ઍંડિયન ગ્રૂપ : દક્ષિણ અમેરિકાના દેશોનું પ્રાદેશિક આર્થિક સંગઠન. કાર્ટેજેના કરાર હેઠળ 1969માં તેની સ્થાપના. બોલિવિયા, કોલંબિયા, પેજુ, ઇક્વેડોર તથા ચિલી – આ પાંચ સ્થાપક સભ્ય દેશો. 1973માં વેનેઝુએલા જોડાયું. 1976માં ચિલીએ પોતાનું સભ્યપદ પાછું ખેંચી લીધેલું. 1997માં પેરુએ પછીનાં પાંચ વર્ષ માટે પોતાનું સભ્યપદ મોકૂફ રખાવ્યું હતું. તે જ વર્ષે સંગઠનમાં પનામા જોડાયેલ. ફેબ્રુઆરી, 1993થી ‘ઍંડિયન ફ્રી ટ્રેડ એરિયા’(AFTA) અસ્તિત્વમાં આવ્યું. ત્યારે આ સંસ્થાએ સહિયારું બજાર રચવાનો નિર્ણય કર્યો હતો.
1996માં સંગઠનના મૂળ કરારમાં સુધારાવધારા કરવામાં આવ્યા હતા. સભ્ય દેશો વચ્ચે વ્યાપારનાં અવરોધક પરિબળો દૂર કરી સહિયારું બજાર ઊભું કરવાનો તેનો મુખ્ય ઉદ્દેશ હતો, જેથી સભ્યદેશોના પ્રદેશોમાં કૃષિ, ઉદ્યોગો, વ્યાપાર, બૅંકિંગ વગેરેનો ઝડપભેર વિકાસ સાધી શકાય. આ ઉદ્દેશ સિદ્ધ કરવા માટે પ્રાદેશિક જકાતનીતિ હેઠળ, સભ્ય દેશો વચ્ચે પસંદગીયુક્ત વ્યાપારી કરાર(Preferential Trade Agreement)ની હિમાયત આ સંગઠને કરેલી છે. સંગઠને નવા ઉદ્યોગોના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે દા. ત.; મોટરવાહન-ઉદ્યોગ.
સંગઠનના હેતુઓ પાર પાડવા માટે કેટલાંક પેટાજૂથો રચવામાં આવ્યાં છે; દા. ત., ઍંડિયન ડેવલપમેન્ટ કૉર્પોરેશન, ઍંડિયન રિઝર્વ ફંડ, ઍંડિયન ગ્રૂપ કમિશન વગેરે. ઉપરાંત, આર્થિક આયોજન, નાણાવિનિમય, વાણિજ્ય અને વ્યાપાર, પર્યટન વગેરેના પ્રાદેશિક સંયોજન માટે સભ્ય દેશોની પેટાસમિતિઓ રચવામાં આવી છે.
સંગઠનના ઉદ્દેશોને મર્યાદિત સફળતા મળી છે; એટલું જ નહિ, પરંતુ કેટલાક વ્યવસાયો પર પ્રાદેશિક વ્યાપારનીતિની વિપરીત અસરો પણ થઈ છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે