ઔદ્યોગિક ક્રાંતિ : ખેતી અને હસ્તઉદ્યોગો પર આધારિત અર્થતંત્રનું યંત્રો અને યાંત્રિક શક્તિ દ્વારા ચાલતા ઔદ્યોગિક અર્થતંત્રમાં રૂપાંતર. એ પ્રક્રિયાનો પ્રારંભ 18મી સદીમાં સર્વપ્રથમ ઇંગ્લૅન્ડમાં થયો. ત્યાંથી તે ક્રાંતિ દુનિયાના અન્ય દેશોમાં પ્રસરી. આ શબ્દપ્રયોગ પ્રથમ વખત ફ્રાંસના કેટલાક લેખકોએ કરેલો, પરંતુ તેને ઇંગ્લૅન્ડના ઇતિહાસકાર આર્નોલ્ડ ટૉયન્બીએ ચલણી અને લોકપ્રિય બનાવ્યો. ઇંગ્લૅન્ડમાં 1760થી 1840 વચ્ચે જે આર્થિક વિકાસ સધાયો હતો તેનું વર્ણન તેમણે ઔદ્યોગિક ક્રાંતિ રૂપે કર્યું હતું.
ઇંગ્લૅન્ડનું ભૌગોલિક સ્થાન આંતરરાષ્ટ્રીય વેપારને માટે અનુકૂળ હતું. તેના કિનારે સારાં બંદરો આવેલાં છે. તેથી તે વેપાર ખૂબ વધારી શક્યું. 18મી સદી સુધીમાં એશિયા, આફ્રિકા અને અમેરિકા સાથેના ઇંગ્લૅન્ડના વેપારમાં વધારો થયો. ઇંગ્લૅન્ડનાં અનેક સંસ્થાનો તેના વેપારનાં બજારો હતાં. વિદેશ વેપારને લીધે તેની પાસે એકઠી થયેલી મૂડી ઔદ્યોગિક સાહસો માટે પૂરતી હતી. ત્યાંની કોલસા અને લોખંડની ખાણો ઔદ્યોગિક ક્રાંતિ માટે ઉપયોગી થઈ. તે ખાણોની પાસે નવા ઉદ્યોગો સ્થપાયા. દેશમાં વસ્તીવધારો થવાથી ઇંગ્લૅન્ડમાં કારખાનાંમાં કામ કરવા પૂરતા મજૂરો અને કારીગરો હતા રેલવે અને સ્ટીમર જેવાં વાહનવ્યવહારનાં નવાં સાધનોએ ખાણોમાંથી કાચો માલ કારખાનાંમાં લાવવા તથા તૈયાર થયેલ માલ ઝડપથી બજારોમાં પહોંચાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો.
ઇંગ્લૅન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કાપડ-ઉદ્યોગમાં થઈ. 1733માં જ્હૉન કેએ યાંત્રિક કાંઠલાની શોધ કરી. 1764માં જેમ્સ હારગ્રીવ્ઝ નામના વણકરે ‘સ્પિનિંગ જેની’ નામનું યંત્ર શોધ્યું. તેમાં એકસાથે આઠ ત્રાકોનો ઉપયોગ કરીને આઠગણું સૂતર એકસાથે એક માણસ કાંતી શકતો. 1985માં પાવરલૂમની શોધ થઈ. 1833માં ઇંગ્લૅન્ડમાં આવી 85,000 યંત્રસાળો ચાલતી હતી. તેને ચલાવવા માટે વરાળયંત્રના ઉપયોગથી યંત્રશક્તિમાં અનેકગણો વધારો થયો. જેમ્સ વૉટે 1765માં વરાળયંત્રની શોધ કરી. કાપડ રંગવા અને છાપવા માટે પણ યંત્રોનો ઉપયોગ થવા માંડ્યો. કાપડ-ઉદ્યોગ વિકસ્યો તેથી કાપડની અનેક મિલો શરૂ થઈ.
વરાળયંત્રનો ઉપયોગ અન્ય ક્ષેત્રોમાં થવાથી રેલવે-એન્જિન, આગબોટ વગેરે સાધનો શરૂ થયાં. 1807માં રૉબર્ટ ફલ્ટને વરાળથી ચાલતી આગબોટની શોધ કરી. 1825માં જ્યૉર્જ સ્ટીવન્સને રેલવે- એન્જિન બનાવ્યું. 1830માં દુનિયાની સૌપ્રથમ રેલવે માંચેસ્ટર અને લિવરપુલ વચ્ચે શરૂ થઈ. ખેતીમાં પણ યંત્રીકરણ કરવામાં આવ્યું. 1831માં મૅકડૉર્મિકે લણણી માટેના યંત્ર રીપરની શોધ કરી. સેમ્યુઅલ મોર્સે ઇલેક્ટ્રિક ટેલિગ્રાફ, ઍલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે ટેલિફોન, ઇટાલીના માર્કોનીએ વાયરલેસ ટેલિગ્રાફ તથા માઇકલ ફૅરડેએ ડાઇનેમોની શોધ કરી. ઉદ્યોગોના વિકાસાર્થે આ વૈજ્ઞાનિક શોધો ઉપયોગી નીવડી.
નવાં યંત્રો બનાવવા માટે લોખંડ અને કોલસાની વધુ પ્રમાણમાં જરૂર પડી. લોખંડને ઓગાળીને તેમાંથી યાંત્રિક સાધનો બનાવવા માટે કોલસાની જરૂરિયાત ઊભી થઈ. તેથી ખાણોમાંથી કોલસા કાઢવાની અને કાચા લોખંડને શુદ્ધ બનાવવાની નવી પદ્ધતિઓ શોધાઈ. આમ લોખંડ અને કોલસાનો ઔદ્યોગિક ઉત્પાદન માટે મોટા પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો.
ઔદ્યોગિક ક્રાંતિનો પ્રસાર
ઇંગ્લૅન્ડની ઔદ્યોગિક ક્રાંતિને યુરોપના દેશોમાં પ્રસરતાં લગભગ એક સદી વીતી. ફ્રાંસની ક્રાંતિ અને નેપોલિયનના સમયનાં યુદ્ધોએ યુરોપના અનેક દેશોમાં અવ્યવસ્થા પેદા કરી હતી. વળી, ઇંગ્લૅન્ડે ઔદ્યોગિક ક્ષેત્રના તેના ઇજારાને ટકાવી રાખવા માટે પોતાના કારીગરોના વિદેશગમન પર પ્રતિબંધ મૂક્યો હતો; પરંતુ ઇંગ્લૅન્ડને તેનો ઇજારો ટકાવી રાખવામાં સફળતા ન સાંપડી. વિદેશોમાં રહેલી કમાણીની તકોને ઝડપી લેવા ઇંગ્લૅન્ડના સાહસિકો તત્પર બન્યા. તેની શરૂઆત બેલ્જિયમથી થઈ. એ નાના દેશમાં ઇંગ્લૅન્ડના બે નાગરિકોએ 1807માં યંત્રો બનાવવા માટે વર્કશૉપ શરૂ કરી અને બેલ્જિયમમાં ઔદ્યોગિક ક્રાંતિ પ્રસરી. બેલ્જિયમે તેના નાના કદ છતાં ઔદ્યોગિક વિકાસ દ્વારા ભારે સમૃદ્ધિ પ્રાપ્ત કરી.
ફ્રાંસ ઓગણીસમી સદીના પ્રથમ બે દસકા સુધી ઔદ્યોગિક ક્રાંતિથી અલિપ્ત રહ્યું હતું. તે આર્થિક રીતે એક પાયમાલ થઈ ગયેલો દેશ હતો, તેનો વિદેશ-વેપાર ઘટી ગયો હતો અને ઉદ્યોગોમાં રોકવા માટે તેની પાસે ઝાઝી મૂડી ન હતી. તેની પરિવહન-સેવા ખૂબ અસંતોષકારક હતી. 1830 પછીનાં વર્ષોમાં તેનું ઉદ્યોગીકરણ શરૂ થયું અને 1848 સુધીમાં તે એક ઔદ્યોગિક તાકાત બની ગયું. ફ્રાંસમાં નાના પાયાના ઉદ્યોગો તથા મોજશોખની ચીજોનું ઉત્પાદન કરતા ઉદ્યોગો વિકસ્યા હતા.
જર્મનીમાં 1850 પછી ઔદ્યોગિક ક્રાંતિનાં પગરણ થયાં. તે પૂર્વે મોટા પ્રમાણમાં હાથ ધરાયેલા રેલવેના બાંધકામે ઔદ્યોગિક ક્રાંતિ માટેની ભૂમિકા સર્જી હતી. 1870માં જર્મનીનું એકીકરણ તેની ઔદ્યોગિક ક્રાંતિ માટે ઉત્તેજક નીવડ્યું. તેના પરિણામે જર્મનીને લોખંડ તથા કોલસાના વિપુલ ભંડારો સાંપડ્યા. વળી જર્મનીની સરકારે પણ ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું. ઔદ્યોગિક ક્રાંતિમાં મોડું પડેલું જર્મની ઝડપથી ઔદ્યોગિક વિકાસ સાધીને ઓગણીસમી સદીના અંતે એક આગેવાન ઔદ્યોગિક દેશ બની ગયું. લોખંડ-પોલાદ, રસાયણો, રંગો વગેરે કેટલીક ઔદ્યોગિક ચીજોના ઉત્પાદનમાં તે ઇંગ્લૅન્ડ તથા ફ્રાંસથી આગળ નીકળી ગયું.
યુરોપના અન્ય દેશો ફ્રાંસ અને જર્મનીની સાથે કદમ મિલાવી શક્યા ન હતા. હૉલેન્ડ પાસે મોટા પ્રમાણમાં સંસ્થાનો હોવા છતાં ઔદ્યોગિક ક્રાંતિમાં તે બેલ્જિયમથી પાછળ રહ્યું. ઇટાલીમાં કુદરતી સાધનસંપત્તિ કંગાળ હોવાથી અને આંતરિક સંઘર્ષો હોવાથી ઓગણીસમી સદીનાં પાછલાં વર્ષોમાં તે આંશિક રીતે ઔદ્યોગિક વિકાસ સાધી શક્યું. સ્પેન, પૉર્ટુગલ, રશિયા વગેરે દેશો ઓગણીસમી સદી દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિથી વેગળા જ રહ્યા. રશિયામાં 1920 પછી સામ્યવાદી શાસન નીચે ઝડપી ઔદ્યોગિક વિકાસ સધાયો.
યુરોપની બહાર અમેરિકામાં અમેરિકાની ક્રાંતિએ ઔદ્યોગિક ઉત્પાદનને પ્રોત્સાહન આપ્યું હતું; તેથી અમેરિકામાં આંતરવિગ્રહ થયો (1861થી 1865). અમેરિકામાં ઔદ્યોગિક ક્રાંતિ તે પૂર્વે પ્રસરી ચૂકી હતી. અમેરિકામાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ માટે અનેક પરિબળો જવાબદાર હતાં : અમેરિકામાં વૈવિધ્યપૂર્ણ વિપુલ કુદરતી સંપત્તિ છે, તેની પરિવહનસેવામાં ઝડપી સુધારો થયો હતો, અમેરિકા પાસે મૂડીની વિપુલતા હતી, અમેરિકાના કારીગરો શોધક-બુદ્ધિના હતા અને ઔદ્યોગિક ઉત્પાદનપ્રક્રિયાની સારી સૂઝ ધરાવતા હતા. ઓગણીસમી સદીના મધ્ય ભાગે અમેરિકામાં ઉત્પન્ન થયેલાં યંત્રોની નિકાસ યુરોપમાં થવા માંડેલી.
જાપાનમાં આધુનિક ઉદ્યોગોનો વિકાસ 1870 પછી શરૂ થયો, પરંતુ વીસમી સદીના આરંભના દસકાઓમાં તે એક ઔદ્યોગિક સત્તા બની ગયું હતું. એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના મોટાભાગના દેશો વીસમી સદીના પૂર્વાર્ધમાં ઔદ્યોગિક વિકાસ સાધી શક્યા ન હતા. એ બધા દેશોમાં વીસમી સદીના ઉત્તરાર્ધમાં જ ઔદ્યોગિક ક્રાંતિનાં પગરણ થયાં. (જુઓ ઉદ્યોગીકરણ.)
બીજી ઔદ્યોગિક ક્રાંતિ : ઓગણીસમી સદીના છેલ્લા ત્રણેક દસકાઓ દરમિયાન બીજી ઔદ્યોગિક ક્રાંતિનો આરંભ થયો. એક રીતે જોતાં એ ક્રાંતિમાં ક્રાંતિ હતી અને છે; કેમ કે, એમાં અભિપ્રેત પરિવર્તનો આજે પણ થઈ રહ્યાં છે. બીજી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કેવળ ઇંગ્લૅન્ડ પાસે ન રહ્યું. ટેકનૉલોજીની જે પ્રગતિ પર બીજી ઔદ્યોગિક ક્રાંતિ રચાયેલી છે તેમાં અમેરિકા પણ આગળ રહ્યું. યુરોપના દેશોમાં વિકસેલી ટેકનૉલોજીને તે સુધારવા લાગ્યું. જર્મનીએ રસાયણો અને સંલગ્ન ઉદ્યોગોમાં નેતૃત્વ કર્યું. જાપાને નવા ઉદ્યોગીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી.
ટેકનૉલોજીના ઝડપી વિકાસને પરિણામે યંત્રો ઝડપથી કાલગ્રસ્ત થવા લાગ્યાં. નવાં સુધારેલાં યંત્રો ઝડપથી બજારમાં મુકાવા માંડ્યાં. ઊર્જાના સ્રોત તરીકે કોલસાનું સ્થાન ખનીજ-તેલે લીધું. 1859માં અમેરિકામાં પેટ્રોલિયમ સાંપડ્યું હતું. 1880 સુધીમાં પેટ્રોલિયમનું ઉત્પાદન ત્રણ કરોડ બૅરલ પર પહોંચ્યું હતું. સમય જતાં વરાળના સ્થાને વીજળી આવી. વીજળીના ઉત્પાદન તથા ઉપયોગ માટે મહત્વની શોધો થઈ. ઔદ્યોગિક ઉત્પાદન માટે પાયાની ચીજોની અવેજીમાં ઉપયોગમાં લઈ શકાય તેવી કુદરતી અને માનવ-સર્જિત ચીજોની શોધો થઈ. વજનમાં હલકી પણ ખૂબ મજબૂત ધાતુઓ, નવી મિશ્ર ધાતુઓ, કાપડ માટે કૃત્રિમ રેષાઓ, પ્લાસ્ટિક વગેરે તેનાં ઉદાહરણો છે. માહિતી-ટેકનૉલોજીના ક્ષેત્રે થઈ રહેલી વેગીલી પ્રગતિ આ બીજી ઔદ્યોગિક ક્રાંતિનો એક તબક્કો છે. સંભવ છે કે ભાવિ ઇતિહાસકાર તેને ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિના પ્રારંભ તરીકે જોવાનું પસંદ કરે.
બીજી ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહારના ક્ષેત્રે અપૂર્વ વિકાસ સધાયો છે. સંદેશાવ્યવહાર સાપેક્ષ રીતે ખૂબ સસ્તો અને ખૂબ ઝડપી બન્યો છે. એ જ રીતે વાહનવ્યવહારની સેવાઓ ખૂબ ઝડપી અને કાર્યક્ષમ બનતાં પૂરનું ખર્ચ ત્રીજા-ચોથા ભાગનું થઈ ગયું છે.
બીજી ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન બીજાં પણ અનેક નોંધપાત્ર પરિવર્તનો નીપજ્યાં છે. અત્યંત મોટા પાયા પરનું ઉત્પાદન (mass-production) સર્વસામાન્ય બન્યું છે, ઔદ્યોગિક, નાણાકીય અને વેપારી પેઢીઓ બહુરાષ્ટ્રીય બની છે, આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ અવતરી છે અને વિકસી છે, ઉદ્યોગોના ક્ષેત્રે સંશોધનો એક વ્યવસાય બન્યો છે, જે પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિના કાળમાં એક આકસ્મિક અને વૈયક્તિક ઘટના હતી. બીજી ઔદ્યોગિક ક્રાંતિમાં મોટા અને મધ્યમ કદની પેઢીઓ ખાસ સંશોધનો માટે જ નિષ્ણાતોને રોકે છે એ રીતે સંશોધનો જૂથકાર્ય બન્યાં છે અને તે કોઈ આકસ્મિક બાબત રહી નથી. પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિમાં ઔદ્યોગિક કંપનીઓની મૂડી ઝાઝા હાથોમાં વહેંચાયેલી નહોતી, બીજી ઔદ્યોગિક ક્રાંતિમાં ઔદ્યોગિક પેઢીઓની શેરમૂડી અસંખ્ય શેરહોલ્ડરો વચ્ચે વહેંચાયેલી માલૂમ પડે છે. પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિના સમયગાળામાં રાજ્ય મુક્ત અર્થતંત્રની નીતિને વરેલું હતું. બીજી ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન રાજ્યની આર્થિક ભૂમિકામાં ગણનાપાત્ર વધારો થવા પામ્યો છે. રાજ્ય આજે વિવિધ માર્ગોએ નાગરિકોના આર્થિક કારોબારનું નિયંત્રણ કરે છે.
ઉદ્યોગીકરણ આ ક્રાન્તિનું જ સીધું પરિણામ છે. ઉદ્યોગ યંત્ર અને બળતણશક્તિ પર આધારિત ઉત્પાદનની રીત છે, તો ઉદ્યોગીકરણ તેના વિકાસ અને વિસ્તૃતીકરણનો નિર્દેશ કરે છે. ઔદ્યોગિક ક્રાન્તિને પરિણામે માનવસમાજની પ્રાચીન રહેણીકરણી, સંચાલનવ્યવસ્થા અને ઉત્પાદનપદ્ધતિમાં હજારો વર્ષો સુધી નહિ આવેલો એવો અભૂતપૂર્વ અને અજોડ પલટો આવ્યો અને પાયાનાં પરિવર્તનો થયાં. તેનાથી માનવસભ્યતાના વિકાસમાં નવો વળાંક આવ્યો. આથી આ ક્રાન્તિ માનવજાતિની પ્રગતિનું પ્રતીક અને યંત્રવિજ્ઞાનના વિકાસનું સર્વોચ્ચ શિખર બની રહેલ છે.
ઉદ્યોગીકરણની પહેલાંનો સમાજ કૃષિપ્રધાન હતો. તેમાં ઉદ્યોગનું સ્થાન ગૌણ, લગભગ નહિવત્ હતું. ઉત્પાદનનાં સાધનો સાદાં, સરળ, માનવસંચાલિત અને નિમ્ન ટેકનૉલૉજી પર આધારિત હતાં; એટલું જ નહિ, પરંતુ ઉંમર અને જાતિને ધોરણે થતું કુટુંબ-આધારિત સાદું શ્રમવિભાજન હતું. યંત્રકલાના વિકાસથી ઉદ્યોગોનું યાંત્રિકીકરણ થયું, સમાજ ઉદ્યોગપ્રધાન બન્યો અને કૃષિ ગૌણ બની. વૈજ્ઞાનિક સંશોધનોના પરિણામે વિવિધ ઉદ્યોગોના ઉત્પાદનમાં અને વ્યાપારના વિશેષ તેમજ ત્વરિત વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. આથી જ ઉદ્યોગીકરણનો ઇતિહાસ માનવસમાજ અને સંસ્કૃતિના પરિવર્તન, સર્જન અને સ્થળાંતરની ગાથા બનેલ છે, જેમાં ક્યારેક સત્તા માટે સંઘર્ષ અને સ્પર્ધા તો ક્યારેક સહકાર, સંવાદ અને સહઅસ્તિત્વનાં મૂલ્યોરૂપે આંતરક્રિયાઓ ચાલતી જોવા મળે છે. (જુઓ ઉદ્યોગીકરણ)
રમેશ ભા. શાહ