ઓરુવિલાપમ્ (1905) : મલયાળમ કાવ્યકૃતિ. લેખક વી. સી. બાલકૃષ્ણ પણિક્કર. ‘ઓરુવિલાપમ્’ એટલે રુદન. લેખકે પોતાની પત્નીના કૉલેરાથી થયેલા અકાળ મૃત્યુ વિશે આ કરુણપ્રશસ્તિ (elegy) રચેલી છે. બાલકૃષ્ણ પણિક્કર મલયાળમ રંગદર્શી કવિતાના ‘શુક્રતારક’ ગણાય છે. 27 શ્લોકોની આ કૃતિ 1905માં ‘કવન કૌમુદી’ સામયિકમાં પ્રથમ પ્રગટ થઈ હતી. મલયાળમ ભાષાની આ પ્રકારની રચનાઓમાં એ સર્વોત્કૃષ્ટ ગણાય છે. ભગ્નહૃદયની કરુણ સ્થિતિમાં પણ કવિ માનસિક સમતુલા ગુમાવતા નથી તેમજ આશ્વાસન માટે તત્વચિંતનનો આશ્રય લેતા નથી. વાચકના મર્મસ્થળને તે સફળતાથી વીંધે છે. મૃત પત્નીના વિરહની વેદનામાં સિઝાવા સાથે કવિનું ઉદાત્ત મનોભાવ અને ભદ્રશીલ સૌજન્યયુક્ત ચરિત્ર ઊપસી આવે છે. આ કૃતિ જગતની કોઈ પણ ભાષાની ઉત્તમ કરુણપ્રશસ્તિ સાથે ઊભી રહી શકે તેવી છે.
અક્કવુર નારાયણન્