન્ત) છે. અત્યન્તાભાવ: નિત્યસંસર્ગનો અભાવ. તે અનાદિ, અનંત અને નિત્ય છે. જેમ કે (કેટલાક) વાયુઓમાં રૂપનો અભાવ. અત્યન્તાભાવ એટલે વસ્તુનો સદંતર અભાવ નહિ, પણ તેના અમુક સાથેના સંસર્ગનો જ સર્વકાલિક અભાવ એમ સમજવું જોઈએ. જોકે શ્રીધરાચાર્યના મત પ્રમાણે તો સર્વથા અસત્ વસ્તુનો અભાવ જ અત્યન્તાભાવ છે, જેમ કે શશશૃંગ (સસલાનું શિંગડું). એકબીજાથી ભિન્ન એવી બે વસ્તુઓ વચ્ચેના તાદાત્મ્યનો અભાવ. જેમ કે ઘટ એ પટ નથી, અહીં પરસ્પરના તાદાત્મ્યનો અભાવ છે.
વસંત પરીખ