કાર્બનિક ઔષધ-રસાયણ (Organic Pharmaceutical Chemistry)
January, 2006
કાર્બનિક ઔષધ-રસાયણ (Organic Pharmaceutical Chemistry) : ઔષધીય ગુણો ધરાવતા તથા ઔષધોના ઉપયોગમાં મદદકર્તા કાર્બનિક પદાર્થોનું રસાયણ. કાર્બનિક પદાર્થોના પદ્ધતિસર અભ્યાસ ઉપરાંત ઔષધ તરીકે પદાર્થોની પરખ, આમાપન (assay), તેમાં રહેલી વિષાળુ અશુદ્ધિઓની પરખ વગેરે બાબતના અભ્યાસ ઉપર ફાર્માકોપિયા અનુસાર વધુ ભાર મુકાય છે.
વળી કાર્બનિક સંશ્લેષણનો અતિ ઝડપી વિકાસ થતાં જરૂરી ગુણધર્મો ધરાવતા તથા વધુ ચોક્કસ અસર નિપજાવતા પદાર્થો બનાવવાનું શક્ય બન્યું હોઈ કાર્બનિક ઔષધરસાયણની ઉપયોગિતા ઘણી વધી ગઈ છે. વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિમાંથી પણ અતિઉપયોગી પદાર્થો મળ્યા છે અને તેથી આ બધાનું રસાયણ આ વિષયમાં આવરી લેવાય છે. આથી કાર્બનિક ઔષધીય રસાયણ વિશાળ વિષય બની ગયો છે.
સંતૃપ્ત હાઇડ્રોકાર્બન (પૅરેફિન્સ અથવા આલ્કેન્સ) : ઈથેન (C2H6) વધુ પ્રમાણમાં સૂંઘવામાં આવતાં સ્વાપક (narcotic) અસર ઉપજાવે છે. સામાન્ય રીતે બધા જ આલ્કેન્સ આ પ્રમાણે વર્તે છે. પ્રવાહી પૅરેફિન જુલાબ તરીકે જ્યારે ઘન પૅરેફિન શૃંગારસાધનોમાં અને મલમમાં બેઝ તરીકે વપરાય છે. સાઇક્લોપ્રોપેન નિશ્ચેતક ગુણ ધરાવે છે અને વાઢકાપ અગાઉ સાધારણ ઘેન લાવવા માટે વપરાય છે.
અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન્સ (ઓલેફિન્સ, આલ્કીન્સ) : ઇથિલીન નિશ્ચેતક તરીકે વપરાય છે.
આલ્કોહૉલ્સ : મિથેનૉલ અથવા મિથાઇલ આલ્કોહૉલ (CH3OH) ખૂબ ઝેરી છે. તે દ્રાવક તેમજ એન્ટિફ્રીઝ તરીકે વપરાય છે. તે (લઠ્ઠારૂપે) પીવાથી અને શ્વાસમાં જવાથી અંધાપો, ઊલટી કે મૃત્યુ થાય છે. શરીરમાં તેનું ફૉર્માલ્ડિહાઇડમાં ઉપચયન (oxidation) થવાથી આમ બને છે. ઇથાઇલ આલ્કોહૉલ (C2H5OH) ઔષધો બનાવવામાં તથા વિવિધ માદક પીણાંની બનાવટમાં વપરાય છે. શરીરમાં તેનું ઉપચયન થતા CO2 અને H2O બને છે. વધુ પ્રમાણમાં તે કેન્દ્રીય ચેતાતંત્ર અવસાદનની અસર ધરાવે છે તેથી તેને મિથેનૉલ કે બીજી કોઈ અન્ય રીતે (5 %) ડીનેચર્ડ કરવામાં આવે છે. માદક પીણાં, ટિંક્ચરો તથા પરફ્યુમ બનાવવામાં તે વપરાય છે. તે ચેપનાશક તરીકે વપરાય છે. હૃદયશૂળ(angina)માં તે 30થી 60 મિલી. પીવાથી રાહત રહે છે. વધુ પ્રમાણમાં લેવાથી પેટ(peptic)નું ચાંદું, યકૃત(liver)ની ખરાબી તથા મોત પણ નીપજે છે. ક્લૉરોબ્યુટોલ અથવા ક્લૉરેટોન (CH3)2 C(CCl3)OH નિદ્રાકારી ઔષધ તરીકે તેમજ સમુદ્રીય માંદગી(sea sickness)માં વપરાય છે. હાલમાં તે સેલ્યુલોઝ એસ્ટર તથા સેલ્યુલોઝ ઈથરમાં સુઘટ્યકારક (plasticiser) તરીકે વપરાય છે. સીટોસ્ટીરાઇલ આલ્કોહૉલ મીણના પાયસીકરણ(emulsification)માં વપરાય છે.
ઈથર : ડાઇઇથાઇલ ઈથર નિષ્કર્ષણ માટે દ્રાવક તરીકે તેમજ નિશ્ચેતક તરીકે વપરાય છે. થોડા પ્રમાણમાં ઇથેનૉલયુક્ત ઈથરના મિશ્રણને સ્પિરિટ ઑવ્ ઈથર કહેવામાં આવે છે. વિનાઇલ ઈથર આંશિક નિશ્ચેતક તરીકે વપરાય છે.
આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો : ફૉર્માલ્ડિહાઇડનું 37 %નું દ્રાવણ (ફૉર્માલીન) નમૂનાની જાળવણી તથા જંતુઘ્ન તરીકે વપરાય છે. સોડિયમ સલ્ફોક્સિલેટ કે બાયસલ્ફાઇટ લવણો પારાના વિષ સામે મારણ તરીકે વપરાય છે. એસેટાલ્ડિહાઇડ સ્વાપક અસર ધરાવે છે. ક્લૉરલ (CCl3CHO) નિદ્રાકારી તથા શામક ઔષધ તરીકે તેમજ અપસ્મારવિરોધી ઔષધ તરીકે વપરાય છે. વધુ માત્રામાં તે ઝેરી હોઈ તેનાથી બેભાન થવું, હૃદય ધીમું પડી જવું કે છેવટે મૃત્યુ થવું જેવી અસર પણ થાય છે. મુખ્યત્વે તે હવે ડીડીટી જેવું જંતુનાશક બનાવવા વપરાય છે. એસીટોન મુખ્યત્વે દ્રાવક તરીકે વપરાય છે.
હેલોજન સંયોજનો : ઇથાઇલ ક્લૉરાઇડ (C2H5Cl) છંટકાવ રૂપે નિશ્ચેતક તરીકે વપરાય છે. ક્લૉરોફૉર્મ (CHCl3) સૂંઘવાના નિશ્ચેતક તરીકે વપરાય છે. અગાઉ તે કૃમિનાશક તરીકે પણ વપરાતું. આયોડોફૉર્મ (CHI3) જંતુઘ્ન તથા ચેપનાશક તરીકે મલમ રૂપે વપરાય છે. કાર્બન ટેટ્રાક્લૉરાઇડ (CCl4) કૃમિનાશક તરીકે 3 મિલી. ડોઝમાં વપરાય છે. વધુ પીવાથી મૂત્રપિંડને નુકસાન થાય છે અને શ્વસનતંત્રની તકલીફ થાય છે. ટ્રાઇક્લૉરોઇથિલીન (ClCH = CCl2) તથા ટેટ્રાક્લૉરોઇથિલીન (Cl2C = CCl2) નિશ્ચેતક તરીકે વાપરવામાં આવે છે. ક્લૉરોફેનિરઍમાઇન મેલિયેટ સામાન્ય ફેનિરએમાઇન મેલિયેટ કરતાં વધુ પ્રતિહિસ્ટામિન (antihistamine) અસર ધરાવે છે.
કાબૉર્ક્સિલિક ઍસિડ : બેન્ઝોઇક અને સેલિસિલિક ઍસિડ ચેપનાશક તરીકે વપરાય છે. સેલિસિલિક ઍસિડનાં વિવિધ વ્યુત્પન્નો, જેવાં કે ઍસ્પિરિન, સેલોલ, મિથાઇલ, સેલિસિલેટ વગેરે અગત્યનાં ઔષધો છે. એમીનોફીનૉલ સમૂહમાં ફીનાસિટિન, એસેટએમીનોફીન તાવ ઉતારનાર (antipyretic) તથા વેદનાહર (analgesic) ઔષધ છે. આ ઉપરાંત આર્સફિનામાઇન અથવા સાલ્વરસન ઔષધ પણ આ વર્ગનું છે; તેમાં આર્સેનિક હોય છે. બેન્ઝોકેઇન (ઇથાઇલ-p એમીનોબેન્ઝોએટ), પ્રોકેન ઔષધો નિશ્ચેતક તરીકે વપરાય છે.
ઍસિડ-એસ્ટરમાં ઍમાઇલ નાઇટ્રાઇટ (CH3)2CHCH2CH2ONO2 હૃદયરોગમાં ટૂંકા ગાળા માટે લોહીની ધમનીઓ પહોળી કરવા માટે (vasodilator) વપરાય છે. દમમાં સૂંઘવા માટે તેમજ સાયનાઇડ વિષના મારણ તરીકે તે વપરાય છે. ટ્રાઇનાઇટ્રોગ્લિસરૉલ હૃદયરોગમાં વપરાય છે : સલ્ફરયુક્ત ઔષધોમાં
જેમને સલ્ફાનિલ ઍમાઇડ્ઝ (સલ્ફા મિથેક્સોઝોલ, સલ્ફડિમિડીન, સલ્ફાગોનિડીન, સલ્ફાથાયઝોલ વગેરે) કહેવામાં આવે છે તે રસાયણચિકિત્સા(chemotherapy)માં ખૂબ અગત્યનાં ઔષધો છે. આ ઉપરાંત એમ્ફીટઍમાઇન, નિકોટિનિક ઍસિડ, તેનો ઍમાઇડ, સૅકેરીન, થાયમોલ વગેરે વિવિધ વિભાગનાં ઔષધો પણ તેમાં આવરી લેવામાં આવે છે. આ કાર્બનિક ઔષધોની વિસ્તૃત માહિતી (જેમકે તેમનું બંધારણ, બનાવવાની પદ્ધતિ, તેના પૃથક્કરણની પદ્ધતિ, તેના ઔષધીય ગુણધર્મો, આડઅસર વગેરે) જે તે વિભાગમાંથી મળી શકે છે. આમાં પણ ખાસ કરીને વિષમચક્રીય સંયોજનોએ કાર્બનિક ઔષધ રસાયણમાં ઘણો અગત્યનો ભાગ ભજવ્યો છે.
જ. પો. ત્રિવેદી