કાસ્પિયન સમુદ્ર : દુનિયાનો સૌથી મોટો ભૂવેષ્ટિત સમુદ્ર. યુરોપ અને એશિયાની સીમા પર તે કાળા સમુદ્રથી પૂર્વમાં આવેલો છે. તે રશિયા, અઝરબૈઝાન, કઝાખસ્તાન અને તુર્કમેનિસ્તાન તથા ઈરાનના ભૂમિવિસ્તારોથી ઘેરાયેલો છે. કાસ્પિયન 37o થી 47o ઉ. અ. અને 48o થી 52o પૂ. રે. વચ્ચે પથરાયેલો છે. લંબાઈ ઉત્તર-દક્ષિણે 1210 કિમી. અને પહોળાઈ પૂર્વ-પશ્ર્ચિમ 210થી 436 કિમી. કુલ ક્ષેત્રફળ 4,24,306.75 ચોકિમી.. ભૂતકાળમાં તે કાળા સમુદ્ર અને અરલ સમુદ્ર સાથે જોડાયેલો હતો પણ ભૂમિનાં આંતરિક પ્રતિબળોએ તે બંનેથી તેને જુદો કરી નાખ્યો છે. તે દરિયાઈ સપાટીથી 279 મીટર નીચો છે. તેની મહત્તમ ઊંડાઈ 1000 મી. જેટલી છે.
તેના પાણીની ક્ષારતા માત્ર 13 ટકા છે. ઉત્તરના ભાગમાં વૉલ્ગા તેમાં ઠલવાય છે. ઉત્તર સમુદ્ર છીછરો છે તેથી મત્સ્ય-ઉદ્યોગ વિકસ્યો છે. તેના ઉત્તર ભાગમાં 80 % જેટલું સ્વચ્છ જળ વૉલ્ગા દ્વારા મળતું રહે છે. તેથી ઉત્તર ભાગમાં તેની ક્ષારતા ઓછી છે. આ સિવાય અરબ, એમ્બા, ટરેક, કુરા અને અત્રેક નદીઓ પણ તેને મળે છે. અસ્ત્રાખાન (રશિયા), બાકુ (અઝરબૈઝાન), બંદરશાહ (ઈરાન) તેના પરનાં મહત્વનાં બંદરો છે. તેમાં ભરતી આવતી નથી, પરંતુ વેગીલા પવનોની અસરને કારણે તેમાં નૌકાવ્યવહાર કરવાનું સલામત ગણાતું નથી. 1991ની શરૂઆતમાં તેની સપાટી કોઈક કારણોસર ઊંચી આવવાથી કાંઠાના ઔદ્યોગિક એકમો જોખમમાં મુકાયા હતા.
જૈનાબસુલતાના અહમદ સૈયદ