ઑક્ઝોટ્રોફ (auxotroph) : વિશિષ્ટ પોષકતત્વના પ્રાશનથી ઉદભવતો ઉત્પરિવર્તક (mutant). આ પોષકતત્વો સામાન્યપણે ઍમિનોઍસિડ, વિટામિન, પ્યૂરિન કે પિરિમિડાઇન સ્વરૂપે રહેલાં હોય છે. જોકે આ પોષકતત્વો કોષની અંદર પ્રવેશી શકે તો જ ઉત્પરિવર્તન શક્ય બને છે. કોઈક વાર આ ઉત્પરિવર્તકોમાં પ્રત્યાવર્તન (reversion) લાવી શકાય છે, જેને પરિણામે વિશિષ્ટ પોષકતત્વની જરૂરિયાત ન હોય તેવા સ્વરૂપપ્રકાર(phenotype)માં તેને ફેરવી શકાય છે. આવા પ્રયોગોમાં નિર્માણ થયેલા ઑક્ઝોટ્રોફોનું સંવર્ધન વિશિષ્ટ પોષકતત્વ ન હોય તેવા માધ્યમમાં કરવામાં આવે છે. આ પ્રત્યાવર્તકો અન્ય ઉત્પરિવર્તનોને અધીન ન બન્યાં હોય તેની ચકાસણી કસોટી દ્વારા કરવી આવશ્યક છે. ઑક્ઝોટ્રોફના પૃથક્કરણ માટે સામાન્યપણે ‘પેનિસિલીન એન્રિચમેંટ પદ્ધતિ’નો ઉપયોગ કરવામાં આવે છે.
બીડલ અને ટૅટમે સૌપ્રથમ ઑક્ઝોટ્રોફિક ઉત્પરિવર્તકની શોધ Neurospora crassa નામની ફૂગથી 1943માં કરી હતી.
એન. એમ. ઉપાધ્યાય