ઐઝોલ : મિઝોરમ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 230 44′ ઉ. અ. અને 920 43′ પૂ.રે.ની આજુબાજુનો 3,576 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે આસામનો કાચાર જિલ્લો અને મણિપુર રાજ્ય, પૂર્વ તરફ મ્યાનમાર, દક્ષિણ તરફ રાજ્યનો લુંગલેઈ જિલ્લો તથા પશ્ચિમે બાંગ્લાદેશ અને ત્રિપુરા રાજ્ય આવેલાં છે. જિલ્લામથક ઐઝોલ જિલ્લાની મધ્યમાં આવેલું છે.
ભૂપૃષ્ઠ-વનસ્પતિ-જળપરિવાહ : જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર પહાડી ભૂપૃષ્ઠવાળો છે. ટેકરીઓ ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી છે, તેમની સરેરાશ ઊંચાઈ 900 મીટર જેટલી છે. ટેકરીઓની વચ્ચે વચ્ચે ઊંડાં કોતરો અને નાળાં આવેલાં છે.
જિલ્લામાં અયનવૃત્તીય સદાહરિત ભીનાં જંગલો, અયનવૃત્તીય અર્ધ-સદાહરિત જંગલો તેમજ આંતર-પર્વતીય ઉપઅયનવૃત્તીય જંગલો આવેલાં છે. જૂના વખતમાં જંગલવિસ્તાર ખૂબ ગીચ રહેતો હતો; પરંતુ જંગલોનો કેટલોક ભાગ સાફ થવાથી પડતર ભૂમિમાં ફેરવાયો છે; તેમ છતાં સાગ અને નીલગિરિનાં વૃક્ષોનું મહત્વ રહ્યું છે અને મૂલ્યવાન ઇમારતી લાકડાં અહીંથી મેળવાય છે. રબર જેવી કેટલીક ગૌણ પેદાશોનું પણ ઉત્પાદન લેવાય છે. અહીંના જંગલખાતાને અહીંની પેદાશોમાંથી ઠીક ઠીક આવક મળી રહે છે.
આ જિલ્લામાં દાલેશ્વરી (ત્લાવંગ) અને તૈવાઈ નદીઓ મુખ્ય ગણાય છે. આ ઉપરાંત અહીં થોડાંક સરોવરો અને ઝરણાં પણ છે, તામદિલ અને રંગદિલ મહત્વનાં છે.
ખેતી–પશુપાલન : ખેતી અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય છે. જિલ્લાના ગ્રામીણ વિસ્તારના આશરે 85% લોકો તેમાં રોકાયેલા છે. અહીંના કેટલાક સમતળ વિસ્તારને ડાંગરની ખેતી માટે નવસાધ્ય કરવામાં આવ્યો છે. ડાંગર અને મકાઈ અહીંના મુખ્ય કૃષિપાકો છે. આ પાકો ટેકરીઓના ઢોળાવો પર ઉગાડાય છે. સિંચાઈની સુવિધાઓ ન હોવાથી ખેતીનું ઉત્પાદન મર્યાદિત રહે છે. મિઝોરમમાં આ જિલ્લો સૌથી મોટો હોવાથી જમીનોનું કાયમી ખેડાણ થઈ શકે એવાં આયોજનો હાથ પર લેવાઈ રહ્યાં છે અને તે માટે જિલ્લાને બે ઉપવિભાગો – ઐઝોલ પૂર્વ અને ઐઝોલ પશ્ચિમ – માં વિભાજિત કર્યો છે.
આ જિલ્લાનાં મુખ્ય પશુઓમાં ઘેટાં-બકરાંનો સમાવેશ થાય છે. બીજાં ઢોર તેમજ મરઘાં-બતકાંના ઉછેરનું આયોજન કરાયું છે. ડેરી-ઉદ્યોગ, ઈંડાં અને માંસપ્રાપ્તિ માટે વધુ પ્રયાસો થઈ રહ્યા છે. પશુઓ માટે પશુ-દવાખાનાં, પશુ-ચિકિત્સાલયો ઊભાં કરાયાં છે.
ઉદ્યોગ–વેપાર : આ જિલ્લામાં મોટા ઉદ્યોગો વિકસેલા નથી. કુટિર-ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગો માટે સરકાર પ્રયાસ કરી રહી છે અને સાહસિકો, કુશળ કારીગરો અને કુદરતી સંપત્તિનો તેમાં લાભ લેવાનું આયોજન છે. ભરત ભરવા માટેનાં યંત્રો, મોચી-કામનાં ઓજારો; લુહારો-સુથારો માટેના તથા સીવવા માટેના હાથ અને પગના સંચાઓનો ઉપયોગ થઈ શકે તે માટે એકમો ઊભા કરાયા છે. ઐઝોલ ખાતે મિઝોરમ સ્મૉલ ઇન્ડસ્ટ્રિઝ ડેવલપમેન્ટ કૉર્પોરેશન ઊભું કરાયું છે.
વેપાર-વાણિજ્ય માટે આ જિલ્લાનું માર્ગવ્યવહાર દ્વારા આસામના કાચાર જિલ્લા સાથે જોડાણ કરવામાં આવ્યું છે. જિલ્લા માટે જરૂરી રેસાવાળી ખાદ્યસામગ્રી અને ચોખા મંગાવાય છે; જોકે જિલ્લામાં નારંગી, પાઇનૅપલ, કેળાં તેમજ અન્ય ફળો તથા મરચાં, આદું જેવી પેદાશોનું ઉત્પાદન ઘરઆંગણે લેવાય છે; પરંતુ વેપારી હેરફેર, કોઠાર, પ્રક્રમણ માટેની સુવિધાઓ અહીં ઉપલબ્ધ નથી. અલબત્ત, તેના માટેની ઊજળી તકો છે.
પરિવહન : આ જિલ્લામાં માર્ગ-પરિવહન માટે સડકોની સુવિધા ઉપલબ્ધ છે. માલસામાનની હેરફેર, લોકઅવરજવર માટે ટ્રક, જીપ અને બસોની વ્યવસ્થા છે. મોટાભાગનાં નગરોમાં બસમથકો તૈયાર થઈ ગયાં છે, નવા માર્ગો બંધાયા છે અને બસોની સંખ્યામાં પણ વધારો કરાયો છે. અહીં નજીકમાં નજીકનું રેલમથક ઐઝોલથી 180 કિમી. દૂર સિલ્ચર ખાતે આવેલું છે.
પ્રવાસન : અહીંનાં જોવાલાયક પ્રવાસન-સ્થળોમાં 1,800 મીટર ઊંચી થાસિયામા સેનો નીહના નામની ટેકરી, તુઆલવુંગી અને ઝૉલપાલા(પત્ની-પતિ)ની સમાધિઓનું જોડકું, લામસિયાલ થુક (ગુફા), પુકઝિંગ ગુફા, છિંગપુઈનું સ્મારક, કુંગાવરી ગુફા, સિબુતા લુંગનું સ્મારક, ફિયારા તુઈનો ઝરો, તામદિલ સરોવર અને રંગદિલ સરોવરનો સમાવેશ થાય છે.
અહીં મિઝો અને ચકમા જાતિઓના ઉત્સવો તેમજ મેળા યોજાતા રહે છે. વળી ખ્રિસ્તીઓની વસ્તી પણ સારી હોવાથી તેમના ઉત્સવો પણ થાય છે.
વસ્તી : 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 4,04,054 જેટલી છે. સ્ત્રીપુરુષોનું પ્રમાણ લગભગ સરખું છે. ગ્રામીણ વસ્તી કરતાં શહેરી વસ્તીનું પ્રમાણ થોડુંક વધુ છે. જિલ્લામાં મિઝો અને અંગ્રેજી બે ભાષાઓ બોલાય છે. ખ્રિસ્તી અને હિન્દુ વસ્તી વિશેષ છે; જ્યારે બૌદ્ધો, મુસ્લિમો અને શીખોનું પ્રમાણ ઓછું છે. અહીંનાં જુદાં જુદાં નગરો મુજબ સાક્ષરતાનું પ્રમાણ 67થી 76 % જેટલું રહે છે. જિલ્લામાં 17 જેટલી ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ છે. જિલ્લાનાં 87 % જેટલાં ગામડાંમાં તબીબી સેવાની સુવિધા છે. ‘મૉર્નિંગ પોસ્ટ’ નામનું દૈનિક સમાચારપત્ર નીકળે છે. ઐઝોલ ખાતે આકાશવાણીનું મથક છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 12 ગ્રામીણ વિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 18 નગરો અને 391 (49 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.
ઇતિહાસ : 1971 સુધી મિઝોરમ રાજ્ય મિઝો જિલ્લો હતું. આજનો ઐઝોલ જિલ્લો ઐઝોલનો ઉપવિભાગ હતો. 1972ના જાન્યુઆરીની પહેલી તારીખે તેને સ્વતંત્ર જિલ્લાનો દરજ્જો અપાયો છે.
ગિરીશભાઈ પંડ્યા