ઓમ્સ્ક (Omsk) (નગર) : રશિયામાં પશ્ચિમ સાઇબીરિયાના નીચાણવાળા પ્રદેશની દક્ષિણે આવેલું ઓમ્સ્ક પ્રાંત(oblast)નું મુખ્ય વહીવટી મથક તથા ઔદ્યોગિક કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 550 00′ ઉ. અ. અને 7૩0 24′ પૂ. રે.. ઓમ્સ્કના રક્ષણાર્થે 1716માં ત્યાં કિલ્લો બાંધવામાં આવતાં આ નગરની સ્થાપના થઈ હતી. તે રશિયન સોવિયેત ફેડરેટેડ સોશ્યાલિસ્ટ પ્રજાસત્તાકમાં આવેલું છે. 1782માં તેને નગરનો તથા 1804માં શહેરનો દરજ્જો મળ્યો હતો. 1822માં તે મધ્ય અને પૂર્વ કઝાકસ્તાનનું વહીવટી મથક બન્યું હતું. ઓગણીસમી સદી સુધી તે સાઇબીરિયાના કોઝાકસ(Cossacks)નું લશ્કરી થાણું હતું. સાઇબીરિયાનું તે બીજા ક્રમનું મોટું શહેર છે. વસ્તી : 11,82,000 (2020). 1918માં એડમિરલ એ. વી. કોલચાકના નેજા હેઠળ તે બૉલ્શેવિક સરકારવિરોધી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યું હતું. 1919-22 દરમિયાન તે સાઇબીરિયન બૉલ્શેવિક રેવૉલ્યૂશનરી જૂથનું મથક હતું.

ઓગણીસમી સદીમાં ત્યાં પ્રાથમિક સ્વરૂપના ઔદ્યોગિક વિકાસની શરૂઆત થઈ હતી. તે સમય દરમિયાન ત્યાં ચામડાં કમાવવાનાં કારખાનાં, યાંત્રિક શક્તિ વડે લાકડું વહેરવાનાં કારખાનાં અને બોટ બનાવવાનાં કારખાનાં શરૂ થયાં હતાં. પરંતુ ટ્રાન્સ-સાઇબીરિયન રેલમાર્ગના વિકાસને લીધે તથા ઇર્ટિશ (Irtysh) નદી પરના જળવ્યવહારનું તે મહત્વનું મથક હોવાથી તેના આર્થિક વિકાસને પ્રોત્સાહન મળ્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેના ઔદ્યોગિક વિકાસને વધુ વેગ મળ્યો. આજે ત્યાં કૃષિ-ઓજારો, ઇજનેરી વસ્તુઓ, સુતરાઉ તથા ઊની કાપડ, પગરખાં, ખાદ્ય ચીજો પર પ્રક્રમણ, ચામડાંની ચીજવસ્તુઓ, સંશ્લેષિત રબર તથા ટાયરનાં કારખાનાં અને ખનિજ-તેલ શુદ્ધીકરણનાં એકમો વિકસ્યાં છે. ઉપરાંત કૃષિવિજ્ઞાન, ઇજનેરી, આયુર્વિજ્ઞાન (medical) તથા પશુરોગ-ચિકિત્સાવિજ્ઞાનની સંસ્થાઓ, સંશોધનકેન્દ્રો, પ્રયોગશાળાઓ અને વિવિધ વિદ્યાશાખાઓનાં ઉચ્ચશિક્ષણનાં કેન્દ્રો છે. અનાજ, માખણ, મોટાં જાનવરોની ખાલ તથા ઢોરોના ખરીદવેચાણના બજાર તરીકે પણ તેનો વિકાસ થયો છે.

રશિયાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર, નવલકથાલેખક તથા ચિંતક દૉસ્તૉયૉવસ્કીને 1849થી 185૩ દરમિયાન અહીંના કિલ્લામાં જ કારાવાસમાં રાખવામાં આવ્યા હતા; તેને લીધે આ સ્થળને ઐતિહાસિક મહત્વ પ્રાપ્ત થયું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે