ઔદ્યોગિક ગતિશીલતા : બદલાતા સંજોગોમાં ઉદ્યોગોનું સ્થાનિકીકરણ (localisation), ઉત્પાદનપદ્ધતિ તથા વસ્તુના સ્વરૂપ અને તરેહમાં ફેરફાર કરવાની ઔદ્યોગિક માળખાની ક્ષમતા. ઉદ્યોગ સ્થાપવામાં આવતો હોય ત્યારે તે અંગે લેવાતા નિર્ણયો અને અખત્યાર થતી નીતિ પ્રવર્તમાન સંજોગોને અધીન હોય છે; પરંતુ ગતિશીલ અર્થતંત્રમાં સંજોગો સ્થિર કે અપરિવર્તનશીલ હોતા નથી; સમય પસાર થતાં તે અનેક પરિબળોને લીધે બદલાતા હોય છે. કોઈ એક ઉદ્યોગ, એટલે કે તેના વિવિધ એકમો કોઈ એક સમયે કોઈ એક વિસ્તારમાં કેન્દ્રિત થવા માટે કેટલાંક કારણો અને પરિબળો જવાબદાર હોય છે; દા. ત., પ્રાકૃતિક સંજોગો અને આબોહવા, કાચા માલ કે શ્રમની ઉપલભ્યતા, વાહનવ્યવહાર તથા સંદેશાવ્યવહારની સગવડ, ઊર્જાપ્રાપ્તિની શક્યતા, જમીન તથા આનુષંગિક સેવાઓની ઉપલભ્યતા, નાણાં ને મૂડીબજારનાં વલણો, બજારનું સામીપ્ય, વસ્તુની માંગનું સ્વરૂપ, રાજ્યની ઔદ્યોગિક તથા શ્રમનીતિ, વ્યૂહાત્મક બાબતો વગેરે; પરંતુ તેમાંનાં કેટલાંક પરિબળોમાં ફેરફાર થતાં નવાં સંજોગોમાં તે ઉદ્યોગના નવા એકમો નવા વિસ્તારોમાં ઊભા કરવામાં આવે છે. ઉદ્યોગની આ પ્રકારની ગતિશીલતાને ભૌગોલિક ગતિશીલતા કહેવામાં આવે છે.

તેવી જ રીતે પ્રવર્તમાન પરિસ્થિતિને અનુરૂપ ઉત્પાદનપદ્ધતિ કે તકનીકની પસંદગી થતી હોય તોપણ જ્યારે આર્થિક પરિસ્થિતિમાં પરિવર્તન આવે ત્યારે અથવા વધુ લાભદાયક ઉત્પાદનપદ્ધતિ કે તકનીકની શોધ થઈ હોય ત્યારે તે સહેલાઈથી (અથવા ઓછામાં ઓછા વિક્ષેપ સાથે) અપનાવવાની ક્ષમતા ઉદ્યોગમાં હોવી જોઈએ, અન્યથા નવા ઔદ્યોગિક એકમો સાથેની હરીફાઈમાં જૂના એકમો ટકી શકે નહિ. આ પ્રકારની ઔદ્યોગિક ગતિશીલતાને ટેકનૉલૉજિકલ અથવા તકનીકી ગતિશીલતા કહેવામાં આવે છે.

કોઈ નવો ઉદ્યોગ સ્થપાતો હોય ત્યારે તે સમયગાળામાં જે તે વસ્તુની બજારમાંગનું સ્વરૂપ ધ્યાનમાં લઈને તે ઉદ્યોગમાં અમુક પ્રકારની કે અમુક તરેહની ચીજવસ્તુઓનું ઉત્પાદન થતું હોય છે. બજારમાંગના સ્વરૂપમાં થતા ફેરફારોને અનુલક્ષીને ઉત્પાદનના પ્રકાર કે તરેહમાં જરૂરી ફેરફાર કરવાની ક્ષમતા ઉદ્યોગમાં હોવી જોઈએ. આ પ્રકારની ગતિશીલતાને ઉત્પાદનલક્ષી અથવા વસ્તુપ્રેરિત ગતિશીલતા કહેવામાં આવે છે. આ રીતે ઉદ્યોગનું સ્થાનિકીકરણ, ઉત્પાદન પદ્ધતિ કે તકનીક, ઉત્પાદનનું સ્વરૂપ, ઉદ્યોગનું વિસ્તરણ જેવી બાબતો પ્રવર્તમાન પરિસ્થિતિ અને સંજોગોને અધીન હોય છે; એમાં ફેરફાર થતાં નવી પરિસ્થિતિ અને બદલાતા સંજોગોમાં ઇષ્ટ ગણાય તેવા ફેરફારો, શક્ય તેટલી ઝડપથી અને ઓછામાં ઓછા વિક્ષેપ સાથે અપનાવવાની ક્ષમતા ઉદ્યોગમાં હોય તો જ તે ઉદ્યોગ પોતાના હેતુઓ અને ધ્યેયો સિદ્ધ કરી શકશે.

ભારતમાં આયોજનના ગાળા દરમિયાન (1951-2003) ઔદ્યોગિક ગતિશીલતામાં વધારો થયો છે. બીજા વિશ્વયુદ્ધ પછીના ગાળામાં જર્મની અને જાપાન જેવા દેશોએ જે વિસ્મયકારક ઔદ્યોગિક પ્રગતિ સાધી છે તેમાં ઔદ્યોગિક ગતિશીલતાનો ફાળો ઘણો મોટો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે