ઔદ્યોગિક પ્રવૃત્તિઓ : માનવીની જરૂરિયાતની ચીજવસ્તુઓ અને સેવાઓ જે પ્રવૃત્તિઓને પરિણામે પ્રાપ્ત થાય અગર તો તેમની ઉપયોગિતા તથા તેમના મૂલ્યમાં વધારો થાય તે પ્રવૃત્તિઓ.

માનવીની જરૂરિયાતોની તમામ ચીજવસ્તુઓનું મૂળ કુદરતમાં રહેલું છે; કુદરતે તેની સાધનસંપત્તિના ભંડાર માનવીની સમક્ષ ખુલ્લા મૂકી દીધા છે. તેમાંથી માનવી તેને જોઈતી વસ્તુઓ ઉત્પન્ન કરી લે છે. કુદરતે બક્ષેલ ચીજવસ્તુઓના સ્વરૂપમાં, આકારમાં, સ્થાનમાં કે વપરાશના સમયમાં પરિવર્તન લાવીને તેમને વધારે ઉપયોગી બનાવવાની પ્રવૃત્તિઓને ઉત્પાદનની ઔદ્યોગિક પ્રવૃત્તિઓ કહે છે.

ઉત્પાદનની ઔદ્યોગિક પ્રવૃત્તિઓના ત્રણ પ્રકાર છે : (1) મૂળભૂત અથવા નૈસર્ગિક ઉદ્યોગો (extractive industries), (2) યંત્રપ્રધાન (manufacturing or processing) ઉદ્યોગો અને (3) બાંધકામના ઉદ્યોગો (construction industries). કેટલીક વાર તેમાં પ્રત્યક્ષ સેવા(direct services)ને આવરી લેવામાં આવે છે.

જે ઉદ્યોગોમાં ચીજવસ્તુઓના ઉત્પાદન માટે કુદરતી સાધનસંપત્તિ અને માનવશક્તિ – એ બે પૈકી માનવશક્તિની ઉપયોગિતાની માત્રા પ્રમાણમાં ઓછી હોય અને ઉત્પાદન મહદ્અંશે કુદરતી સંપત્તિના ફાળા ઉપર આધારિત હોય અને જેમનું ઉત્પાદન માનવીના ઉપભોગ માટે અગર તો અન્ય ઉદ્યોગોમાં કાચા માલ રૂપે વપરાતું હોય એવા ઉદ્યોગોને મૂળભૂત અથવા નૈસર્ગિક ઉદ્યોગો કહે છે. ઉદ્યોગોના આ વર્ગમાં કૃષિ-ઉદ્યોગ, જંગલો ઉગાડવાનો ઉદ્યોગ, શિકાર-માછલાં પકડવાનો ઉદ્યોગ, ઢોરઉછેર-ઉદ્યોગ, ખાણ-ઉદ્યોગ વગેરેનો સમાવેશ થાય.

કેટલાક નૈસર્ગિક ઉદ્યોગોમાં કુદરતે પૂરી પાડેલી સંપત્તિ એકઠી કરવાનો શ્રમ માનવીએ કરવાનો હોય છે; શિકાર- માછલાં પકડવાનો ઉદ્યોગ, ખાણ-ઉદ્યોગ વગેરે આ પ્રકારના ઉદ્યોગ છે. કેટલાક નૈસર્ગિક ઉદ્યોગોમાં સંપત્તિ પેદા કરવા માટે કુદરતી સાધનસંપત્તિની ફળદ્રૂપતા જાળવી રાખવા સારુ માનવીએ વિશિષ્ટ પ્રયાસો કરવા પડે છે; કૃષિ-ઉદ્યોગ, ઢોરઉછેર-ઉદ્યોગ, જંગલો ઉગાડવાનો ઉદ્યોગ વગેરે આ પ્રકારના ઉદ્યોગો છે. તમામ નૈસર્ગિક ઉદ્યોગો મહદ્અંશે સ્થાનિક સ્વરૂપના હોય છે અને તેમનો વિકાસ ભૌગોલિક પરિબળોની મર્યાદાઓને અધીન છે; ભૌગોલિક પરિબળો અનુકૂળ ના હોય તો માનવીનો અથાગ શ્રમ પણ નૈસર્ગિક ઉદ્યોગોનો વિકાસ સાધી ન શકે.

અલ્પવિકસિત કે વિકસતા દેશોના અર્થકારણમાં નૈસર્ગિક ઉદ્યોગોનું મહત્વ સવિશેષ જોવા મળે છે. જેમ જેમ યાંત્રિક ઉદ્યોગો વિકસતા જાય છે તેમ તેમ નૈસર્ગિક ઉદ્યોગના મહત્વમાં ઓટ આવતી જાય છે.

નૈસર્ગિક ઉદ્યોગો દ્વારા પૂરા પાડવામાં આવેલા કાચા માલમાંથી બિનજરૂરી તત્વો છૂટાં પાડીને અથવા તો તેમાં અન્ય જરૂરી તત્વો ઉમેરીને, અથવા તો તેમનાં રૂપ-રંગ-આકાર-સ્વરૂપ વગેરેમાં પરિવર્તન કરીને તેમની ઉપયોગિતામાં વધારો થાય તેવી રીતે તૈયાર માલ બનાવવાના ઉદ્યોગોને યાંત્રિક ઉદ્યોગો કહે છે. યાંત્રિક ઉદ્યોગોમાં નવી સંપત્તિ પેદા થતી નથી; શુદ્ધીકરણ, મિશ્રણ યા પરિવર્તનની પ્રક્રિયાઓને પરિણામે સંપત્તિનું સ્વરૂપ પરિવર્તન પામે છે અને તેની ઉપયોગિતામાં ઉમેરો થાય છે.

નૈસર્ગિક ઉદ્યોગો અને યાંત્રિક ઉદ્યોગો પરસ્પરાવલંબી છે. નૈસર્ગિક ઉદ્યોગોની મોટાભાગની પેદાશો સીધેસીધી માનવીની જરૂરિયાતો સંતોષવાના ઉપયોગમાં આવતી નથી; તેમને યાંત્રિક ઉદ્યોગોની પ્રક્રિયાઓમાંથી પસાર કરવી પડે છે. તમામ યાંત્રિક ઉદ્યોગો કાચા માલ માટે નૈસર્ગિક ઉદ્યોગો ઉપર આધાર રાખે છે. યાંત્રિક ઉદ્યોગોનો વિકાસ નૈસર્ગિક ઉદ્યોગોની પેદાશોની માંગ ઊભી કરી તેમના વિકાસની સાનુકૂળતા ઊભી કરી આપે છે તેમજ તે વિકાસને સરળ અને ઝડપી બનાવવા માટે જરૂરી યંત્રો-ઓજારો પૂરાં પાડે છે. નૈસર્ગિક ઉદ્યોગોનો વિકાસ તેમાં રોકાયેલા લોકોની ધનસંપત્તિમાં વધારો કરે છે, જે યાંત્રિક ઉદ્યોગોના તૈયાર માલની ખરીદીમાં વપરાય છે.

યાંત્રિક ઉદ્યોગોના ત્રણ વર્ગ પડે છે : (1) ભારે ઉદ્યોગો, (2) મધ્યમ કદના ઉદ્યોગો અને (3) લઘુ ઉદ્યોગો. ઉત્પાદનની સંકુલ પ્રક્રિયા અને પુષ્કળ મૂડીરોકાણ એ મોટા પાયાના ભારે ઉદ્યોગોનું પ્રધાન લક્ષણ છે; ઉત્પાદનની સરળ-સાદી પ્રક્રિયા અને અલ્પ મૂડીરોકાણ એ નાના પાયાના કે લઘુ ઉદ્યોગોનું પ્રધાન લક્ષણ છે. વિકસિત દેશોના અર્થકારણમાં મૂડીપ્રધાન યાંત્રિક ઉદ્યોગો મહત્વ ધરાવે છે; વિકસતા દેશોના અર્થકારણમાં શ્રમપ્રધાન લઘુ ઉદ્યોગો મહત્વ ધરાવે છે.

યાંત્રિક ઉત્પાદનની પદ્ધતિઓના બે મુખ્ય પ્રકાર છે : (1) ઉત્પાદનની સરળ-સાદી પ્રત્યક્ષ પદ્ધતિઓ અને (2) ઉત્પાદનની સંકુલ-પરોક્ષ પદ્ધતિઓ. માણસ મહદ્અંશે સ્વાવલંબી રહીને વિવિધ યંત્રસામગ્રી અને માતબર મૂડીરોકાણ વગર તેની જરૂરિયાતો પ્રાપ્ત કરી લેતો હોય તેને ઉત્પાદનની પ્રત્યક્ષ પદ્ધતિ કહે છે. સંકુલ યંત્રસામગ્રી અને વિપુલ મૂડીરોકાણ તથા કાર્યવિભાજન અને વિશિષ્ટીકરણ દ્વારા અનેક માણસોના સહકાર અને સાથ દ્વારા ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન મેળવવાની પદ્ધતિને ઉત્પાદનની પરોક્ષ પદ્ધતિ કહે છે. પોતાની જરૂરિયાતો સંતોષવા સારુ મહદ્અંશે ઉત્પાદનની પ્રત્યક્ષ પદ્ધતિઓ ઉપર આધાર રાખતી પ્રજાઓનું અર્થતંત્ર અવિકસિત યા અલ્પવિકસિત સ્વરૂપમાં જોવા મળે છે.

નૈસર્ગિક ઉદ્યોગની સરખામણીમાં યાંત્રિક ઉદ્યોગો આધુનિક ગણાય; કેમ કે માનવીના આર્થિક જીવનના ઇતિહાસનાં હજારો વર્ષો વહી ગયાં બાદ તેમનો ઉદય થયો છે.

બાંધકામ ઉદ્યોગમાં મકાનો, જળાશયો, પુલ, રસ્તા વગેરે પ્રકારની બાંધકામની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

કેટલાક માણસો તેમની વ્યવસાયી પ્રવૃત્તિઓ દ્વારા કોઈ પણ પ્રકારની ભૌતિક સંપત્તિ પેદા કરતા નથી, પરંતુ સંપત્તિના ઉત્પાદનમાં કે તેની ઉપયોગિતામાં વધારો કરવાની પ્રવૃત્તિઓમાં રોકાયેલાઓની કાર્યદક્ષતા વધારવાનું કે તેમનો સમય બચાવવાનું કાર્ય કરે છે; તેમની પ્રવૃત્તિઓને પ્રત્યક્ષ સેવાઓ કહે છે. તેમાં ઉત્પાદકો અને ઉપભોક્તાઓ વચ્ચે ચીજવસ્તુઓ અને સેવાઓનો વિનિમય કરનારા-કરાવનારા તમામ પ્રકારના વેપારીઓ, સંગ્રાહકો, દલાલો, આડતિયાઓ વગેરે; સંદેશાવ્યવહાર, બૅન્કિગ, વીમા ઇત્યાદિ સેવાઓ પૂરી પાડનારાઓ; પ્રવાસીઓ તથા ચીજવસ્તુઓની હેરફેરમાં રોકાયેલા તમામ ખાનગી તેમજ જાહેર વાહકો (carriers) તથા સંરક્ષણ, સમાજવ્યવસ્થા અને કાયદાકાનૂનો તથા ધારાધોરણોનું પાલન કરાવનારા સૈનિકો; પોલીસો, ધારાશાસ્ત્રીઓ, ન્યાયાધીશો વગેરે; લોકોનો બૌદ્ધિક વિકાસ કરનારા શિક્ષકો; મનોરંજન પૂરું પાડનારા સંગીતકારો, નાટ્યકારો, કલાકારો વગેરે; તંદુરસ્તી અને સ્વાસ્થ્યના સંરક્ષક દાક્તરો, વૈદો વગેરેનો સમાવેશ થાય છે. આવી પ્રવૃત્તિઓ મુખ્યત્વે વાણિજ્યપૂરક કે સહાયક પ્રવૃત્તિઓ હોય છે.

એક જમાનામાં જે નિસર્ગપંથી અર્થશાસ્ત્રીઓ (physiocrats) તરીકે ઓળખાતા હતા તેમણે ઉત્પાદક શ્રમ અને અનુત્પાદક શ્રમ એવા ભેદ પાડ્યા હતા; કોઈક નવી વસ્તુ ઉત્પન્ન કરી આપે તે શ્રમને જ તેઓ ઉત્પાદક શ્રમ ગણતા. તેમના પછી ઉત્પાદક શ્રમની વ્યાખ્યા ક્રમશ: વિસ્તરતી ગઈ છે. પ્રત્યક્ષ સેવા પૂરી પાડનારા વિવિધ વ્યવસાયીઓ તેમની આવડત અને કામગીરી દ્વારા સમાજને ઉપયોગી થઈ પડ્યા છે. તેમની સેવાથી સમાજની સુવ્યવસ્થા, લોકોનું આરોગ્ય, સુખાકારી, નીતિનિયમોનું પાલન, ન્યાય-વ્યવસ્થા, જ્ઞાન અને સંસ્કારની અભિવૃદ્ધિ, માનવશક્તિઓની ખિલવણી ઇત્યાદિ સચવાય છે. એટલે આવા સંસ્કારપોષક વ્યવસાયીઓની પ્રવૃત્તિઓને ઉત્પાદક પ્રવૃત્તિઓમાં સમાવવામાં આવે છે.

વિશ્વના વિવિધ પ્રદેશોમાં જુદા જુદા પ્રકારની ઉત્પાદક-ઔદ્યોગિક પ્રવૃત્તિઓનું મહત્વ એકસરખું હોતું નથી. કોઈ પણ વિસ્તારમાંની ઉત્પાદક પ્રવૃત્તિઓ તથા તેમાંનું ઉત્પાદનતંત્ર તે વિસ્તારના આર્થિક વિકાસના તબક્કાનું પ્રતિબિંબ પાડે છે. આર્થિક પ્રગતિના પ્રાથમિક તબક્કામાં શિકાર – માછલાં પકડવાની પ્રવૃત્તિઓ મહત્વની ગણાય; જેમ જેમ માનવી રખડુ જીવન છોડી સ્થાયી વસવાટ કરતો ગયો તેમ તેમ કૃષિ, ઢોરઉછેર અને આનુષંગિક પ્રવૃત્તિઓનું મહત્વ વધતું ગયું અને આર્થિક રીતે વિકાસ પામેલા વિસ્તારોમાં યાંત્રિક ઉદ્યોગો વધારે મહત્વ ભોગવે છે.

ધીરુભાઈ વેલવન