કાલિક્રાટેસ (ઈ. પૂ. પાંચમી સદી) : પ્રાચીન ગ્રીક સ્થપતિ. એક્રોપૉલિસ ખાતે દેવી ઍથિના નાઇકીનાં અને સ્થપતિ ઇક્ટિનૂસ સાથે પાર્થેનૉનનાં મંદિરોની ડિઝાઇન તેણે કરેલી. એક્રોપૉલિસ ખાતેનું દેવી ઍથિના નાઇકીનું મંદિર કાલિક્રાટોસે ગ્રીક સ્થાપત્યની આયૉનિક શૈલીમાં ડિઝાઇન કર્યું છે. આ મંદિરનું બાંધકામ ઈ. પૂ. 427માં શરૂ થયું અને ઈ. પૂ. 424માં પૂર્ણ થયું.

કાલિક્રાટેસ અને ઇક્ટિનૂસે ભેગા મળીને પાર્થેનોન મંદિરની ડિઝાઇન ગ્રીક સ્થાપત્યની ડોરિક શૈલીમાં તૈયાર કરી. ગ્રીક તળભૂમિ પર ડોરિક શૈલીનું આ સૌથી મોટું બાંધકામ છે; જે ઈ. પૂ. 447માં શરૂ થયું અને ઈ. પૂ. 438માં પૂર્ણ થયું. એથેન્સમાં ઇલિસૉસ નદીના કાંઠે આયોનિક શૈલીમાં બાધેલું અને 1778માં નષ્ટ પામેલું મંદિર કાલિક્રાટેસે જ ડિઝાઇન કરેલું એમ વિદ્વાનોનું માનવું છે. આ ઉપરાંત ડેલોસ ટાપુ ઉપર ડોરિક શૈલીમાં બાંધેલું એપૉલોનું મંદિર પણ તેણે જ ડિઝાઇન કરેલું એવું પણ વિદ્વાનોનું માનવું છે. ‘આર્કિટેક્ટ્સ ઑવ્ ધ પાર્થેનૉન’ના લેખક ર્હીસ (Rhys) કાર્પેન્ટરના મંતવ્ય મુજબ રહેમ્નૉસ ખાતેના મંદિર, આર્કાર્ને ખાતે આરેસ મંદિર, સુનિયોન ખાતેના પોસાઇડન મંદિરની ડિઝાઇનો પણ કાલિક્રાટેસે તૈયાર કરેલી.

અમિતાભ મડિયા