ઓઝા, હસમુખ પ્રાણશંકર (જ. 7 ફેબ્રુઆરી 1917, ધોળકા; અ. 4 ઑગસ્ટ 1985, અમદાવાદ) : ગુજરાતના એક ઉત્તમ કોટિના બહુવિધ ઇજનેર, તકનીકી લેખક તથા સક્ષમ વહીવટકર્તા.
મધ્યમ વર્ગના શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના શિક્ષણપ્રેમી કુટુંબમાં તેમનો જન્મ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ધોળકામાં લઈ, ભાવનગરથી મેટ્રિક. ગણિત પ્રત્યે ખાસ આકર્ષણ હોવાથી ભારતની પ્રતિષ્ઠિત રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ – મુંબઈમાં જોડાયા. બી.એસસી. ગણિત (મુખ્ય વિષય) અને ભૌતિકશાસ્ત્ર (ગૌણ વિષય) સાથે 1938માં ફર્સ્ટક્લાસમાં પાસ. ત્યારબાદ રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ – મુંબઈમાં જ અભ્યાસ કરી, ‘ઍપ્લાઇડ મિકૅનિક્સ’-(Electricity & Relative Group)ના અઘરા વિષયમાં 1941માં મુંબઈ યુનિવર્સિટીમાં પ્રથમ આવી, એમ.એસસી.ની પદવી મેળવી. તેજસ્વી વિદ્યાર્થી હોવાને કારણે B.Sc.ના અભ્યાસકાળ દરમિયાન તેઓ બે વર્ષ માટે મેરિટ સ્કૉલર હતા. વળી M.Sc.ના અભ્યાસકાળ દરમિયાન તેઓ દક્ષિણા ફેલો તરીકે પસંદ થયેલા.
એન્જિનિયરિંગમાં અભ્યાસ કરવાની ઇચ્છા જાગવાથી અમેરિકાની વિશ્વવિખ્યાત Massachusettes Institute of Technology-(MIT)માં પ્રવેશ મેળવી મિકૅનિકલ એન્જિનિયરિંગમાં એમ.એસ.ની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ પણ તેમણે MITમાં જ Marine Engineering & Internal Combustion Engineના તે સમયના આગળ પડતા વિષયમાં સ્નાતકોત્તર અભ્યાસ કર્યો. અમેરિકા જઈ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે તેમને ભાવનગર રાજ્ય તરફથી શિષ્યવૃત્તિ આપવામાં આવેલી.
એમ.એસસી.નો અભ્યાસ પૂરો કર્યા બાદ અને એન્જિનિયરિંગના અભ્યાસ માટે અમેરિકા જતાં પહેલાં તેમણે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાં 1941થી 1945ના ગાળામાં તેમના પસંદગીના વિષય ગણિતમાં પ્રાધ્યાપક તરીકે કામ કર્યું હતું.
1947માં ભારત આવી ગુજરાત-સૌરાષ્ટ્રના મુખ્ય બંદર (Port) ભાવનગરમાં જોડાયા. 1948માં તેઓની નિમણૂક સૌરાષ્ટ્રનાં બંદરોના મુખ્ય મિકૅનિકલ ઇજનેર તરીકે થઈ. આ નિમણૂક સાથે તેમને Ports and Harboursમાં નામના કાઢવાની તથા એક લોકપ્રિય તથા સક્ષમ વહીવટકર્તા સાબિત થવાની તક મળી. 1953માં તેઓ તે સમયના રાજ્યના બંદર ખાતાના મુખ્ય અધિકારી નિમાયા. તે સમયે 22 ગૅઝેટેડ ઑફિસર્સ ઉપરાંત આશરે 2,100નો સ્ટાફ બંદર ખાતામાં હતો. આ નિમણૂક થતાં બંદરના દરેક પાસાનો તેમણે અભ્યાસ શરૂ કર્યો. આમાં મુખ્યત્વે સિવિલ એન્જિનિયરિંગની અઘરી ગણાતી Ports and Harboursની બાબત હતી. સૌરાષ્ટ્ર, ગુજરાત અને મુંબઈ રાજ્ય એક થતાં, દ્વિભાષી મુંબઈ રાજ્યના બંદર ખાતાના મુખ્ય અધિકારી તરીકે તેમની નિમણૂક થઈ અને ફરી રાજ્યના વિભાજન પછી તેઓ ગુજરાત રાજ્યના બંદર ખાતાના વડા તરીકે નિમાયા.
1961થી 1963, બે વર્ષ માટે તેઓ ભારત સરકારના પરિવહન મંત્રાલયમાં વિકાસ વિભાગના નિયામક તરીકે રહ્યા.
1961 જાન્યુઆરીમાં ભાવનગર બંદરની મુલાકાતે આવનાર ત્યારના પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ, વિત્તમંત્રી મોરારજી દેસાઈ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતાને બંદરની કાર્યવાહી બતાવવા-સમજાવવાની જવાબદારી હસમુખભાઈને સોંપાયેલી.
1963માં તેઓ ગુજરાતની, વડોદરા સ્થિત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં નિયામક તરીકે આવ્યા. એમના પ્રયત્નોથી આ લગભગ મૃતપ્રાય સંસ્થા પાંચ વર્ષના ગાળામાં ભારતની એક આગળ પડતી સંસ્થા ગણાવા લાગી. અહીં તેમણે સિવિલ એન્જિનિયરિંગના બીજા એક અઘરા ગણાતા વિષય સૉઇલ મિકૅનિક્સ ઍન્ડ ફાઉન્ડેશન એન્જિનિયરિંગનો વિભાગ શરૂ કર્યો.
સરકારી નોકરીનાં છેલ્લાં બે-ત્રણ વર્ષ તેઓ ફરીથી ગુજરાત રાજ્યના બંદરખાતાના વડા તરીકે રહ્યા.
રાજ્ય સરકારે સ્વૈચ્છિક નિવૃત્તિની યોજના અમલમાં મૂકતાં, 1971માં તેઓ ખાનગી સલાહકાર ઇજનેર (કન્સલ્ટિંગ એન્જિનિયર) તરીકે કામ કરવાના હેતુથી રાજ્ય સરકારમાંથી નિવૃત્ત થયા. નિવૃત્તિ બાદ તેઓ અગ્રગણ્ય ઇજનેર શ્રી સુકુમારભાઈ પરીખ (જેમણે પોતે પણ MITમાંથી પદવી મેળવી છે.) સ્થાપિત અને સંચાલિત અમદાવાદની પ્રતિષ્ઠિત કન્સલ્ટિંગ એન્જિનિયરિંગ સંસ્થાના ખાસ પ્રશ્નો તથા પ્રૉજેક્ટના સલાહકાર રહ્યા.
સલાહકાર ઇજનેર તરીકે 1971થી 1985 સુધીમાં બંદરોને લગતાં અનેક નાનાં-મોટાં કામ કર્યાં. આ કામ સરકાર, સરકારી સંસ્થા તેમજ ખાનગી કંપનીઓ માટે કર્યાં. આ કામોમાં અતિપ્રતિષ્ઠિત ગણાય તેમાં જામનગર નજીક સિક્કાની તથા સૂરત નજીક તાપી નદી પર હજીરાની ઔદ્યોગિક વિકાસ માટે પસંદગી. સિક્કા સ્થિત સેન્દ્રિય ખાતરનું તેમજ હજીરા પરના મોટા એકમો (ક્રુભકો, ઓ.એન.જી.સી., એસ્સાર, રિલાયન્સ) હસમુખભાઈની સલાહ અનુસારના છે. પોતાના કાર્યકાળ દરમિયાન જેટલી સરકારી તેમજ ખાનગી સંસ્થાઓ સાથે સંકળાયા તે બધી સંસ્થાઓમાં દરેકનાં માન અને પ્રેમ સંપાદન કર્યાં.
હસમુખભાઈએ તેમની કારકિર્દીમાં ગણિત, અર્થશાસ્ત્ર (Economics) તથા ઇજનેરીના વિષયો પર લેખો-પુસ્તકો લખ્યાં છે. ગણિતના વિષયમાં ત્રણ લેખ અને અર્થશાસ્ત્રના વિષયમાં ચાર લેખ તથા એક પુસ્તક લખ્યાં છે. ઇજનેરીના વિષયમાં તેમણે 32 લેખ લખ્યા, જેમાંના 26 ભારતના અને 6 યુ.એસ.એ./યુ.કે.ના પ્રતિષ્ઠિત ટેકનિકલ જર્નલોમાં છપાયા છે. આ ઉપરાંત તેમણે સિવિલ એન્જિનિયરિંગના વિષયોનાં બે પુસ્તકો લખ્યાં છે : ‘Soil Mechanics and Foundation Engineering’ તથા ‘Dock and Harbour Engineering’. આ પુસ્તકો ઇજનેરી કૉલેજોના વિદ્યાર્થીઓ તેમજ વ્યાવસાયિક ઇજનેરોને ખૂબ ઉપયોગી પુરવાર થયાં છે.
ટેકનિકલ લેખોમાંના કેટલાક તો દેશ-વિદેશમાં વખણાયા તેમજ તેમની કદર પણ થઈ. ઇંગ્લૅન્ડના ધી ઇન્સ્ટિટ્યૂશન ઑવ્ સિવિલ એન્જિનિયર્સ, લંડનમાં છપાયેલા તેમના લેખ ‘ડિઝાઇન ઍન્ડ કન્સ્ટ્રક્શન ઑવ્ ધ ડૉક એન્ટ્રન્સ ઍટ ભાવનગર’ માટે તેમને પાલ્મર પ્રાઇઝ અપાયું હતું. તેમના ‘શીટ પાઇલ વૉર્વ્ઝ’ માટે તેમજ ‘અપલિફ્ટ ઇન હાઇડ્રૉલિક સ્ટ્રક્ચર્સ’ માટે ચંદ્રક તથા પ્રશસ્તિપત્ર એનાયત થયાં હતાં. તેમના ‘સિમેન્ટ ક્રૉન્ક્રીટ ઍન્ડ ધ સી’ માટે તા. 22-11-1967ના રોજ ભારતનાં તત્કાલીન પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીને હાથે તેમને પુરસ્કાર આપવામાં આવેલો.
તેઓ ઇંગ્લૅન્ડની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મરીન એન્જિનિયર્સ, લંડનના સભ્ય, તેમજ રૉયલ ઇકૉનૉમિક સોસાયટી, લંડનના ફેલો હતા. તેઓ ભારતની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એન્જિનિયર્સના પણ ફેલો હતા.
હસમુખભાઈ વ્યવસાય તેમજ શિક્ષણ સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા. તેઓ ગુજરાતની એમ. એસ. યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા ગુજરાત યુનિવર્સિટીના સિવિલ એન્જિનિયરિંગ માટેના બૉર્ડ ઑવ્ સ્ટડિઝના નિષ્ણાત સભ્ય હતા. તેઓ ભારતની Codes of Practicesનું નિર્માણ કરતી સંસ્થા બ્યૂરો ઑવ્ ઇન્ડિયન સ્ટૅન્ડર્ડ્ઝની જુદી જુદી કમિટી તથા પૅનલના સભ્ય હતા. વૉટરફ્રન્ટ સ્ટ્રક્ચર્સ પર કોડ્ઝ તૈયાર કરવા નિર્મિત પૅનલના તેઓ વડા હતા.
હસમુખભાઈનાં પત્ની અતિલક્ષ્મીબહેનનું 1953માં અકાળે અવસાન થયું. હસમુખભાઈનું અવસાન કાર્ડિયેક એરેસ્ટથી 1985માં થયું. તેઓ આખરી સમય સુધી કાર્યરત રહ્યા હતા.
ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