ઍલ સાલ્વૅડોર : મધ્ય અમેરિકાના પૅસિફિક દરિયાકાંઠા પર આવેલું પ્રજાસત્તાક. તે મધ્ય અમેરિકાના સાત દેશોમાંનો નાનામાં નાનો દેશ છે. તેની ઉત્તર તથા પૂર્વમાં હૉન્ડુરાસ, દક્ષિણમાં 335 કિમી. લાંબો પૅસિફિક સમુદ્રનો દરિયાકાંઠો તથા વાયવ્યમાં ગ્વાટેમાલા છે. ભૌ. સ્થાન : 13o 50’ ઉ. અ. અને 88o 50’ પ. રે.ની આજુબાજુ. કુલ વિસ્તાર : 21,041 ચોરસ કિમી. વસ્તી : 68,25,935 (2021). વસ્તીગીચતા : 244 પ્રતિચોરસ કિમી. દક્ષિણ અમેરિકાનો સૌથી ગીચ વસ્તીવાળો દેશ. કુલ વસ્તીના 40 % શહેરી તથા 60 % ગ્રામ વિસ્તારમાં વસે છે. પાટનગર : સાન સાલ્વૅડોર. મુખ્ય ભાષા : સ્પૅનિશ. મુખ્ય ધર્મ : રોમન કૅથલિક. મુખ્ય નદી : રિયો લેમ્પા જે વર્ષાઋતુ (મે થી ઑક્ટોબર) સિવાયના સમય દરમિયાન મહદ્અંશે સૂકી, જળ વિનાની હોય છે, પરંતુ વરસાદની ઋતુમાં તે ઘણા મોટા વિસ્તારોને જળબંબાકાર કરે છે.
દેશના ત્રણ મુખ્ય ભૌગોલિક વિભાગો છે : (1) પૅસિફિક મહાસાગર પરનો ઉષ્ણકટિબંધનો પ્રદેશ, (2) ખીણો તથા પઠારો ધરાવતો મધ્યમાં આવેલો ઉચ્ચ પ્રદેશ, (3) ઉત્તરનો પહાડી વિસ્તાર. દેશના કુલ ભૂવિસ્તારમાંનો આશરે 1/4 જેટલો ભૂવિસ્તાર મધ્યના મેદાની પ્રદેશો દ્વારા આવરી લેવાયો છે. ઉત્તરનો પહાડી પ્રદેશ સામાન્ય રીતે પૂર્વથી પશ્ચિમ તરફ પથરાયેલો છે. ઉત્તરમાં હૉન્ડુરાસ તરફની સરહદ છે, જે દક્ષિણ તરફ અવરોહણ કરતાં રિયો લેમ્પા નદીની ખીણમાં ભળે છે. દક્ષિણ તરફની પર્વતમાળામાં ઘણા સક્રિય જ્વાળામુખી આવેલા છે. દેશનું સૌથી ઊંચું શિખર સૅન્ટાઍના (2,381 મીટર) આ જ પ્રદેશમાં છે જે ઠરી ગયેલો જ્વાળામુખી છે.
દેશના નીચલા પ્રદેશોની આબોહવા ગરમ તથા ભેજવાળી છે. તાપમાન જાન્યુ.માં 21.7o સે. અને જુલાઈમાં 23.9o સે. રહે છે. તો ઉચ્ચ પ્રદેશો પર પ્રમાણમાં વધુ વરસાદ હોય છે. દેશના અંદરના વિસ્તારોમાં આશરે 1,140 મિમી. અને પૅસિફિક મહાસાગર તરફના નીચલા પ્રદેશોમાં આશરે 2,460 મિમી. જેટલો વરસાદ પડે છે. વાર્ષિક સરેરાશ વરસાદ 1,775 મિમી. ગણાય છે. અહીં 1986માં તેમજ 2001ના જાન્યુઆરીની 13મી તથા ફેબ્રુઆરીની 13મી તારીખે અનુક્રમે 7.6 અને 6.4ની તીવ્રતાવાળા ભૂકંપો થયેલા. જેની વધુ અસર તેના પાટનગર સાન સાલ્વૅડોર પર થયેલી.
સોળમી સદીમાં સ્પૅનિશ અન્વેષકો આ પ્રદેશમાં દાખલ થયા (1524) તે પહેલાં ત્યાં પાંચ જનજાતિઓ વસવાટ કરતી હતી જેમાં અગિયારમી સદીથી ત્યાં વસતી પિપિલ જાતિનું વિશેષ વર્ચસ્ હતું. અત્યારની તેની કુલ વસ્તીમાં 90 ટકા મેસ્ટિઝો (મૂળ આદિમ જાતિઓ તથા સ્પૅનિશ પ્રજામાંથી સર્જાયેલી વર્ણસંકર પ્રજા), 5 ટકા મૂળ જાતિઓના વંશજો તથા બાકીની શ્વેત પ્રજા છે. ત્યાંનો જન્મદર 1,000 દીઠ 42.5, મૃત્યુદર 1,000 દીઠ 10 તથા બાળમૃત્યુ પ્રમાણ 1,000 દીઠ 120 છે. દેશમાં મલેરિયાનું પ્રમાણ વધારે છે. દેશની જરૂરિયાતના સંદર્ભમાં સારવારની સગવડો તથા ડૉક્ટરોનું પ્રમાણ જૂજ છે. કુલ વસ્તીના 80 ટકા લોકો રોમન કૅથલિક ધર્મ પાળે છે. ભૌગોલિક વિસ્તારની ર્દષ્ટિએ દેશ નાનો છતાં વસ્તી વધારે હોવાથી દેશના સમગ્ર ભૂવિસ્તારનો ઉપયોગ થાય છે. અતિ વસ્તી, વસ્તીની ગીચતા, ધીમો આર્થિક વિકાસ, રાજકીય અસ્થિરતા તથા આંતરવિગ્રહને લીધે 1970 પછીના ગાળામાં ઘણી મોટી સંખ્યામાં લોકો હિજરત કરી ગયા છે.
દેશનું અર્થતંત્ર મુક્ત સાહસ પર રચાયેલું છે. દેશની એકંદર રાષ્ટ્રીય પેદાશ (GNP) 3,332,400,000 ડૉલર તથા માથાદીઠ આવક (PCI) 675 ડૉલર છે. ખેતી મુખ્ય વ્યવસાય છે જે 50 ટકા મજૂરવર્ગને રોજગારી પૂરી પાડે છે. રાષ્ટ્રીય પેદાશમાં તેનો ફાળો 30 ટકા છે. ઉદ્યોગો 8 ટકાને રોજગારી આપે છે. તો એકંદર રાષ્ટ્રીય પેદાશમાં તેનો ફાળો 17 ટકા છે. (1960માં માત્ર 8 ટકા). કૉફી એ દેશની મુખ્ય પેદાશ છે. કુલ નિકાસમૂલ્યમાં તેનો ફાળો 60 ટકા છે (1950 : 90 ટકા). અન્ય નિકાસોમાં શેરડી, કપાસ, કાપડ, રસાયણો તથા નાળિયેરનો સમાવેશ થાય છે. મોટાભાગની નિકાસ અમેરિકા, જર્મની તથા ગ્વાટેમાલામાં થાય છે. મુખ્ય આયાતોમાં કાચું ખનિજ તેલ, યંત્રો તથા યાંત્રિક વાહનોનો સમાવેશ થાય છે. આ આયાત મુખ્યત્વે અમેરિકા, જાપાન, ગ્વાટેમાલા તથા વેનેઝુએલામાંથી થાય છે. સ્થાનિક વપરાશ માટેની કૃષિપેદાશોમાં મકાઈ, ચોખા, કઠોળ, કેળાં, નારંગી, છાસટિયો (sorghum), ટામેટાં તથા બરછટ ધાન્યનો સમાવેશ થાય છે. પશુધનમાં ગોચરનાં ઢોરઢાંખર, ડુક્કર તથા મરઘડાં વિશેષ છે. મહત્વના ગણાય તેવા ઉદ્યોગોમાં ખનિજતેલ-શુદ્ધીકરણ, ખાંડ તથા કપાસપ્રક્રમણ (processing), કાપડ, પગરખાં, સિમેન્ટ, કાચું લોખંડ, પોલાદની વસ્તુઓ, દવાઓ, સિગારેટ તથા શરાબની વિવિધ જાતોના ઉત્પાદન એકમોનો સમાવેશ થાય છે. અતિવસ્તી તથા અલ્પ આર્થિક વિકાસને લીધે દેશમાં બેકારીનું પ્રમાણ કુલ મજૂર વર્ગના 50-60 ટકા જેટલું છે. કુલ મજૂરવર્ગના માત્ર 8-10 ટકા મજૂરો સંગઠિત છે. 1980માં બૅન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. અલ્પવિકાસ, વધતો જતો ફુગાવો (1981માં 32 ટકા) તથા લાંબા ગાળાથી ચાલતા આંતરવિગ્રહ અને ગેરીલા યુદ્ધને લીધે અર્થતંત્ર પર વિપરીત અસર થતાં દેશનું આર્થિક પરાવલંબન સતત વધતું ગયું છે. દેશને પ્રાપ્ત થતી કુલ વિદેશી સહાયમાં અમેરિકાની સહાય આશરે 50 ટકા જેટલી હોય છે.
મધ્ય અમેરિકાના દેશોમાં સ્વતંત્રતા માટેની ઝંખના તથા ઝુંબેશની પહેલ જોસ માટિયાસ ડેલગાડાના નેતૃત્વ નીચે એલ સાલ્વૅડોરમાં (1811) થઈ હતી. 1821માં દેશ આઝાદ થયો ખરો, પરંતુ સાન સાલ્વૅડોરને મૅક્સિકન સામ્રાજ્યમાં જોડવામાં આવ્યું. 1823માં મધ્ય અમેરિકાના સંયુક્ત પ્રાંતોનું સંગઠન ઊભું થતાં સૅનસોનેટ તથા સાન સાલ્વૅડોરને ઍલ સાલ્વૅડોરના નવા રાજ્યમાં સામેલ કરવામાં આવ્યાં હતાં. દેશના સ્થાપનાકાળથી જ આ દેશમાં રાજકીય ઊથલપાથલ તથા અનિશ્ચિતતા ચાલુ રહ્યાં છે.
દેશનું હાલનું રાજકીય માળખું પ્રજાસત્તાક પર આધારિત છે; તેમાં પ્રમુખીય શાસનપ્રણાલી તથા ચૂંટાયેલી ધારાસભા છે. 1982માં સામાન્ય ચૂંટણી થઈ ત્યારે નવી સરકાર અસ્તિત્વમાં આવી છે. ઉપરાંત, 60 સભ્યોવાળી બંધારણસભા દેશ માટે નવું બંધારણ ઘડવાની, રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ તથા ન્યાયાધીશોની વરણી કરવાની તથા રાષ્ટ્રપ્રમુખે કરેલી નિમણૂકોને પોતાના વિશેષાધિકાર (veto) દ્વારા રદ કરવાની સત્તા ધરાવે છે. ડિસેમ્બર 1983માં અને એપ્રિલ 1991માં આ બંધારણમાં સુધારા કરવામાં આવ્યા. મે 1991માં લશ્કરી સરકારને ખસેડીને લોકશાહી સરકારની સ્થાપના કરવામાં આવી. દેશમાં ઘણા રાજકીય પક્ષો તથા સંગઠનો છે; એમાં નૅશનલ રિપબ્લિકન ઍલાયન્સ તથા ક્રિશ્ચિયન ડેમોક્રેટિક પક્ષ મુખ્ય છે. વૃત્તપત્રોને સ્વતંત્રતા બક્ષવામાં આવી છે, પરંતુ તે રૂઢિચુસ્ત વિચારસરણી ધરાવતા ઘટકોના વર્ચસ્ હેઠળ છે. રાજકીય માળખા પર લશ્કરની પકડ હોવાથી હાલની સરકારને મવાળ તથા ઉદ્દામવાદી બંને પ્રકારની રાજકીય વિચારસરણી ધરાવતા પક્ષો તથા સંગઠનોના સશસ્ત્ર વિરોધનો સામનો કરવો પડે છે. ઘણા લાંબા સમયથી ચાલતા આંતરવિગ્રહ તથા ગેરીલા યુદ્ધને કારણે ઘણા નાગરિકોના જાનમાલની ખુવારી થઈ છે.
રાષ્ટ્રસંઘ ઉપરાંત તે ઍલ સાલ્વૅડોર ઑર્ગનાઇઝેશન ઑવ્ અમેરિકન સ્ટેટ્સ (OAS), ઑર્ગનાઇઝેશન ઑવ્ સેન્ટ્રલ અમેરિકન સ્ટેટ્સ (OCAS) તથા સેન્ટ્રલ અમેરિકન કૉટન માર્કેટ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તથા સંગઠનોનું સભ્યપદ ધરાવે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે