ઑલિવિયર, લૉરેન્સ (જ. 22 મે 1907, સરે, લંડન; અ. 11 જુલાઈ 1989, વેસ્ટ સસેક્સ, લંડન) : અંગ્રેજ અભિનેતા અને દિગ્દર્શક. અભિનયની શરૂઆત કરી 1922માં, શેક્સપિયરના નાટક ‘ધ ટેમિંગ ઑવ્ યુ’માં કૅથેરાઇનની ભૂમિકાથી, પછીનાં બેત્રણ વરસ ઠેકઠેકાણે અભિનય કર્યા બાદ, 1928માં બર્મિંગહામ રેપરટરી કંપનીમાં તેમને લંડનમાં કામ કરવાની તક મળી. પરિણામે આશાસ્પદ નટ તરીકે તેમની ગણતરી થવા માંડી. જોકે સૌથી મહત્વની તેમની ભૂમિકા તો ગણાઈ રોમિયો-જુલિયટમાં. એમાં જાણીતા નટ જૉન ગિલ્ગુડની સાથે ‘રોમિયો’ અને ‘મરકુટિયો’ની ભૂમિકાઓ તે અદલબદલ કરતા. લંડનના જાણીતા થિયેટર ઓલ્ડવિકમાં 1937માં હૅમ્લેટ, હેન્રી ધ ફિફ્થ, મેકબેથ વગેરે ભૂમિકાઓ ભજવી તેમણે શેક્સપિયરિયન નટ તરીકે ભારે પ્રશંસા મેળવી. 1944માં એ જ થિયેટરમાં સહદિગ્દર્શકનું સ્થાન પામીને તેમણે ઇબ્સનના ‘પિયર જીન્ટ’માં બટન બનાવનાર, ચેહફના ‘વાન્યા મામા’માં અસ્ત્રોવ, ‘ઇડિપસ રેક્સ’ અને ‘ધ ક્રિટિક’માં પફની ભૂમિકાઓથી તખ્તો શોભાવ્યો હતો.
એ પછી તેમણે સેન્ટ જેમ્સ થિયેટરની વ્યવસ્થા સંભાળી, ‘જૂલિયસ સીઝર’ અને ‘ઍન્ટની ઍન્ડ ક્લીયોપેટ્રા’નું નિર્માણ કર્યું. તેમણે અનેક નવાં નાટકોમાં પણ અભિનય કર્યો. દા.ત., આયોનેસ્કોનું ‘રિનોસિરોસ’, એનોઇનું ‘બેકેટ’, જૉન ઑસ્બોર્નનું ‘એન્ટરટેઇનર’ વગેરે. 1962માં ચિચેસ્ટર ફેસ્ટિવલના નિયામક અને 1963માં બ્રિટનના નૅશનલ થિયેટરના નિયામક તરીકે તેમની નિમણૂક થઈ. શેક્સપિયરનાં નાટકો પરથી તૈયાર થયેલી અનેક ફિલ્મોમાં પણ તેમણે અભિનય કર્યો છે. એમના પ્રશંસકો ‘લેરી’ના લાડકા નામે તેમને બોલાવતા હતા. એક પછી એક ત્રણ અંગ્રેજ નટીઓ જીલ એસ્મોન્ડ, વિવિયન લી અને જોઆન પ્લૉરાઇટ સાથે તેમણે લગ્ન કર્યાં હતાં. તેમને રંગભૂમિક્ષેત્રે કરેલા પ્રદાન બદલ ‘સર’નો ખિતાબ 1947માં એનાયત થયો હતો.
તેમણે સિત્તેર જેટલાં ચલચિત્રોમાં અભિનય આપ્યો હતો; એમાં શેક્સપિયરનાં નાટકો પર આધારિત ચલચિત્રોનો સવિશેષ સમાવેશ થાય છે. ‘હેન્રી ધ ફિફ્થ’, ‘રિચાર્ડ ધ થર્ડ’ અને ‘હૅમલેટ’ એ ત્રણ નાટકો પરથી બનેલાં ચલચિત્રોનું દિગ્દર્શન અને તેમાં તેમનો અદભુત અભિનય એ ઑલિવિયરની મહાન જીવનસિદ્ધિ ગણાય છે.
જશવંત ઠાકર
પીયૂષ વ્યાસ