ગોલકોંડા : હૈદરાબાદથી આશરે 11 કિમી. પશ્ચિમે આવેલું મધ્યકાળથી મહત્વનું અને સમૃદ્ધ ગણાતું ઐતિહાસિક નગર. માર્કો-પોલોએ પોતાની પ્રવાસનોંધમાં તેનો ઉલ્લેખ કર્યો છે. સોળમી અને સત્તરમી સદી(1512–1687)માં તે કુતુબશાહી સામ્રાજ્યનું પાટનગર અને દક્ષિણની મુસ્લિમ સલ્તનતોમાંનું એક શક્તિશાળી રાજ્ય ગણાતું. દક્ષિણની ગોદાવરી અને કૃષ્ણા નદીની ખીણના તથા તેની આસપાસના વિસ્તારમાં આ રાજ્યનો પ્રદેશ હતો. 1564માં બિદર, અહમદનગર, બિજાપુર અને ગોલકોંડા વચ્ચે સંધિ થતાં 1565ના તાલિકોટાના યુદ્ધમાં તેમની સેનાઓએ સંયુક્ત રીતે મુઘલ આક્રમણનો સામનો કર્યો હતો. 1564માં અહમદનગર, બિજાપુર અને ગોલકોંડા વચ્ચે મૈત્રીકરાર પણ થયો હતો, જેમાંથી સમવાયતંત્ર(confederation)ની સ્થાપના કરવામાં આવી હતી. 1632માં ગોલકોંડાના સુલતાને અંગ્રેજોને પોતાના સામ્રાજ્યમાં વ્યાપાર કરવાનો પરવાનો આપ્યો, જે ‘સોનેરી ફરમાન’ તરીકે ઓળખાય છે. આ સંધિને કારણે ગોલકોંડા સામ્રાજ્યની સમૃદ્ધિમાં નોંધપાત્ર વધારો થયો હતો. 1677માં મરાઠા શાસક છત્રપતિ શિવાજીએ તેની સાથે શાંતિ અને સુલેહનો સંધિકરાર કર્યો હતો. 1687માં ઔરંગઝેબે તેના પર ફરી આક્રમણ કર્યું, જેમાં મુઘલ સમ્રાટનો વિજય થતાં મુઘલ સામ્રાજ્યમાં ગોલકોંડાનું વિલીનીકરણ કરવામાં આવ્યું હતું.
કુતુબશાહીના શાસનકાળ દરમિયાન ગોલકોંડા રાજ્યમાં સાહિત્ય અને કળા ખૂબ વિકાસ પામ્યાં હતાં. કુતુબશાહી રાજ્યકર્તાઓ અરબી ભાષા અને સાહિત્યના ચાહક અને આશ્રયદાતા હતા. તેમના કાર્યકાળ દરમિયાન ધવ્વાસી, ઇબ્ન-ઇ-નિશાતિ અને તાબિ જેવા સમર્થ કવિઓએ સાહિત્યક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે.
હાલના હૈદરાબાદ નગરની પશ્ચિમે 8 કિમી. અંતરે આશરે 5 કિમી. પરિધિ ધરાવતો ગોલકોંડાનો દુર્ગ છે. વરંગળના રાજાએ એ બંધાવ્યો હોવાનું મનાય છે. ગ્રૅનાઇટના ડુંગર પર બંધાયેલા તે કિલ્લાનો કોટ ત્રણ માઈલના ઘેરાવાવાળો તથા 87 બુરજોવાળો છે. કિલ્લાની અંદરના વિસ્તારમાં જૂના જમાનાનાં રાજપ્રાસાદો, મહાલયો, મસ્જિદો તથા
કુતુબશાહોના મકબરા અને રોજા ગોલકોંડા સામ્રાજ્યમાં વિકસેલ સ્થાપત્યની આગવી શૈલીનાં સૂચક છે. દુર્ગની આજુબાજુના કોટને પહેલાં ફરતી ખાઈ હતી. આ કોટની દીવાલ 5.2થી 10.4 મીટર (17થી 34 ફૂટ) જેટલી પહોળી છે. કુતુબશાહીના મકબરામાંથી ઘણા આજે પણ અકબંધ છે. હૈદરાબાદની મક્કા મસ્જિદ ને ત્યાંના પ્રસિદ્ધ ચાર મિનાર બંધાવનાર મહમદ કુલી કુત્બશાહનો મકબરો આજે પણ તેની મૂળ ભવ્યતાનો પરિચય આપે છે. 54.9 મીટર (180 ફૂટ) ઊંચા એ મકબરામાં 18.3 મીટર (60 ફૂટ) ઊંચો તો તેનો ઘુમ્મટ છે. એના પરનું શોભન હજી થોડું ટકી રહ્યું છે. તે જમાનાની વિશિષ્ટ સ્થાપત્યકળાનો તે પરિચય આપે છે. સત્તરમી સદીના પ્રથમ પાંચ દાયકામાં તે સામ્રાજ્યમાં ચિત્રકળાનો પણ ખૂબ વિકાસ થયેલો.
એક વિકસિત અને સમૃદ્ધ વ્યાપારી કેન્દ્ર ઉપરાંત ગોલકોંડા હીરાની ખાણો માટે પણ ખ્યાતિ ધરાવતું હતું. ત્યાંના પ્રાચીન દુર્ગનો ઉપયોગ હાલ કેદખાના તરીકે કરવામાં આવે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે