ઑબલિસ્ક : સૂર્યના પ્રતીક તરીકે ઇજિપ્તમાં બાંધવામાં આવતો સ્તંભ. તે ગ્રૅનાઇટ પથ્થરની એક જ શિલામાંથી બાંધવામાં આવતો એકાશ્મક સ્તંભ (monolithic pillar) છે. ઉપર જતાં ક્રમશ: તેની પહોળાઈ ઘટતી જતી. તેનો આકાર સમચોરસ કે લંબચોરસ રાખવામાં આવતો. પિરામિડ આકારની તેની ટોચ સોનાના ઢોળવાળી બનાવાતી. સ્તંભ પર સામાન્ય રીતે હાયરૉગ્લિફિક લિપિમાં લેખ કોતરવામાં આવતો. સૂર્યના પ્રતીક તરીકે બાંધવામાં આવતા આ પ્રકારના સ્તંભ પ્રાચીન ઇજિપ્તમાં જાણીતા હતા. આ પ્રકારના સ્તંભ સામાન્ય રીતે કબર અથવા મંદિરના પ્રવેશ આગળ સૂર્યની દિશાએ બાંધવામાં આવતા માત્ર ઇજિપ્તમાં કર્નાક મંદિર આગળ આ પ્રકારના ચાર સ્તંભો મૂળ સ્થાને ઊભેલા જોવા મળે છે. રોમન શાસન વખતે આવા ઘણા સ્તંભો ઇજિપ્તમાંથી યુરોપ લઈ જવાયા હતા અને રોમના પિઆઝા ડી એસ. પિયેટ્રોમાં તથા લંડનના ક્લિયોપેટ્ર નીડલના બાંધકામમાં તે વાપરવામાં આવ્યા હતા. રેનેસાંસ કાળથી સ્થપતિઓએ ઑબલિસ્ક આકાર અપનાવ્યો હતો.
થૉમસ પરમાર