ઔદ્યોગિક ભૂગોળ : આર્થિક ભૂગોળની વિશિષ્ટ શાખા. ઔદ્યોગિક ઉત્પાદન સાથે સંબંધિત બાબતોનો અભ્યાસ મુખ્યત્વે બે વિદ્યાશાખાઓ દ્વારા હાથ ધરવામાં આવે છે : અનુભવજન્ય અર્થશાસ્ત્ર (empirical economics) તથા આર્થિક ભૂગોળ. તેમાંની પ્રથમ વિદ્યાશાખામાં ઉત્પાદનનાં આર્થિક લક્ષણો અને પરિબળોનું વર્ણન તથા આર્થિક પરિપ્રેક્ષ્યમાં તેનું વિશ્લેષણ કરવામાં આવે છે, તો બીજીમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓની ભૌગોલિક વહેંચણીનું વર્ણન તથા તેનાં સ્થળલક્ષી કારણોનું પૃથક્કરણ કરવામાં આવે છે. આ બંને પરસ્પર સંકળાયેલી તથા એકબીજી પર આધાર રાખતી વિદ્યાશાખાઓ છે. વિશેષમાં ઔદ્યોગિક ભૂગોળમાં ભૌગોલિક પરિબળોના સંદર્ભમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટેના સ્થળની પસંદગી તેમજ ઉદ્યોગનાં આયોજન, વિકાસ, વિસ્તરણ તથા સંયોજનનો વિશદ અભ્યાસ તથા તેનાં સૈદ્ધાંતિક પાસાંનું વિશ્લેષણ કરવામાં આવે છે. આમ ઔદ્યોગિક ભૂગોળમાં કાચા માલમાંથી અર્ધતૈયાર કે તૈયાર માલના ઉત્પાદન સાથે સંબંધ ધરાવતી માનવપ્રવૃત્તિઓનો સ્થળલક્ષી (spatial) પરિપ્રેક્ષ્યમાં અભ્યાસ હાથ ધરવામાં આવે છે.

શરૂઆતમાં વસ્તુ કે સેવાના ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ, તેની સ્થળલક્ષી તરેહ, ઐતિહાસિક વિકાસ, કાચો માલ, ઊર્જા વગરેની ઉપલભ્યતા, તે દ્વારા નિયત થતું ઉદ્યોગોનું સ્થાન વગેરે બાબતોનો અભ્યાસ થતો હતો. 1960 પછીના ગાળામાં અર્થશાસ્ત્રનો આધાર લઈને ઔદ્યોગિક ભૂગોળમાં અસ્થિર (variable) ખર્ચ તથા અસ્થિર આવક વચ્ચેના સંબંધોનું વિશ્લેષણ તથા તેના સંદર્ભમાં ઉદ્યોગોના સ્થાનનો અભ્યાસ કરવામાં આવે છે. અહીં વર્તનલક્ષી અભિગમ દ્વારા જુદા જુદા વિકલ્પોનો પણ અભ્યાસ થાય છે. આમ ઔદ્યોગિક ભૂગોળમાં વૈશ્વિક, ખંડીય, રાષ્ટ્રીય તથા પ્રાદેશિક સ્તર પર ઔદ્યોગિક પ્રવૃત્તિઓની વહેંચણીની તરેહનું વર્ણન અને અર્થઘટન કરવામાં આવે છે. તેમાં સ્થળલક્ષી ઉપરાંત મનોવૈજ્ઞાનિક તથા આદર્શલક્ષી (normative) પાસાંનો પણ સમાવેશ થાય છે.

ઔદ્યોગિક પ્રવૃત્તિઓની શરૂઆત માનવે પૃથ્વી ઉપર પગ મૂક્યો ત્યારથી થઈ છે. શરૂઆતની ઔદ્યોગિક પ્રવૃત્તિઓ મૂળભૂત જરૂરિયાતોની પ્રાપ્તિ પૂરતી મર્યાદિત હતી. કાળક્રમે માનવીની જરૂરિયાતો વધતાં વિવિધ ક્ષેત્રોમાં અનેકવિધ શોધો થઈ. ઔદ્યોગિક ક્રાંતિ બાદ યાંત્રિક ઉદ્યોગોનો વિકાસ અને વિસ્તાર શક્ય બન્યો. ઉદ્યોગોનો જડ જગત અને ચેતન જગત સાથેનો સંબંધ જોતાં તેમનાં ભૌગોલિક પાસાંનો અભ્યાસ અનિવાર્ય બન્યો અને તેને લીધે ઔદ્યોગિક ભૂગોળનું મહત્વ વધ્યું છે.

ઔદ્યોગિક પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર કારખાનું છે, પણ તેની સાથે બીજી અનેક બાબતો સંલગ્ન છે. ભૌગોલિક પરિસ્થિતિના સંદર્ભમાં કાચો માલ કે જરૂરી સાધનો ભેગાં કરવાં, તેમનું સ્વરૂપ બદલી તેની ઉપયોગિતામાં વધારો કરવો, તૈયાર થયેલી ઔદ્યોગિક પેદાશોને જે તે બજારમાં માંગ અનુસાર મોકલવી વગેરે બાબતો પણ ઔદ્યોગિક પ્રવૃત્તિનો જ ભાગ છે.

શરૂઆતના સમયમાં માનવીની પ્રાથમિક જરૂરિયાતો કુદરત પૂરી પાડતી. હાલના સમયમાં પણ ઉદ્યોગો માટેનો જરૂરી કાચો માલ કુદરત જ પૂરો પાડે છે.

ઔદ્યોગિક વિકાસ કોઈ પણ રાષ્ટ્રના વિકાસની પારાશીશી છે અને તે દેશની ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર વિકાસ પામે છે. તેથી જ તેમાં વિકાસ, સ્થાનીકરણ અને વિતરણ ઇત્યાદિ પરત્વે પ્રાદેશિક વિભિન્નતાઓ સર્જાય છે. આ માટે ઔદ્યોગિક ભૂગોળનો અભ્યાસ અનિવાર્ય બન્યો છે.

ઝડપી ઔદ્યોગિક વિકાસ દ્વારા નીચું જીવનધોરણ, ગરીબી, બેકારી, ભૂખમરો જેવી સમસ્યાઓ દૂર કરી આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી શકાય છે. અમેરિકા, રશિયા, બ્રિટન, જર્મની અને જાપાન જેવા દેશોની આર્થિક સધ્ધરતા ઉદ્યોગોના વિકાસને જ આભારી છે.

દેશની કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ ઉદ્યોગ દ્વારા શક્ય બનાવી શકાય છે. ઔદ્યોગિક વિકાસ દ્વારા લોકોની ખરીદશક્તિ વધે છે. રોજગારીની નવી તકો ઊભી કરી શકાય છે. રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે. માનવીની કાર્યશક્તિનું-શ્રમનું વિભાજન થાય છે અને તેથી વિશેષજ્ઞતા (specialisation) શક્ય બને છે. ઔદ્યોગિક વસાહતો અને નગરો રચાય છે. શહેરી સંસ્કૃતિનો વિકાસ થાય છે. આયાત વેપાર ઘટાડી નિકાસ વેપાર વધારી શકાય છે અને તેથી વિદેશી હૂંડિયામણની વધુ પ્રાપ્તિ શક્ય બને છે. ઉદ્યોગોના વિકાસને કારણે આડઉદ્યોગો, વાહનવ્યવહાર, શરાફી વ્યવસાય તથા અન્ય સેવાઓ વિકસે છે. યાંત્રિક ઉદ્યોગોના વિકાસને કારણે એકમદીઠ ઉત્પાદનખર્ચમાં ઘટાડો કરી શકાય છે. એકસરખી વસ્તુઓનું ઝડપી ઉત્પાદન શક્ય બને છે. સંરક્ષણની ર્દષ્ટિએ વર્તમાનયુગમાં ઉદ્યોગોનું મહત્વ વધી ગયું છે. ઔદ્યોગિક વિકાસને પરિણામે વિશ્વબજારોમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કરી શકાય છે. અન્ય રાષ્ટ્રો સાથેની હરીફાઈમાં ટકી શકાય છે. ઔદ્યોગિક વિકાસને પરિણામે આયાત વેપાર ઘટતાં અન્ય દેશોની અસરમાંથી મુક્ત રહી શકાય છે. ઉદ્યોગોની મદદથી ઝડપી આર્થિક પ્રગતિ સાધી દેશને દુનિયામાં મહત્વનું સ્થાન અપાવી શકાય છે.

સાથે સાથે ઔદ્યોગિક વિકાસથી આર્થિક અને રાજકીય સધ્ધરતા પ્રાપ્ત કરનાર દેશો અલ્પ કે અવિકસિત દેશોને પોતાની પેદાશો આપી જે તે દેશોમાં પોતાનું પ્રભુત્વ વધારે છે. ગ્રામીણ સંસ્કૃતિનો નાશ થાય છે તેની સાથે શહેરીકરણની અનેક સમસ્યાઓ ઉદભવે છે. ખોરાક, પોશાક, રહેઠાણ, ગરીબી, બેકારી, ભૂખમરો, નીચા જીવનધોરણની અને ટ્રાફિકની સમસ્યાઓ, ચોરી-લૂંટફાટ જેવી સામાજિક સમસ્યાઓ, શૈક્ષણિક સમસ્યાઓ, આરોગ્યવિષયક સમસ્યાઓ તેમજ જમીન, પાણી અને હવાના પ્રદૂષણના પ્રશ્નો ઉદભવે છે. કારખાનાંના ધુમાડાથી પર્યાવરણની શુદ્ધતા જોખમાય છે. રસાયણ ઉદ્યોગોના વિસ્તારમાં હવા, પાણી અને જમીનનાં પ્રદૂષણો ઉદભવે છે. તેથી જ કેટલાક ઉદ્યોગોની શરૂઆત થાય તે પહેલાં સરકારની મંજૂરી જરૂરી બને છે. ગામડાં ભાંગતાં ખેતીની પ્રવૃત્તિને ફટકો પડે છે; તેની સીધી અસર ખેતઉદ્યોગો પર પડે છે. શહેરીકરણ થતાં કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ શક્ય બનતો નથી.

કોઈ પણ ઉદ્યોગની સ્થાપના અને વિકાસ અમુક ચોક્કસ પરિબળો ઉપર આધાર રાખે છે. ઉદ્યોગના સ્થળની પસંદગી આજના ઔદ્યોગિક અર્થકારણમાં અતિ મહત્વનો વિષય ગણી શકાય.

ઉદ્યોગનું સ્થળ સુનિશ્ચિત કરવામાં મુખ્યત્વે ત્રણ પરિબળો ગણાવી શકાય :

પ્રાકૃતિક પરિબળો

(1) ભૌગોલિક સ્થાન : કોઈ પણ સ્થળનું ભૌગોલિક સ્થાન તેના ઔદ્યોગિક વિકાસ ઉપર સૌથી વધુ અસર કરે છે.

(ક) જો કોઈ પણ સ્થળ સમુદ્રકિનારે આવેલું હોય તો તેનો ઔદ્યોગિક વિકાસ વધુ થાય છે; દા. ત., ઇંગ્લૅન્ડમાં કપાસનું ઉત્પાદન થતું નથી, પણ દરિયાઈ સ્થાનને લીધે કાચા માલની આયાત તેમજ તૈયાર માલના નિકાસની કુદરતી સગવડ તેને મળે છે. જાપાન તેના ટાપુઓને કારણે જ કાચા માલની અછત છતાં ઔદ્યોગિક વિકાસમાં હરણફાળ ભરી શક્યું છે. સમુદ્ર પાસે સ્થાન હોય તો ગરમ ભેજવાળી આબોહવા હોય છે, જે અમુક ઉદ્યોગોના વિકાસમાં ઉપયોગી બને છે; દા. ત., મુંબઈની ગરમ ભેજવાળી આબોહવા સુતરાઉ કાપડ ઉદ્યોગને ઉત્તેજન આપે છે.

(ખ) જો કોઈ સ્થળ ખંડસ્થ કે ભૂમિયુક્ત હોય તો ઔદ્યોગિક વિકાસ વધુ થતો નથી. આંતરરાષ્ટ્રીય વ્યાપાર વિકસાવી શકાતો નથી. વાહનવ્યવહારનો ખર્ચ વધુ થાય છે. ઉત્પાદન મંદ અને મોંઘું બને છે. આ જ કારણથી અફઘાનિસ્તાન, લાઓસ વગેરે દેશો ઔદ્યોગિક વિકાસમાં પાછળ રહ્યા છે.

(ગ) દુનિયામાં વિવિધ દેશોની વચ્ચે સ્થાન હોય તો અનેક દેશો સાથેના સંપર્કને લીધે ઔદ્યોગિક વિકાસ વધુ થાય છે; જેમ કે, ભારત એશિયાખંડમાં મોકાના સ્થાને હોઈ વધુ વિકાસ સાધી શક્યું છે.

(2) આકાર અને જમીનવિસ્તાર : કોઈ પણ પ્રદેશનો ભૂમિવિસ્તાર વધુ હોય તો તેમાં જમીનનું પ્રમાણ વધુ હોવાને કારણે તે આર્થિક ર્દષ્ટિએ અનુકૂળ રહે છે. તેથી ઔદ્યોગિક વિકાસ વધુ થાય. ઉદ્યોગની સ્થાપના માટે વિશાળ ભૂમિવિસ્તારની જરૂર પડે છે. જમીન વિસ્તારમાં જ ઉદ્યોગોને માટે જરૂરી શેડ, મકાન, ગોડાઉન, કારીગરોનાં રહેઠાણો વગેરે બાંધવામાં આવે છે.

જમીનની ફળદ્રૂપતા પણ ઉદ્યોગના વિકાસ ઉપર અસર કરે છે. શેરડી, કપાસ, તમાકુ, શણ, રબર જેવા ઉદ્યોગોના કાચા માલ માટે ફળદ્રૂપ જમીન જરૂરી છે.

જમીન સમતલ ભૂપૃષ્ઠ ધરાવતી હોય તો જ વાહનવ્યવહાર વિકસે અને તો જ ઉદ્યોગો વિકસે.

(3) ભૂસ્તરીય રચના : ખનિજસંપત્તિ કોઈ પણ ઉદ્યોગની મૂળભૂત જરૂરિયાત છે. ખનિજસંપત્તિ અને ભૂસ્તરીય રચનાને અતિ નિકટનો સંબંધ છે. કૅનેડાના લોરેશિયન શીલ્ડનું લોખંડ અને નિકલ ભૂસ્તરીય રચનાનું પરિણામ છે. સાઇબીરિયા, દ. ભારત, આફ્રિકાના ઉચ્ચપ્રદેશ તથા રશિયાના યુરલ પ્રદેશની ખનિજોની વિપુલતા ભૂસ્તરીય રચનાને આભારી છે.

(4) આબોહવા : (ક) આબોહવા ઉદ્યોગોના વિકાસ સાથે સંકળાયેલ મહત્વની કડી છે. આબોહવા મનુષ્યના સ્વાસ્થ્ય, સ્ફૂર્તિ અને કાર્યક્ષમતા ઉપર અસર કરે છે. દા.ત., યુરોપ, અમેરિકા, ઇંગ્લૅન્ડની ઔદ્યોગિક પ્રગતિ સ્ફૂર્તિદાયક આબોહવાને આભારી છે. ધ્રુવીય પ્રદેશોની ઠંડી કે વિષુવવૃત્તીય પ્રદેશો અને રણપ્રદેશોની અતિશય ગરમી ઔદ્યોગિક વિકાસને રૂંધે છે. આફ્રિકા ને ઑસ્ટ્રેલિયાનો ઓછો ઔદ્યોગિક વિકાસ તેનું ઉદાહરણ છે.

(ખ) આબોહવાની અસર વાહનવ્યવહારના વિકાસ ઉપર પણ થાય છે અને વાહનવ્યવહારના ઓછા કે વધુ વિકાસની અસર ઔદ્યોગિક વિકાસ ઉપર પડે છે.

(ગ) ઉદ્યોગો ઉપર પણ આબોહવાની અસર થાય છે. કાશ્મીરમાં ગરમ કાપડના ઉદ્યોગનું, ક્યૂબા અને ફિલિપાઇન્સમાં ખાંડ ઉદ્યોગનું, ભારત-બાંગ્લાદેશમાં શણ ઉદ્યોગનું, કૅનેડામાં કાગળઉદ્યોગનું, ભારત, ઇંગ્લૅડ તથા જાપાનમાં સુતરાઉ કાપડ ઉદ્યોગનું સ્થાનીકરણ આબોહવાને આભારી છે.

(5) કાચો માલ : ઔદ્યોગિક વિકાસમાં કાચો માલ એ મૂળભૂત જરૂરિયાત છે. ઉદ્યોગો માટેનો જરૂરી કાચો માલ પૂરતા પ્રમાણમાં નિયમિત અને સસ્તા દરે મળતો રહે તો ઉદ્યોગોનો ઝડપી વિકાસ થાય છે. ઉત્તરપ્રદેશમાં શેરડી ખૂબ મળતી હોવાથી ત્યાં ખાંડ ઉદ્યોગનું સ્થાનીકરણ થયું છે. બિહાર અને પ. બંગાળમાં કાચુંલોખંડ, કોલસો, ચૂનાના પથ્થર તથા મૅંગેનીઝ ખૂબ મળતાં હોવાથી લોખંડ-પોલાદ ઉદ્યોગ વિકસ્યો છે. પ. બંગાળમાં શણ ખૂબ થતું હોઈ ત્યાં શણ ઉદ્યોગ વિકસ્યો છે.

કેટલાક ઉદ્યોગોનો કાચો માલ મોટા કદવાળો કે વધુ વજનવાળો હોય અથવા કાચા માલમાંથી ઓછો પદાર્થ કામ આવવાનો હોય અને બાકીનો કચરારૂપે ફેંકી દેવાનો હોય તો તેવા ઉદ્યોગો કાચા માલનાં પ્રાપ્તિસ્થાનો પાસે જ વિકસાવવા પડે છે. દા.ત., લાકડાનો, માંસનો, ખાંડનો ઉદ્યોગ ઇત્યાદિ.

કેટલીક વાર કાચો માલ આયાત કરી ઉદ્યોગો વિકસાવાય છે. ઇંગ્લૅન્ડના સુતરાઉ કાપડ ઉદ્યોગ માટેનો કાચો માલ કપાસ ભારત અને ઇજિપ્તથી આયાત કરાય છે.

(6) સંચાલન માટેનાં ઊર્જાનાં સાધનો : દરેક ઉદ્યોગમાં યંત્રોને ચલાવવા ઊર્જાની જરૂર પડે છે. કોલસો, ખનિજ તેલ, વાયુ, વિદ્યુત, આલ્કોહૉલ, અણુશક્તિ જેવી ઊર્જા જ્યાં પૂરતા પ્રમાણમાં તેમજ સસ્તા દરે મળે ત્યાં ઉદ્યોગોનો વિકાસ ઝડપી બને છે. જાપાનનો ઝડપી ઔદ્યોગિક વિકાસ સસ્તી જળવિદ્યુતને આભારી છે. ગુજરાત અને મહારાષ્ટ્રના ઉદ્યોગોનો તાજેતરનો વિકાસ તારાપોર ખાતેના અણુવિદ્યુતમથકને આભારી છે. ઉત્તરપ્રદેશનો ખાંડ ઉદ્યોગ બળતણ તરીકે મળતાં લાકડાં ઉપર આધારિત છે.

(7) જરૂરી પાણીપુરવઠો : ઉદ્યોગોની સ્થાપના માટે અને તેના યોગ્ય વિકાસ માટે જરૂરી પાણીપુરવઠો અનિવાર્ય છે. ઉદ્યોગોના ઉત્પાદનકાર્યમાં તેમજ કારીગરોને પીવા માટેના પાણીપુરવઠાની જરૂર રહે છે. કોલકાતાનો શણ ઉદ્યોગ, મુંબઈનો સુતરાઉ કાપડ ઉદ્યોગ, કોલકાતા-ચેન્નાઈ અને દિલ્હીના દવા તેમજ રસાયણ ઉદ્યોગો અને કાનપુરનો ચર્મ ઉદ્યોગનો વિકાસ ત્યાં મળી રહેતા પાણીપુરવઠાને આભારી છે. લોખંડ-પોલાદને ઠંડું પાડવા, લાકડામાંથી માવો પ્રાપ્ત કરવા અને જહાજ ઉદ્યોગ માટે પાણી-પુરવઠાની ખાસ જરૂર રહે છે.

આર્થિક પરિબળો

(1) વાહનવ્યવહાર : આજની આર્થિક પ્રવૃત્તિઓનું માળખું વાહનવ્યવહારને આભારી છે. સ્થાનીકરણ અંગેનાં પરિબળોની અનુકૂળતાઓ દરેક ઉદ્યોગને પૂરેપૂરી કે એકસરખી મળતી નથી. તે બહારથી કે દૂરથી મેળવવી પડે છે. તૈયાર થયેલા માલને દૂર આવેલાં બજારો સુધી પહોંચાડવા વાહનવ્યવહારની જરૂર પડે છે. કારીગરો જો ઔદ્યોગિક સ્થળોથી દૂર રહેતા હોય તો તેમને માટે પણ વાહનવ્યવહારની સગવડ જરૂરી છે. વાહનવ્યવહારનાં સાધનોમાં પ્રાણીઓ, મોટર, રેલવે તેમજ આંતરિક અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગનાં અને હવાઈમાર્ગનાં સાધનોનો સમાવેશ થાય છે. આમાં રેલવે, સ્ટીમર અને મોટર બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. જ્યાં વાહનવ્યવહાર સસ્તો, કાર્યક્ષમ અને સુવ્યવસ્થિત છે ત્યાં ઔદ્યોગિક વિકાસ વધુ થાય છે. જાપાન, જર્મની, રશિયા તથા અમેરિકાનો તેમજ ભારતમાં મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈનો ઔદ્યોગિક વિકાસ વાહનવ્યવહારને આભારી છે.

(2) બજાર : માગ હોય તેના પ્રમાણમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્ધિ થતી જાય છે. માગવાળા પ્રદેશોને બજાર કહે છે. ગ્રાહકોની સંખ્યા અને તેમની ખરીદશક્તિ, સાંસ્કૃતિક ધોરણો વગેરે પરિબળો ઉદ્યોગ માટે બજારનું નિર્માણ કરે છે. જે ઉદ્યોગોની પેદાશો ઝડપથી બગડી જાય કે તૂટી જાય તેવી હોય, મોટા કદની કે વધુ વજનની હોય તેવા ઉદ્યોગો સ્થાનિક બજારોની નજીક સ્થપાય છે. દા.ત., ફર્નિચર, માંસ, ડેરી, બરફ કે આઇસક્રીમ, કાચ કે ચિનાઈ માટીનાં વાસણોની બનાવટનો ઉદ્યોગ.

લોકોની તાત્કાલિક જરૂરિયાતો પૂરી પાડતા ઉદ્યોગો તેમજ જે ઔદ્યોગિક પેદાશો માટે ગ્રાહકોનાં વલણો કે અભિરુચિમાં વારંવાર પરિવર્તનો થતાં હોય તેવા ઉદ્યોગો પણ બજારક્ષેત્રની નજીક સ્થપાય છે. દા.ત., તૈયાર કપડાંના અને બેકરી ઉદ્યોગ.

બજાર મેળવવા માટે જાહેરાતો તેમજ માલનો પ્રચાર કરવો જરૂરી બને છે. બજારો ઊભાં કરવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણે મેળાઓ, પ્રદર્શનો કે પરિસંવાદો યોજવામાં આવે છે. આમ બજાર એ ઉદ્યોગના વિકાસનું એક અભિન્ન અંગ બને છે.

(3) માનવશ્રમ : યંત્રો ચલાવવા તેમજ દેખરેખ રાખવા માટે માલની ઉત્પાદનપ્રક્રિયામાં કેળવાયેલી અને બિનકેળવાયેલી માનવશક્તિની જરૂર પડે છે. ઉદ્યોગોના સ્થાનીકરણમાં માનવશ્રમની ઉપલભ્યતા, તેમની સ્થિરતા, કાર્યક્ષમતા, વેતન વગેરે મહત્ત્વનાં પરિબળો છે. વધુ વેતન મેળવવા માનવો આંતરિક કે આંતરખંડીય સ્થળાંતરો કરે છે. ભારતના તમિળ લોકો શ્રીલંકાના ચાના બગીચામાં કામ કરવા ગયા છે. વૈદકીય સેવા, રહેઠાણ અને શિક્ષણની સગવડ અને બજારોની નિકટતા માનવશ્રમની સ્થિરતા માટે જરૂરી પરિબળો છે. ટેકનિકલ, રાસાયણિક તથા યંત્રો બનાવવાના ઉદ્યોગો માટે શિક્ષિત માનવશ્રમની જરૂર પડે છે, જ્યારે સુતરાઉ કાપડ ઉદ્યોગ કે શણ-ઉદ્યોગમાં બિનકેળવાયેલ માનવશ્રમ ચાલે છે. કેટલીક વાર માનવશ્રમ બહારથી મેળવાય છે; દા. ત., ગુજરાતના પેટ્રોકેમિકલ ઉદ્યોગ માટે બહારથી ટેકનિશયનો બોલાવવા પડ્યા છે. ભારત, ચીન, આફ્રિકા અને દ. એશિયાના દેશોમાં વધુ વસ્તીને કારણે સસ્તો માનવશ્રમ મળી રહે છે. માનવશ્રમની કાર્યક્ષમતા જેમ વધુ તેમ ઔદ્યોગિક વિકાસ વધુ. દા. ત., જાપાન, જર્મની અને રશિયાનો ઔદ્યોગિક વિકાસ તેમના કાર્યક્ષમ માનવશ્રમને આભારી છે. કામદારમંડળોની નીતિઓ, તેમનાં સંગઠનો, વારંવારની હડતાલ કે તાળાબંધી અને ભાંગફોડ જેવી પ્રવૃત્તિઓ ઉદ્યોગોના વિકાસને ખૂબ અસર કરે છે.

(4) મૂડી : ઉદ્યોગોના સ્થાનીકરણ માટે મૂડી એક અનિવાર્ય પરિબળ છે. ઉદ્યોગો માટે જમીનની ખરીદી, કાચા માલ અને યંત્રોની ખરીદી, માનવશ્રમના બદલામાં અપાતું વેતન, વહીવટી ખર્ચ, જે તે ઉદ્યોગ અંગે સંશોધન વગેરે માટે મોટા પાયે મૂડીની જરૂર રહે છે. મૂડીની તંગી ઔદ્યોગિક વિકાસને ધીમો પાડે છે. શૅરભંડોળ દ્વારા જાહેર અને ખાનગી રીતે મૂડીનું સર્જન કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ કે વિકસિત રાષ્ટ્રો અલ્પવિકસિત રાષ્ટ્રોને મૂડીનું ધિરાણ કરે છે, સાહસિકો મૂડીપતિઓ હોય, લોકો શૅરમાં મૂડીરોકાણ કરતા હોય, સહકારી ક્ષેત્રોમાં મૂડી પૂરી પાડતી સંસ્થાઓ આવેલી હોય અને બૅન્કો ઉદાર રીતે ઉદ્યોગો માટે નાણાં ધીરતી હોય તો ઔદ્યોગિક વિકાસ જે તે ભૌગોલિક વિસ્તારમાં ત્વરિત ગતિએ આગળ વધે છે. ભારતીય ઔદ્યોગિક નાણાં કૉર્પોરેશન, રાજ્ય નાણાં કૉર્પોરેશન, યુનિટ ટ્રસ્ટ, જીવન વીમા કૉર્પોરેશન જેવી સંસ્થાઓ ઉદ્યોગો માટેની મૂડી પૂરી પાડે છે.

(5) યંત્ર, યંત્રસામગ્રી અને ટેકનૉલૉજીનો વિકાસ : વધુ ઝડપી ઔદ્યોગિક વિકાસ માટે છેલ્લામાં છેલ્લી ઢબનાં કાર્યક્ષમ યંત્રો અને યંત્રસામગ્રીની જરૂર પડે છે. ઔદ્યોગિક વિકાસ માટે ટેકનૉલૉજીનો વિકાસ અને નવાં-નવાં સંશોધનો પણ અનિવાર્ય છે. જરૂરી યંત્રસામગ્રી દેશમાં જ બનાવવી પડે અથવા આયાત કરવી પડે. અમેરિકા, જાપાન અને જર્મની કે રશિયામાં થયેલો ઔદ્યોગિક વિકાસ આ પરિબળની સાનુકૂળતાને આભારી છે.

રાજકીય અને ઐતિહાસિક પરિબળો

(1) સરકારની અનુકૂળ નીતિ : ઉદ્યોગોના સ્થાનીકરણ અને વિકાસ ઉપર સરકારની નીતિનું પરિબળ ગાઢ અસર ધરાવે છે. જો સરકારની નીતિ સાનુકૂળ અને વિકાસશીલ હોય તો ઉદ્યોગો વિકાસ પામે છે, નહિ તો વિકાસ રૂંધાય છે. ભારતના રસાયણ, દવા કે સુતરાઉ કાપડના ઉદ્યોગનો વિકાસ સરકારની અનુકૂળ નીતિને આભારી છે. કાર્યક્ષમ અને સ્થિર વહીવટ ઔદ્યોગિક વિકાસને સબળ બનાવે છે. સાનુકૂળ પરિસ્થિતિમાં પરદેશી મૂડીનું રોકાણ કરવા અન્ય દેશોને આકર્ષી શકાય છે. ભાવનિયંત્રણ, કરવેરા, આયાત-નિકાસ અને વેચાણવેરા અંગેની સરકારની નીતિ અનુકૂળ હોય તો ઔદ્યોગિક વિકાસ શક્ય બને છે. સરકાર પરદેશી આયાત પર પ્રતિબંધ મૂકી અથવા વધુ જકાત લાદી, નાણાકીય મદદ કે રક્ષણ પૂરું પાડી, લોન કે સબસિડી આપી દેશના ઉદ્યોગોને ઉત્તેજન આપી શકે છે.

(2) રાષ્ટ્રીય ભાવના તથા અન્ય ગુણો : ઉદ્યોગોમાં પ્રવૃત્ત થયેલા લોકોનાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી, કામ માટેનો લગાવ, પ્રામાણિકતા, કરકસરની વૃત્તિ, જવાબદારીની ભાવના વગેરે પર ઉદ્યોગોનાં વિકાસ અને સ્થાનીકરણ અવલંબિત છે. ઉત્પાદનની વૃદ્ધિ, આર્થિક વિકાસની પ્રબળ ઝંખના, ઊંચા જીવનધોરણની આકાંક્ષા ઔદ્યોગિક વિકાસ ઝડપી બનાવે છે. લોકો સ્વદેશી ચીજવસ્તુઓનો જ આગ્રહ રાખે તો સ્થાનિક બજારોને ઉત્તેજન મળે, ઉત્પાદનનું પ્રમાણ વધે, ઉત્પાદનની જાત સુધરે અને આયાતવેપાર ઘટે. નિકાસવેપાર વધારી નાગરિકો અને રાષ્ટ્રનો આર્થિક વિકાસ ઝડપી બનાવી શકાય છે. જાપાનની સરકારે કારીગરોના હિતાર્થે એકને બદલે બે રજા જાહેર કરી ત્યારે નાગરિકોએ કરેલો બે રજા માટેનો વિરોધ તેમના ઉત્કટ રાષ્ટ્રપ્રેમનું ઉદાહરણ પૂરું પાડે છે. સ્વતંત્રતાની ચળવળ દરમિયાન ભારતમાં ખાદીપ્રવૃત્તિને મળેલું ઉત્તેજન રાષ્ટ્રીય ભાવનાને આભારી હતું.

(3) ઔદ્યોગિક ખ્યાતિ : કેટલાંક સ્થળો અમુક ચીજવસ્તુઓના ઉત્પાદન માટે જાણીતાં હોય છે. ઔદ્યોગિક ખ્યાતિનો આધાર ઉત્પાદનની ગુણવત્તા ઉપર આધાર રાખે છે. ગુણવત્તા સચવાતાં વિશિષ્ટતા મેળવાય છે, જેથી આંતરિક અને આંતરરાષ્ટ્રીય બજારો ખૂબ સરળતાથી પ્રાપ્ત થાય છે. તેને પરિણામે આર્થિક ર્દષ્ટિએ ફાયદો થાય છે; દા. ત., જાપાનનો રમકડાં ઉદ્યોગ, સ્વિટ્ઝર્લૅડનો કાંડાઘડિયાળ ઉદ્યોગ, ભારતનો કાપડ-ઉદ્યોગ. ઔદ્યોગિક ખ્યાતિને લીધે માગ વધે છે અને જે તેમના જે તે ઉદ્યોગની ખ્યાતિને આભારી છે. ઉત્પાદન વિશ્વવ્યાપી બને છે; દા. ત., હોલૅન્ડની ફિલિપ્સ કંપની, ઇટાલીની ફિયાટ કંપની કે અમેરિકાની ફૉર્ડ કંપની.

