અભંગ : મરાઠી કાવ્યપ્રકાર. મૂળ તો અભંગ મરાઠી છંદનું નામ છે. પરંતુ એનો ભક્તિભાવની અભિવ્યક્તિ માટે સતત ઉપયોગ થતો રહ્યો, એટલે એ ભક્તિકાવ્યના એક પ્રકાર તરીકે ઓળખાવા લાગ્યો. લોકગીતોની ‘ઓવી’ નામક કાવ્યરચનાનું એ સંશોધિત અને લક્ષણબદ્ધ સ્વરૂપ છે. બારમી સદીમાં ‘ઓવી’ છંદ પ્રચલિત હતો. તેમાંથી અભંગનું શિષ્ટ રૂપ ઘડાયું. વારકરી પંથના અને જ્ઞાનેશ્વર, નામદેવ, એકનાથ તથા તુકારામ જેવા વૈષ્ણવ કવિઓએ એ કાવ્યસ્વરૂપનું વિપુલ ખેડાણ કરીને સમૃદ્ધ કર્યું. એ બધામાં અભંગને સંસ્કારસમૃદ્ધ કરવામાં તુકારામનો ફાળો ઘણો મોટો છે. ગુજરાતીમાં જેમ છપ્પા તો શામળના કહેવાય છે, ગરબીઓ દયારામની કહેવાય છે, તેમ મરાઠીમાં પણ કહેવાય છે કે ‘અભંગવાણી તુકારામાચી, (અભંગવાણી તો તુકારામની). એમની જોડે અભંગ શબ્દ એટલો સંકળાયેલો છે કે તુકારામના અભંગ અને અન્ય કાવ્યપ્રકારમાં રચાયેલાં અભંગ સિવાયનાં પદોના સંકલનને ‘અભંગાચી ગાથા’ નામ અપાયું છે. અભંગ બે પ્રકારના છે : મોટો અભંગ અને નાનો અભંગ. સંત નામદેવે એ છંદનું માપ આપ્યું છે. મોટા અભંગમાં એક પંક્તિમાં 22 અક્ષરો હોય છે અને 6 અક્ષરનાં ત્રણ યુગ્મો હોય છે, અને છેલ્લું યુગ્મ 4 અક્ષરનું હોય છે. એમાં અંત્યાનુપ્રાસ હોય છે અને અન્તર્યમક પણ હોય છે. નાના અભંગમાં 8 અક્ષરો હોય છે, પણ ઘણી વાર પહેલા 2 અક્ષરો લુપ્ત થતાં 6 અક્ષરો જ રહી ગયા હોય છે.
અભંગ તેરમી સદીમાં શરૂ થયેલો અને સત્તરમી સદીના અંત સુધી અત્યંત લોકપ્રિય રહ્યો હતો. ગુજરાતીમાં પણ આ પ્રકાર ભોળાનાથ સારાભાઈથી માંડીને ઉમાશંકર જોષી સુધીના કવિઓએ યત્કિંચિત ખેડેલો છે.
ઉષા ટાકળકર