ઑલ ફૉર લવ (ઓર ‘ધ વર્લ્ડ વેલ લૉસ્ટ’) (1678)

January, 2004

ઑલ ફૉર લવ (ઓર ‘ધ વર્લ્ડ વેલ લૉસ્ટ’) (1678) : શેક્સપિયરના ‘એન્ટની ઍન્ડ ક્લિયોપેટ્રા’ની વસ્તુ પર આધારિત અંગ્રેજ લેખક જૉન ડ્રાયડન લિખિત ‘હિરોઇક’ પ્રકારનું કરુણ નાટક. આ નાટકમાં અનુપ્રાસવાળી રચના(rhyme)નું વળગણ દૂર કરી લેખકે બ્લક વર્સનો પ્રયોગ કર્યો છે. ડ્રાયડનનું શ્રેષ્ઠ ગણાયેલું આ નાટક વારંવાર ભજવાયું છે. તેમાં સમય, સ્થળ અને કાર્ય ત્રણેની એકતા જળવાઈ છે. અહીં અંગ્રેજી ટ્રૅજેડીનું ક્ષેત્ર મોટા વિસ્તારમાં ફેલાયું છે. તેમાં નાટકનાં નાયક અને નાયિકાના જીવનની છેલ્લી ઘડીઓનું આલેખન છે. તે નૂતન પ્રશિષ્ટ ટ્રૅજેડીનો એક ઉમદા નમૂનો છે. પાત્રાલેખન, અભિનયકલા અને વસ્તુ તેમાં ઉત્તમ રીતે નાટ્યસ્વરૂપ પામેલ છે.

કૃષ્ણવદન જેટલી