ઑલ ક્વાયેટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ (1930)
January, 2004
ઑલ ક્વાયેટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ (1930) : સર્વપ્રથમ યુદ્ધવિરોધી બોલપટ. યુનિવર્સલ સ્ટુડિયો દ્વારા નિર્મિત અને એરિક મારીઆ રિમાર્કની યુદ્ધવિરોધી મહાન નવલકથા ઉપર આધારિત આ ફિલ્મ આજે પણ યુદ્ધવિરોધી ફિલ્મોની શ્રેણીમાં અગ્રસ્થાન ધરાવે છે. જર્મનીએ આ ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો, તે છેક 1960માં ઉઠાવ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ ઉપર આધારિત આ ફિલ્મમાં દિગ્દર્શક લુઈ માઇલસ્ટોને યુદ્ધની યશગાથા નહિ પણ નિરર્થકતા કંડારી છે.
ફિલ્મનો નાયક નિશાળમાં અભ્યાસ કરતો જર્મન વિદ્યાર્થી છે. માતૃભૂમિની સેવા કરવા માટેના જુસ્સાથી યુદ્ધના મેદાનમાં ખેંચી જવાયેલા સાત વિદ્યાર્થીઓમાંથી બચેલો તે એકમાત્ર કિશોર છે. યુદ્ધની નરાધમ અમાનવીય વાસ્તવિકતાથી તેનો ભ્રમ ભાંગી જાય છે. યુદ્ધની ભૂમિ ઉપર ગંદકી અને ખૂનો સિવાય બીજું કશું નથી. એક વાર તો તેને ભયભીત હૃદયે આખી રાત્રિ મૃતદેહ સાથે પસાર કરવી પડે છે. આ ફિલ્મનું અંતિમ ર્દશ્ય ખૂબ જ હૃદયદ્રાવક છે. યુદ્ધના ભયાનક વાતાવરણ વચ્ચે એક સુંદર પતંગિયું જોઈને બાળસહજ ઇચ્છાને વશ થઈને તે પકડવા જાય છે. એક ગોળીનો અવાજ આવે છે અને તે ઢળી પડે છે. વિદ્યાર્થી તરીકેનું પાત્ર ભજવતો અભિનેતા લ્યુ આયર્સ પ્રેક્ષકોને કરુણાથી આર્દ્ર કરી જાય છે. તેનાં સ્વપ્નો અને તેનો જીવવાનો અધિકાર યુદ્ધ નિર્દય રીતે છીનવી લે છે.
દિગ્દર્શક માઇલસ્ટોન ધ્વનિનો ઉપયોગ કરવાની પોતાની અનોખી ક્ષમતા અને ધ્વનિમુદ્રણના ચતુરાઈપૂર્વકના સંકલનને લઈને ખાઈયુદ્ધની ગમગીન પળોને અસરકારક બનાવી શક્યા છે. આ સિનેકૃતિ દ્વારા સામાન્ય પ્રેક્ષક સર્વપ્રથમ વાર જ ખાઈ-યુદ્ધની વાસ્તવિક પરિસ્થિતિનો સાચો ચિતાર પામી શક્યો હતો.
આ ફિલ્મ શરૂઆતમાં પ્રદર્શિત થઈ ત્યારે 140 મિનિટની હતી, પરંતુ વર્ષો વીતતાં આજે માત્ર 90થી 110 મિનિટ સુધીની રહી છે. આ ફિલ્મને શ્રેષ્ઠ ચિત્ર અને શ્રેષ્ઠ દિગ્દર્શકનો ઑસ્કાર એવૉર્ડ મળેલ છે.
પીયૂષ વ્યાસ
ઉષાકાન્ત મહેતા