કામેરોન, જુલિયા માર્ગારેટ (જ. 11 જૂન 1815, કોલકાતા, ભારત; અ. 26 જાન્યુઆરી 1879, કાલુતારા, શ્રીલંકા) : બ્રિટિશ ફોટોગ્રાફર, ઓગણીસમી સદીમાં ફોટોગ્રાફીના માધ્યમમાં વ્યક્તિચિત્રો સર્જનારા વિશ્વના શ્રેષ્ઠ કલાકારોમાંનાં એક.
બાળપણ ભારતમાં વીત્યું. એક નિવૃત્ત અફસર સાથે લગ્ન થતાં 1848માં કામેરોન પતિ સાથે બ્રિટન ચાલ્યાં ગયાં. 1860માં બંને આઇલ ઑવ્ વીટ પર જઈ સ્થિર થયાં, જ્યાં કવિ આલ્ફ્રેડ લૉર્ડ ટેનિસન તેમના પાડોશી હતા. 1863માં કામેરોનને એક કૅમેરા ભેટ તરીકે મળ્યો અને તેમણે ફોટોગ્રાફી શરૂ કરી; ઘરમાં જ એક ઓરડાનો ડાર્કરૂમ તરીકે વિકાસ કર્યો. તેમણે કૅમેરા વડે વ્યક્તિચિત્રો સર્જવાં શરૂ કર્યાં. તેમના મિત્રો જ તેમના મૉડેલ બન્યા : કવિઓ ટેનિસન અને હેન્રી વર્ડ્ઝવર્થ, લૉન્ગફેલો, ખગોળશાસ્ત્રી સર જૉન હર્શલ, લેખક થૉમસ કાર્લાઇલ, તથા વિજ્ઞાની ચાર્લ્સ ડાર્વિન. સ્ત્રીઓનાં વ્યક્તિચિત્રો કામેરોને અસાધારણ સંવેદનશીલતાથી આલેખ્યાં. તેમાંથી બે વ્યક્તિચિત્રો તેમનાં શ્રેષ્ઠ સર્જનો ગણાય છે : ‘એલેન ટૅરી’ (1864) અને ‘મિસિસ હર્બર્ટ ડકવર્થ’ (1867).
સમકાલીન રંગદર્શી માહોલ અને આબોહવાનો પ્રભાવ કામેરોન ઉપર હતો જ. ટેનિસનની વિનંતી માનીને તેમણે ‘આઇડલ્સ ઑવ્ ધ કિન્ગ’ માટે ફોટોગ્રાફ સર્જ્યા, જે તે પુસ્તકમાં પ્રસંગચિત્રો તરીકે છપાયાં છે. આ ફોટોગ્રાફ ઉપર ચિત્રકાર જ્યૉર્જ ફ્રેડરિક વૉટ્સનો પ્રભાવ છે. વૉટ્સ તેમના ઘડવૈયા તથા વીસથી પણ વધુ વરસો સુધી ગુરુ હતા.
ટેકનિકની ર્દષ્ટિએ કામેરોનના ફોટોગ્રાફ નબળા હતા તે મુદ્દે તેમની ટીકા ઘણી વાર થતી રહેલી. તેમના કેટલાક ફોટોગ્રાફ ‘આઉટ ઑવ્ ફોકસ’ છે તથા કેટલીક પ્લેટોમાં આંગળીઓનાં ટેરવાંની છાપો જોવા મળે છે; પરંતુ કામેરોનનો રસ ટેકનિકલ પૂર્ણતામાં નહિ, પણ ફોટોગ્રાફના ભાવાત્મક/ભાવનાત્મક ઊંડાણમાં જ હતો. આજે તેમના ફોટોગ્રાફ ટેકનિકલ ખામી હોવા છતાં વિશ્વના શ્રેષ્ઠ ફોટોગ્રાફોમાં સ્થાન પામે છે.
1875માં કામેરોન તેમના પતિ સાથે શ્રીલંકા રહેવા ચાલ્યાં ગયાં. સાથે ફોટોગ્રાફીનાં ઉપકરણો ઉપરાંત બ્રિટિશ ઓલાદની એક ગાય અને બે શબપેટીઓ પણ તેઓ લેતાં ગયેલાં. પૌરસ્ત્ય દેશમાં દફનવિધિ માટે શબપેટી મળશે કે નહીં એ વિશે તેમના મનમાં અંદેશો હતો. શ્રીલંકામાં તેમણે ફોટોગ્રાફી ચાલુ રાખેલી.
અમિતાભ મડિયા