(4) યુદ્ધ જેવી પરિસ્થિતિ : યુદ્ધ જેવી પરિસ્થિતિ પણ ઉદ્યોગના વિકાસમાં મહત્વનો ફાળો ભજવે છે. પ્રાચીન સમયથી યુદ્ધ લડવાની પદ્ધતિઓ અને સાધનો બદલાતાં રહ્યાં છે. છેલ્લી ઢબનો શસ્ત્રસરંજામ બનાવવાનો ઉદ્યોગ, લડાયક વિમાનો, ટૅન્કો, મિસાઇલો, અણુશસ્ત્રો વગેરે બનાવવાના ઉદ્યોગો વિકસતા રહે છે. વિશ્વયુદ્ધોને અંતે પ્લાસ્ટિક, સિન્થેટિક રબર, સિન્થેટિક ફાઇબર વગેરે ઉદ્યોગોને ઉત્તેજન મળ્યું છે.

ઉપર દર્શાવેલ સ્થાનીકરણનાં પરિબળોની અનુકૂળતા મળતાં અમુક ભાગોમાં ઉદ્યોગોનો વ્યાપક વિકાસ થયો છે અને મોટી સંખ્યામાં ઉદ્યોગોની જમાવટ થઈ એકત્રીકરણ થયું છે. આવા પ્રદેશોને ઔદ્યોગિક પ્રદેશો કહે છે. દુનિયાના મુખ્ય ઔદ્યોગિક પ્રદેશો નીચે પ્રમાણે છે :

(1) ઉત્તર અમેરિકાનો પૂર્વનો તથા યુ.એસ.ના ઈશાન તેમજ કૅનેડાના અગ્નિખૂણાના પ્રદેશો : ન્યૂયૉર્ક, ફિલાડેલ્ફિયા, બૉસ્ટન, બર્મિંગહામ, ટૉરેન્ટો, ક્વિબેક, ઑટાવા, મૉન્ટ્રિયલ વગેરે ઔદ્યોગિક શહેરોનો આ પ્રદેશમાં સમાવેશ થાય છે. આ પ્રદેશમાં લોખંડ-પોલાદ, યંત્રો, યંત્રસામગ્રી, મોટરો, રેલવેનાં સાધનો, ખેતીનાં ઓજારો, સુતરાઉ, રેશમી તથા ગરમ કાપડના ઉદ્યોગો તેમજ રસાયણ, સિમેન્ટ, કાગળ, ધાતુ અને ખાદ્ય ચીજોની બનાવટના ઉદ્યોગો વિકાસ પામ્યા છે.

(2) પશ્ચિમ અને મધ્ય યુરોપના ઔદ્યોગિક પ્રદેશો : બ્રિટન, ફ્રાન્સ અને રશિયાના યુરલ પર્વત સુધી આ ઔદ્યોગિક પ્રદેશ વિસ્તરેલો છે. તેમાં બ્રિટન, ઉ. ફ્રાન્સ, બેલ્જિયમ, હોલૅન્ડ, જર્મની અને યુરોપીય રશિયાનાં ઔદ્યોગિક શહેરો છે. ત્યાં કાપડ, લોખંડ-પોલાદ, યંત્ર અને યંત્રસામગ્રી, કાચ, સિમેન્ટ, કાગળ, રસાયણો, દવા, ચર્મઉદ્યોગ, માંસ, ડેરી, ખાદ્યચીજો, વાહનવ્યવહારનાં સાધનો અને ઓજારો બનાવવાના ઉદ્યોગો વિકસ્યા છે.

(3) દક્ષિણ ગોળાર્ધના ઔદ્યોગિક પ્રદેશો : આ પ્રદેશમાં ઑસ્ટ્રેલિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાનો સમાવેશ થાય છે. ચર્મ, ખાંડ, ઊન, ગરમ કાપડ તથા ખેતીનાં ઓજારો બનાવવાના ઉદ્યોગો ત્યાં વિકસ્યા છે. ઑસ્ટ્રેલિયામાં સિડની, ઍડિલેડ, મેલ્બૉર્ન, બ્રિસ્બેન; આફ્રિકામાં જૉહાનિસબર્ગ, ડર્બન તેમજ દ. અમેરિકામાં બૂએનૉસ આઇરિસ અને રિયો-દ-જાનેરો જેવી ઔદ્યોગિક વસાહતો આવેલી છે.

(4) એશિયાના ઔદ્યોગિક પ્રદેશો : ભારત, ચીન અને જાપાનનો આ પ્રદેશમાં સમાવેશ થાય છે. ભારતમાં મુંબઈ, અમદાવાદ, કોલકાતા અને ચેન્નઈ; જાપાનમાં ઓસાકા અને ટોકિયો, જ્યારે ચીનમાં શાંગહાઈ, કૅન્ટોન, બેઇજિંગ વગેરે મહત્વનાં ઔદ્યોગિક શહેરો છે. આ પ્રદેશોમાં કાપડ, રસાયણ, દવાઓ, ખેતીનાં ઓજારો, ચીનાઈ માટીનાં વાસણો, રમકડાં, કટલરી, સિમેન્ટ, કાગળ તથા યંત્ર ને યંત્રસામગ્રીની બનાવટોના ઉદ્યોગો વિકસ્યા છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે