કાર્બોનેટાઇટ : એક વિશિષ્ટ પ્રકારનો અગ્નિકૃત આલ્કલી ખડક. તે ચૂનાખડક જેવો દેખાતો હોવા છતાં ચૂનાખડકનો સમાનઅર્થી નથી, પરંતુ ઘણાં સ્થાનોમાં અંતર્ભેદિત અગ્નિકૃત આલ્કલી ખડકો સાથે મળી આવતો અંતર્ભેદિત કાર્બોનેટ ખડક છે. કાર્બોનેટાઇટ મુખ્યત્વે કૅલ્સાઇટ અને ડૉલોમાઇટ ખનિજોથી બનેલો, સ્ફટિકમય કણરચનાવાળો એક વિશિષ્ટ પ્રકારનો અગ્નિકૃત ખડક છે. તેના બંધારણમાં કૅલ્સાઇટ અને ડૉલોમાઇટ ઉપરાંત બૅરાઇટ, ઍપેટાઇટ, ફ્લૉરાઇટ, મૉનેઝાઇટ અને પાયરોક્લૉર જેવાં ખનિજો રહેલાં હોય છે. કૅલ્શિયમની વધુ માત્રાવાળો શુદ્ધ કાર્બોનેટાઇટ ખડક 90 % કૅલ્સાઇટ ખનિજથી બનેલો હોય છે અને તેમાં અન્ય ખનિજોનું પ્રમાણ 10 % જેટલું હોય છે. આ પ્રકારનો કાર્બોનેટાઇટ ‘સોવાઇટ’ નામથી ઓળખાય છે.
કાર્બોનેટાઇટની ઉત્પત્તિ વિવાદાસ્પદ રહી છે. એક મંતવ્ય મુજબ આ ખડક એકત્રિત (mobilised) ચૂનાખડક છે. બીજા મત અનુસાર તે સોડા અને લાઇમની વધુ માત્રાવાળા મૅગ્માની એક અવસ્થા (phase) દર્શાવે છે. વળી એવું પણ માનવામાં આવે છે કે કાર્બોનેટાઇટ ખડકો લગભગ શુદ્ધ કાર્બોનેટ ખડકો છે, જે ચૂનાખડક અને ડૉલોમાઇટ ખડકની દીવાલો અને બેઝિક મૅગ્મા વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને કારણે ઉત્પન્ન થાય છે.
ગુજરાતમાં કાર્બોનેટાઇટ ખડકો વડોદરા જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના આંબાડુંગર વિસ્તારમાં મળી આવે છે. ત્યાં વિવિધ રંગો અને સ્વરૂપોમાં મળી આવતું આર્થિક મહત્વનું ફ્લોરાઇટ ખનિજ કાર્બોનેટાઇટ ખડકો સાથે સંકળાયેલું છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે