કામદારવળતર : અકસ્માતને કારણે ઊભી થતી મુશ્કેલીમાં કામદારોને ગુજરાત રાજ્ય તરફથી આપવામાં આવતું વળતર. આ માટે કામદારવળતર ધારો 1923માં ઘડવામાં આવ્યો. તેમાં 1984માં સુધારા કરવામાં આવ્યા છે. કામદારવળતર ધારો કારીગરોને સામાજિક સુરક્ષા આપવાની દિશામાં પ્રથમ કદમ છે. આ કાયદો ‘વસ્તુની કિંમતમાં કારીગરના શ્રમનો પૂરો સમાવેશ થવો જોઈએ’ તે સિદ્ધાંત ઉપર ઘડાયો છે.
નોકરીને લીધે અને નોકરી દરમિયાન થતા અકસ્માતને કારણે કામદાર અપંગ થાય કે મૃત્યુ પામે તો તેને અથવા તેના વારસદારોને કાયદામાં દર્શાવ્યા મુજબ આર્થિક વળતર આપવા આ કાયદા અન્વયે માલિક જવાબદાર બને છે.
વળતર મેળવવા માટે ત્રણ બાબતો પુરવાર થવી જોઈએ : (1) ઈજા થઈ છે, (2) અકસ્માતથી ઈજા થઈ હોય અને (3) અકસ્માત નોકરીને લીધે અને નોકરી દરમિયાન થયેલો હોય. આ ઉપરાંત, કામ કરવા જઈ રહ્યો હોય ત્યારે રસ્તામાં બનેલ બનાવથી ઈજા કે મૃત્યુ પામેલ કામદારના કિસ્સામાં પણ સંજોગો પ્રમાણે વળતર ચુકવાય છે. અકસ્માતને કારણે કામદાર ત્રણથી વધારે દિવસો સુધી પૂર્ણ કે અંશત: કામ કરવા અશક્તિમાન થયેલો હોવો જોઈએ. આ કાયદા અન્વયે કાયદાના પરિશિષ્ટ 3માં દર્શાવેલ ઉદ્યોગોમાંથી ઉદભવતા કોઈ રોગનો જો કામદાર ભોગ બને તો આવો રોગ નોકરીને લીધે થયેલ ઈજા તરીકે (occupational disease) ગણવામાં આવે છે.
કામદારને મળવાપાત્ર વળતરની રકમનો આધાર (1) કેટલી ઈજા થઈ છે, (2) તેનો માસિક પગાર કેટલો છે તથા (3) તેની ઉંમરને આધારે કાયદાના પરિશિષ્ટ 4માં દર્શાવેલ બાબત ઉપર રહેલો છે. જો કારીગરનું (1) મૃત્યુ થાય, (2) કાયમી સંપૂર્ણ અશક્તતા (permanent total disablement) થાય, (3) કાયમી અંશત: (partial) અશક્તતા થાય અને (4) સંપૂર્ણ અથવા અંશત: હંગામી (temporary) અશક્તતા થાય તો વળતરની માગણી થઈ શકે છે.
કામદારવળતરના કેસોમાં તપાસ કરી વળતરની ચુકવણી અંગે હુકમો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘કામદારવળતર કમિશનર’ની નિમણૂક કરવામાં આવે છે. અકસ્માત થાય ત્યારે વળતરની માગણી માટે તે અંગેની વિગતો દર્શાવતી નોટિસ કામદારે માલિકને મોકલવી પડે છે. વળતર માટેની અરજી અકસ્માત પછી બે વર્ષની મુદતમાં કરવી પડે છે. વળતર અંગે કમિશનરના ચુકાદા કે નિર્ણય સામે હાઈકોર્ટમાં અપીલ કરી શકાય છે.
કામદારને મળવાપાત્ર વળતરની ચુકવણી નિશ્ચિત સમયમર્યાદામાં થવી જરૂરી છે. જો આપવાપાત્ર વળતર એક મહિનામાં ના ચૂકવાય તો માલિકે વળતરની રકમ ઉપરાંત 6 % સાદું વ્યાજ આપવું પડે છે. કમિશનરની ર્દષ્ટિએ વિલંબ માટે કોઈ વાજબી કારણ ના હોય તો વિલંબ બદલ વળતરની રકમના 50 % સુધીની રકમ દંડ તરીકે વસૂલ થઈ શકે છે. આ કાયદા હેઠળ મળવાપાત્ર વળતર સંબંધિત કામદાર સિવાય બીજા કોઈને મેળવવાનો અધિકાર આપી શકાતો નથી, તે રકમ પર ટાંચ લાવી શકાતી નથી કે બીજા કોઈ દાવાની રકમ સામે તે રકમ સરભર કરી શકાતી નથી.
હરેશ જયંતીલાલ જાની