અપસ્માર (આયુર્વેદ) : અપસ્માર એટલે વાઈ અથવા ફેફરું. આ રોગમાં દર્દી અચાનક ભાન ગુમાવી દે છે, તેની સ્મૃતિ કે યાદદાસ્ત તે સમયે ચાલી જાય છે, તેને આંખે અંધારાં આવી જાય છે, મુખાકૃતિ બિહામણી થઈ જાય છે, કોઈ વખત મુખમાંથી ફીણ પણ બહાર આવી જાય છે, બુદ્ધિ અને મનનો વિભ્રમ થાય છે, મૂઢતા આવી જાય છે, ચિત્ત ભમી જાય છે અને હાથપગ ખેંચાય છે. દાંત સખત ભીંસાઈ જવાથી જો કાળજી રાખવામાં ન આવે તો જીભ તેમાં આવી જવાથી કપાઈ જાય છે. રોગ ખૂબ જ જોરમાં હોય તો આવા હુમલા લાંબા સમય સુધી કે દિવસમાં કે રાત્રે અનેક વખત આવે છે. હુમલો આવ્યા પછી દર્દી ખૂબ જ ઢીલો થઈ જાય છે.
આ રોગમાં દર્દી અચાનક બેભાન બની પડી જતો હોવાથી તેને અગ્નિની પાસે કે પાણીમાં ડૂબી જાય તેવી જગ્યાએ હોય તો તેનું મૃત્યુ દાઝી જવાથી કે ડૂબી જવાથી થઈ શકે છે. આ રોગનો દર્દી એકાંતમાં ન રહે એ જરૂરનું ગણાય છે, નહિ તો તેનો વેગ આવે તે કેટલો ચાલે છે તે ખબર ન પડવાથી અને સારવાર ન થવાથી પણ ઘણી વખત મૃત્યુ થાય છે.
આવા દર્દીને વાહન ચલાવવાની છૂટ નથી અપાતી. કારણ કે વાહન ચલાવતાં જ બેભાન બને તો અકસ્માત થઈ જવાની સંભાવના રહે છે. રસ્તા પર ચાલતાં પણ આવા રોગીને અકસ્માત થવાની સંભાવના રહે છે.
રોગનાં કારણો : જેમનું ચિત્ત રજોગુણ અને તમોગુણથી હણાયેલ હોય, વાતાદિ દોષો ખૂબ વધી ગયેલા હોય, આહારદોષ થયો હોય તો આ રોગ ઉત્પન્ન થાય છે.
પ્રકારો : આ રોગના વાતિક, પૈત્તિક, કફજ અને સાન્નિપાતિક (અર્થાત્ ત્રણેય દોષથી થાય) તેવા ચાર પ્રકાર છે.
આ રોગમાં દર્દી ખેંચ આવીને બેભાન થાય છે તેથી ઘણી વખતે હિસ્ટીરિયાના રોગીને પણ ફેફરું થયું હોય તેમ લાગે છે. પરંતુ હિસ્ટીરિયામાં રોગીને રોગનો હુમલો અચાનક આવી જવાથી રોગી અચાનક પડી જતો નથી. તેને અગાઉથી ખ્યાલ આવી જવાથી રોગી પથારીમાં કે જમીન પર સૂઈ જાય છે. મોટાભાગે હિસ્ટીરિયાનો હુમલો રોગીને એકાંતમાં નથી આવતો. રોગીની જીભ કપાઈ જતી નથી. રોગી તદ્દન બેભાન પણ નથી બની જતો. તેને ઊંડે ઊંડે આસપાસ જે ઘટનાઓ બને તેનો ખ્યાલ રહે છે. તેથી હિસ્ટીરિયા કેવળ માનસિક રોગ છે. સામાન્ય રીતે દર્દીનું અંત:મન બીજાનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવાનો પ્રયત્ન કરે છે, તે આ રોગના હુમલા રૂપે વ્યક્ત થાય છે તેથી હિસ્ટીરિયા એ તદ્દન જુદો રોગ છે. ફેફરું તેનાથી અલગ છે.
ઘણી વખત દર્દીને ધનુર્ થાય ત્યારે પણ તેના શરીરમાં તાણ કે આંચકી આવે છે. પરંતુ તેમાં રોગી સંપૂર્ણ ભાનમાં હોય છે. તેની યાદદાસ્ત ચાલી જતી નથી. તેથી તે તાણ આવવા છતાં અપસ્માર કે હિસ્ટીરિયાથી અલગ રોગ છે.
સારવાર : પહેલાં રોગીનું વમન, વિરેચન, બસ્તિ કે નસ્ય દ્વારા શોધન કરવું જોઈએ. તેથી દોષો શરીરમાંથી નીકળી જવાથી જે ઉપચાર કરવામાં આવે તેની અસર થાય છે. પંચગવ્ય ઘીથી રોગીને અપસ્માર મટે છે. રોગીને 10થી 20 ગ્રામ ઘી દરરોજ આપવું હિતકર છે.
બ્રાહ્મીઘૃત-બ્રાહ્મી મગજને શક્તિ આપે છે તેથી બ્રાહ્મીઘૃત 10થી 20 ગ્રામ આપવાથી પણ આ રોગમાં લાભ થાય છે.
½ તોલો તલનું તેલ લસણ સાથે અપાય છે.
1 તોલો શતાવરી ચૂર્ણ દૂધ સાથે અપાય છે.
બ્રાહ્મીનાં પાનનો રસ મધ સાથે અપાય છે, અને સ્મૃતિસાગર રસ ¼ ગ્રામ અપાય છે.
એ આયુર્વેદ અનુસાર આ રોગના ઉપચારરૂપ ઔષધ ગણાય છે.
ગોવિંદપ્રસાદ કૃષ્ણલાલ દવે