ઓ’કેસી, સીન (જ. 30 માર્ચ 1880, ડબ્લિન; અ. 18 સપ્ટેમ્બર 1964, ડેવૉન, ઇંગ્લૅન્ડ) : આયર્લૅન્ડના વાસ્તવવાદી નાટ્યકાર. મૂળનામ જૉન કેસી. પ્રૉટેસ્ટન્ટ પંથના આયરિશ પિતાનાં તેર સંતાનોમાં સૌથી નાના. આથી ભૂખમરો, રોગગ્રસ્તતા, ગરીબી, ભય અને નશાખોરી વગેરે નાનપણથી જ નિહાળવા અને વેઠવા પડ્યાં. શાળાનું શિક્ષણ તો ત્રણ વર્ષ પૂરતું જ પામી શક્યા; પરંતુ સતત વાચન મારફત તેમણે પોતાનું ઘડતર કર્યું. ચૌદ વર્ષની વયે તો મજૂરી કરીને કમાવાનું શરૂ કરી દેવું પડ્યું. આમાં દશ વર્ષ આયરિશ-રેલવેમાં મજૂરી કરી. આ બધી પ્રતિકૂળતા અને હાડમારીનો સામનો કરવામાં તેમને તેમની વિધવા માતાની હૂંફ અને પ્રેરણા મળતાં રહ્યાં.

સીન ઓ’કેસી

આયર્લૅન્ડની રાષ્ટ્રવાદી ચળવળ સાથે ઓતપ્રોત બની ગયા અને પોતાના નામમાં પણ અનુરૂપ આયરિશ ફેરફાર કર્યો તથા આયર્લૅન્ડની ગેલિક ભાષા પણ શીખી લીધી. આયર્લૅન્ડના શ્રમજીવીઓની ચળવળમાં સક્રિય અગ્રેસર બન્યા તેમજ અર્ધલશ્કરી લોકસેના જેવા આયરિશ સિટિઝન આર્મીમાં પણ જોડાયા. 1914માં તેમણે એ માટે બંધારણ ઘડી આપ્યું. પણ એ વર્ષના અંત સુધીમાં તેમને એવી પ્રતીતિ થઈ ચૂકી કે એ સઘળી પ્રવૃત્તિ મજૂરવિરોધી હતી. રાષ્ટ્રવાદી ચળવળની મધ્યમવર્ગી નેતાગીરીમાંથી ઉત્તરોત્તર તેમને વિશ્વાસ ઊઠતો ગયો. તેમણે લેખો અને ગીતો સીન ઓ કેથાસેધના નામે પ્રસિદ્ધ કર્યા.

રાજકીય પક્ષો પ્રત્યેના અસંતોષ તથા અજંપાના માર્યા તે નાટક તરફ વળ્યા. પ્રારંભમાં તેમનાં કેટલાંક નાટકોનો અસ્વીકાર થયા પછી, ડબ્લિનના ઍબી થિયેટરે 1923માં ‘ધ શૅડો ઑવ્ અ ગનમૅન’ ભજવ્યું. એમાં આયરિશ પ્રજાસત્તાક સેના તથા બ્રિટિશ દળો વચ્ચેની ગેરીલા લડાઈની પશ્ચાદભૂમિકામાં નાટ્યવસ્તુ ગોઠવાયું છે. 1924માં એ જ થિયેટર તરફથી ‘જૂનો ઍન્ડ પેકૉક’ ભજવાયું. આયર્લૅન્ડના સ્વાતંત્ર્યની શરતો નિમિત્તે જન્મેલા આંતરયુદ્ધના વિષયવસ્તુના આધારે લખાયેલું આ નાટક તેમની સૌથી લોકપ્રિય કૃતિ નીવડી છે. 1916ના ઈસ્ટરના બળવા વિશે લખાયેલા ‘ધ પ્લાઉ ઍન્ડ ધ સ્ટાર્સ’(1926)ના પરિણામે ઍબી થિયેટર ખાતે તોફાન ફાટી નીકળ્યાં; આયરિશ દેશભક્તોને એમ લાગ્યું કે એ નાટકમાં આયર્લૅન્ડના લોકનાયકોને બદનામ કરવામાં આવ્યા હતા. આ બધાં નાટકોમાં આમ તો યુદ્ધ, દરિદ્રતા અને અછતની કરુણતા આલેખાઈ છે; પરંતુ તેમાં આધુનિક નાટ્યસાહિત્યનાં સૌથી હાસ્યાસ્પદ ર્દશ્યો પણ આલેખાયાં છે. નાટકમાં ટ્રૅજેડી તથા કૉમેડીની સમીપતા પ્રયોજવાની તેમની આ મૌલિકતા, તેમના સમયની રંગભૂમિ માટે નવીનતાપૂર્ણ તથા તાજગીદાયક નીવડી તે તેમની લોકપ્રિયતાનું મુખ્ય કારણ બની.

તે સતત પ્રયોગશીલતાને વરેલા હતા. આથી વાસ્તવવાદી નાટ્યશૈલી ત્યજીને તેમણે કલ્પનાપ્રચુરતાની શૈલી અપનાવી. એ નવતર અભિગમ હેઠળ લખાયેલાં બે નાટકો તે ‘ધ સિલ્વર ટેસી’ (1928) અને ‘વિધિન ધ ગૅટ્સ’ (1933). આમાંથી પ્રથમ કૃતિમાં યુદ્ધવિરોધી વિષયની અભિવ્યક્તિવાદી નાટ્યરીતિ પ્રમાણે નાટ્યમાવજત કરવામાં આવી હતી; પણ ઓ’કેસીના આ અગાઉનાં નાટકો ભજવનાર ઍબી થિયેટરના અગ્રણી યેટ્સે આ કૃતિ ભજવવાનો અસ્વીકાર કર્યો. એમાંથી ઓ’કેસી તથા ઍબી થિયેટર વચ્ચેનો સંબંધ તૂટ્યો એટલું જ નહિ પણ એમાંથી જ નાટ્યકાર આયર્લૅન્ડ છોડી ઇંગ્લૅન્ડ જવા પ્રેરાયા.

1926માં તેઓ ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં આયરિશ અભિનેત્રી ઈલીન કૅરી રેનૉલ્ડ્ઝ સાથે લગ્ન કર્યું અને ઇંગ્લૅન્ડને કાયમી નિવાસસ્થાન બનાવ્યું. ઇંગ્લૅન્ડમાં ‘સિલ્વર ટેસી’ 1929માં અને ‘વિધિન ધ ગૅટ્સ’ 1934માં ભજવાયાં. ત્યારપછીની રચનાઓમાં ‘ધ સ્ટાર ટર્નસ રેડ’ (1940) ફાસીવાદવિરોધી નાટક છે, જ્યારે ‘રેડ રોઝિઝ ફૉર મી’ (1946) આત્મકથાના રંગોથી રંગાયેલી રચના છે. એમાં આયર્લૅન્ડની 1911ની રેલવેની હડતાળનું નાટ્યવસ્તુ ગૂંથાયેલું છે, પરંતુ તેમની નાટ્યકારકિર્દીના મધ્યગાળાનાં આ નાટકો પ્રેક્ષકોની પ્રશંસા પામી શક્યાં નહિ.

ત્યારબાદ તેઓ આત્મકથા લખવા તરફ વળ્યા. છટાદાર અને આલંકારિક ગદ્યમાં લખાયેલી આત્મકથાના છ અલાયદા ગ્રંથો ‘મિરર ઇન માઇ હાઉસ’ (1956) નામે અમેરિકામાં અને ‘ઑટોબાયૉગ્રાફિઝ’ (1963) નામે ઇંગ્લૅન્ડમાં એક જ પુસ્તકમાં સુલભ થયા છે. એમાં આત્મકથાના ‘આઇ નૉક ઑન ધ ડૉર’(1939)થી શરૂ કરી અંતમાં ‘સનસેટ ઍન્ડ ધ ઇવનિંગ સ્ટાર’(1954)નો સમાવેશ થયો છે. આમાં આપેલી બધી હકીકતો ભરોસાદાર નથી કારણ કે કલ્પના-ધારણાનો આમાં ઉપયોગ થયો છે.

તેમનાં ઉત્તરકાલીન નાટકોમાં તેમણે ગ્રામીણ જીવનની કૉમેડીનો નવો પ્રકાર અજમાવ્યો છે. આમાં ‘પરપલ ડસ્ટ’ (1940), ‘ક્રૉક અ-ડુડલ ડેન્ડી’ (1949), ‘ટાઇમ ટુ ગો’ (1951), ‘ધ બિશપ્સ બૉનફાયર’ (1955) તથા ‘ધ ડ્રમ્સ ઑવ્ ફાધર નેડ’(1959)નો સમાવેશ થાય છે. ‘બિહાઇન્ડ ધ ગ્રીન કર્ટન્સ’ (1962) નામની તેમની છેલ્લી લાંબી નાટ્યરચનામાં ડબ્લિન-બુદ્ધિજીવીઓ પ્રત્યે તેમણે કટાક્ષના ચાબખા વીંઝ્યા છે. આ ઉત્તરકાલીન નાટકોમાં ભાષાનો આનંદ, કૉમિક પ્રયોજવાની શોધકબુદ્ધિ તથા કલ્પના-તરંગી નાટ્યનિરૂપણની વિશેષતા જોવા મળે છે. એ કારણે જ આ નાટકો તેમનાં વ્યક્તિત્વની મુદ્રાથી અંકાઈને આધુનિક નાટ્યપ્રવાહમાં નવી ભાત પાડે છે. નાટકો ઉપરાંત તેમનાં નાટ્યવિવેચનો, નિબંધો અને પત્રો પણ ગ્રંથસ્વરૂપે પ્રગટ થયાં છે. તેમના પત્રોનું સંપાદન ડી. ક્રોઝે 1975માં કર્યું છે.

કૃષ્ણવદન જેટલી