ઓક્લાહોમા (રાજ્ય) : અમેરિકાનાં સંયુક્ત રાજ્યોમાંનું દક્ષિણ-મધ્ય ભાગમાં આવેલું રાજ્ય. તે 330 35′ ઉ. અ. અને 370 ઉ. અ. અને 940 29′ પ. રે.થી 1030 પ. રે.ની વચ્ચે આવેલું છે. 1907માં છેંતાલીસમા રાજ્ય તરીકે અમેરિકાના સંઘમાં તેને પ્રવેશ મળ્યો હતો. આ રાજ્યની ઉત્તરે કાન્સાસ, ઈશાનમાં મીસૂરી, પૂર્વ તરફ આરકાન્સાસ, દક્ષિણે ટેક્સાસ, પશ્ચિમે ન્યૂ મેક્સિકો અને કૉલોરાડો રાજ્યો આવેલાં છે. તેનો કુલ વિસ્તાર 1,77,877 ચોકિમી. તથા કુલ વસ્તી 40,21,753 (2023) છે. 1990-2000 દરમિયાન 9.7 %નો વસ્તીવધારો થયો હતો. શહેરી વસ્તી 67.7 % જેટલી છે.
અમેરિકાના મધ્ય ભાગના ‘ગ્રેટ પ્લેન્સ’નો આ ભાગ છે; તે વાયવ્ય દિશાના ‘પેનહૅન્ડલ’ વિભાગમાંના 1,500 મીટર ઊંચાઈ ધરાવતા પહાડો દક્ષિણે રેડ નદી તરફ ઢોળાવ ધરાવે છે. આ પ્રદેશનો ઢોળાવ વાયવ્યથી અગ્નિ તરફનો છે, જ્યાં આરકાન્સાસ નદી વહે છે. ઉત્તર અને પૂર્વ તરફથી આ નદીને વર્ડિગ્રિસ, ગ્રાન્ડ અને ઇલનોઈ નદીઓ; દક્ષિણ ભાગમાં લાલ નદી અને તેની ઉપનદીઓ તથા પશ્ચિમ તરફથી સીમેરોન, સૉલ્ટફૉર્ક અને કૅનેડિયન નદીઓ મળે છે.
પશ્ચિમમાં વૃક્ષ વિનાનાં મેદાનો અને પૂર્વમાં એક જમાનાનાં ગીચ જંગલોવાળી પર્વતમાળાઓ આવેલી છે. ઈશાનમાં આવેલી ઓઝાર્ક પર્વતમાળા છેક પશ્ચિમ સુધી પ્રસરેલી છે. અગ્નિદિશામાં ઔચિતાની પર્વતમાળા છે. દક્ષિણના મધ્યભાગમાં આર્કબકલ પર્વત છે. અગ્નિભાગમાં આવેલા માઉન્ટ રીચ પર્વતની ઊંચાઈ આશરે 795 મીટર છે. પૂર્વના પર્વતીય પ્રદેશમાં એક જમાનામાં ગીચ જંગલો હતાં ત્યાં હવે આંશિક વનવિભાગ બાકી રહ્યા છે. પશ્ચિમ તરફનાં મેદાનોમાં ચૂનેદાર જમીન તથા નદીની ખીણનો પ્રદેશ ઘણો ફળદ્રૂપ છે. ઓક્લાહોમાના સમગ્ર પ્રદેશમાં મિસિસિપી નદીમાં મળતી અનેક ઉપનદીઓ આવેલી હોવાથી તેમાં નૈસર્ગિક સરોવરો ન હોવા છતાં 22 જેટલાં જળાશયો છે. મુખ્ય ખનિજ-સંપત્તિમાં પેટ્રોલિયમ, પ્રાકૃતિક વાયુ, આસ્ફાલ્ટ અને સૉફ્ટ કોક તથા જસત, સીસું, ચિરોડી અને રેતીના તથા અન્ય ખનિજ-સંપત્તિના ભંડાર મળે છે.
કૃષિપેદાશોમાં ઘઉં મુખ્ય પાક છે. એમાં આ રાજ્યનો ક્રમ ત્રીજો છે. કપાસ બીજી મહત્વની પેદાશ છે. ઉપરાંત મકાઈ, બટાકા, સોયાબીન, જુવાર, ઓટ, મગફળી તથા રાયની પણ ખેતી થાય છે. ખેતીના વિકાસમાં ઢોરઉછેરનો ફાળો નોંધપાત્ર છે. કૃષિ હેઠળ 1,44,000 ચો.કિમી. વિસ્તાર છે.
રાજ્યના પશ્ચિમ છેડા તરફનાં સપાટ મેદાનો સૂકાં છે; પરંતુ પૂર્વ તથા અગ્નિદિશા તરફના પ્રદેશો સૌમ્ય હવામાન અને પૂરતો વરસાદ ધરાવે છે. શિયાળામાં સરેરાશ તાપમાન 3.30 સે. તથા ઉનાળામાં 28.30 સે. રહે છે. રાજ્યમાં સરેરાશ વાર્ષિક વરસાદ 8,000 મિમી. થાય છે. રાજ્યનો કોઈ પણ ભાગ વાવાઝોડાથી મુક્ત નથી.
રાજ્યનાં 41,805 ચોકિમી. વિસ્તાર ધરાવતાં જંગલોમાંથી પાઇન, કેટિનવૂડ, જ્યૂનિપર, ઓક, રેડવૂડ, વિલો, એલ્મ, લોક્સ્ટ, ડૉગવૂડ, પેકન, વૉલનટ, ઍશ, સાયપ્રસ તથા પૉપલર જાતિનાં વૃક્ષો છે.
રાજ્યમાં આશરે 1,79,256 કિમી. રસ્તા તથા 6,187 કિમી. રેલમાર્ગ (1995) છે. આરકાનસાસ નદી પર તાજેતરમાં માલવાહક નૌકાઓ દ્વારા જળપરિવહન દાખલ કરવામાં આવ્યું છે, જે તુલ્સાને મેક્સિકોના અખાત સાથે સાંકળી લે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે