કાહ્લો, ફ્રિડા

January, 2006

કાહ્લો, ફ્રિડા (જ. 6 જુલાઈ 1910, મેક્સિકો; અ. 13 જુલાઈ 1954 મેક્સિકો) : આધુનિક મેક્સિકન મહિલા-ચિત્રકાર. મેક્સિકોના મૂળ નિવાસી ઇન્ડિયન તથા સ્પૅનિશ આગંતુકોનું મિશ્ર લોહી ધરાવતી માતા તથા યહૂદી જર્મન પિતાનું તે ફરજંદ. પિતા મેક્સિકો ખાતેના સ્પૅનિશ વસાહતી સ્થાપત્યના ફોટોગ્રાફર હતા. ફ્રિડા શાલેય અભ્યાસના છેલ્લા વરસમાં હતી ત્યારે તેની કાર સાથે ધસમસતા માતેલા સાંઢ સમા એક ટ્રકનો અકસ્માત થયો. સોળ વરસની ફ્રિડા બચી તો ગઈ, પણ તબીબી અભ્યાસનું તેનું સ્વપ્ન સદાને માટે રગદોળાઈ ગયું. અઢાર મહિના સુધી હૉસ્પિટલમાં અને ઘરમાં પથારીમાં પ્લાસ્ટર કાસ્ટમાં જકડાઈને પડી રહ્યા બાદ હતાશામાંથી બહાર નીકળવા માટે તેણે ચિત્રસર્જન શરૂ કર્યું. અગાઉ જીવનમાં તેણે ક્યારેય પીંછી હાથમાં પકડી નહોતી. પોતે ચાલવા સક્ષમ થઈ પછી પોતે ચીતરેલાં ત્રણ નાનાં ચિત્રો લઈ ફ્રિડા મેક્સિકોના ખ્યાતનામ ભીંતચિત્રકાર ડાયેગો રિવેરા(Diego Rivera)ને બતાવવા ગઈ. રિવેરા સાથેની એ તેની પહેલી જ મુલાકાત હતી. મેક્સિકો સરકારના શિક્ષણ-મંત્રાલયના મકાનની કોઈ ભીંત ઉપર એ વખતે રિવેરા માંચડા પર ચઢીને ભીંતચિત્ર ચીતરી રહ્યા હતા. રિવેરાએ ફ્રિડાનાં ચિત્રો જોઈ કહ્યું કે તે ત્રણ ચિત્રો પ્રસિદ્ધ મેક્સિકન ચિત્રકાર મૉન્તેનિગ્રો(Montenegro)ની શૈલીને અનુસરતાં હતાં. રિવેરાએ ફ્રિડાને કંઈક મૌલિક સર્જન કરવાની સલાહ આપી. ધીમે ધીમે રિવેરા અને ફ્રિડા વચ્ચે પ્રેમાંકુર ફૂટ્યાં. થોડા વખતમાં બંને પરણી ગયાં. લગ્ન પછી ફ્રિડાનું ચિત્રસર્જન બંધ પડી ગયું ! ઉપરાંત કૂખમાં આકાર પામેલ ગર્ભ અધૂરા માસે જ આપોઆપ પડી જવાની લાંબી પરંપરા ફ્રિડાના જીવનમાં પ્રગટી. આવી જ એક દુર્ઘટના વખતે જ્યારે ફ્રિડા અમેરિકા(યુ.એસ.)માં હતી ત્યારે તેણે મૂકી દીધેલ ચિત્રસર્જન ફરી શરૂ કર્યું. આ તબક્કાનું તેનું પ્રથમ ચિત્ર ‘માય ફર્સ્ટ મિસ્કેરેજ’ ખૂબ ખ્યાતિ પામ્યું. પોતાના પ્રથમ ગર્ભપાતની નિરાશાજનક પરિસ્થિતિનું તેમાં દુ:ખદ આલેખન છે. તેમાં ચિત્ર વચ્ચે ચીતરેલા ખાટલામાં ફ્રિડાએ પોતાને નગ્ન અવસ્થામાં સૂતેલી ચીતરી છે અને ખાટલાની આજુબાજુ એક કઢંગું ભ્રૂણ, એક ફૂલદાની, એક મૂરઝાયેલું ફૂલ, સ્ત્રીના નિતંબનાં હાડકાં, તથા પુરુષના જનનાંગના ઘાટની એક ગોકળગાય ચીતર્યાં છે. ખાટલામાં પોતાના યોનિદ્વારમાંથી નીકળેલ લોહીનાં ધાબાં તથા ગર્ભનાળ (umbilical cord) ચીતર્યાં છે. એ પછી એક બીજા ચિત્રમાં તેણે બે ખુલ્લી સાથળોની વચ્ચે યોનિદ્વાર આગળ પોતાનું કપાયેલું પડેલું મસ્તક ચીતર્યું છે. માતૃત્વ સંપાદન કરવામાં સાંપડેલી નિષ્ફળતા અને હતાશા આ ચિત્રોમાં સ્પષ્ટ વ્યક્ત થઈ છે.

રિવેરાને યુ.એસ.માં ભીંતચિત્રો ચીતરવાની વરદી મળતી બંધ થઈ જતાં ફ્રિડા 1934માં રિવેરા સાથે મેક્સિકો પાછી આવી. હવે ફ્રિડાએ આત્મચિત્રોની લાંબી શ્રેણી ચીતરવાની શરૂ કરી. તેમાં ફ્રિડા પ્રસન્ન ચહેરે રમતિયાળ વાંદરાં, કુરકુરિયાં, બિલાડીનાં બચ્ચાં, ખિસકોલી, આદિ નાનાં ચંચળ જનાવરોથી વીંટળાયેલી જોવાં મળે છે. આ ચિત્રો અગાઉનાં ચિત્રો જેવાં ગમગીન અને ગ્લાનિપ્રેરક ન હોવા છતાં ફ્રિડાની માતૃત્વની અદમ્ય અને અતૃપ્ત ઝંખનાનાં સ્પષ્ટપણે દ્યોતક છે.

એ પછીનું તેનું અગત્યનું ચિત્ર છે ‘માય પ્રિ-નાટાલ લાઇફ’ (My Pre-Natal Life). આ એક સમૂહવ્યક્તિચિત્ર છે; જેમાં ત્રણ વરસની નાનકડી નગ્ન બાળા ફ્રિડા, તેનાં માતાપિતા, તેનાં દાદાદાદી અને નાનાનાનીનું આલેખન છે. વધારામાં પોતાની માતાના પેટ ઉપર ત્રણ માસનો ગર્ભ તથા તેની નીચે અંડકોષ તરફ પ્રયાણ કરી રહેલો એક શુક્રકોષ પણ આલેખવામાં આવ્યા છે. આમ, ગર્ભધારણ અને માતૃત્વના વિષયને આ ચિત્રમાં પણ અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે.

પરાવાસ્તવવાદી ચળવળના પ્રણેતા અને ફ્રેંચ કવિ આન્દ્રે બ્રેતોં 1938માં મેક્સિકો આવ્યા અને ફ્રિડાનાં ચિત્રો જોઈ પ્રભાવિત થયા. 1939માં બ્રેતોંએ આધુનિક મેક્સિન ચિત્રોના એક ચિત્રપ્રદર્શનનું આયોજન પૅરિસમાં કર્યું; તેમાં ફ્રિડાનાં ઘણાં ચિત્રો પ્રદર્શિત થયેલાં. 1939માં ફ્રિડાએ રિવેરા સાથે છૂટાછેડા લીધા. સોવિયેત સંઘમાંથી ભાગી છૂટેલા નેતા ટ્રૉટ્સ્કીને ફ્રિડાએ થોડા મહિના સુધી પોતાના ઘરમાં આશ્રય આપેલો.

અમિતાભ મડિયા