એરુત્યુનિયન, ઍલેક્ઝાન્ડર (જ. 23 સપ્ટેમ્બર 1920, યેરેવાન, આર્મેનિયા; અ. 28 માર્ચ 2012, યેરેવાન, આર્મેનિયા) : આર્મેનિયન સંગીતકાર અને સ્વરનિયોજક. યેરેવાન નગરની યેરેવાન કૉન્ઝર્વેટરીમાં સંગીતકાર અને સ્વરનિયોજક એ. સ્પેડિયારૉવ હેઠળ સંગીતનો અભ્યાસ કર્યો.
વિદ્યાર્થીકાળની પ્રારંભની એકલ (solo) પિયાનોની રચનાઓથી એરુત્યુનિયને આર્મેનિયન અને રશિયન પ્રજા તેમ જ સંગીતકારોનું ધ્યાન ખેંચ્યું. આ ઉપરાંત ‘આર્મેનિયમ ડાન્સ’ નામની તેમની કૃતિ પણ લોકપ્રિય થઈ પડી.
આ પછી પુખ્તકાળની તેમની કૃતિઓ આ પ્રમાણે છે : 1. ‘પિયાનો કન્સર્ટો’ (1941); 2. ‘કેન્ટાટા એબાઉટ ધ મધરલૅન્ડ’ (1948) (કાવ્ય – lyrics – એ. સાર્મેન અને એ. ગ્રેશી); 3. કેન્ટાટા – ‘ટેલ ઑવ્ ધ આર્મેનિયન પીપલ’ (1961) (કાવ્ય – lyrics – એસ. કેપુટિક્યાન અને એ. ગ્રેશી); 4. કેન્ટાટા – ‘વિથ માય નેટિવ લૅન્ડ’ (1970) (કાવ્ય- lyrics – ઓ. ટુમાયાન); 5. ઑપેરા ‘સાયાત નૉવા’ (1963-67); 6. ‘ફેસ્વિ ઓવર્ચર’ (1949); 7. ‘ટ્રમ્પેટ કન્સર્ટો’ (1950); 8. ‘પિયાનો કન્સર્ટિનો’ (1951); 9. ‘ઇમ્પ્રોપ્ટુ ફૉર ચૅલો’ (cello) (1952); 10. ‘પિસિસ ફૉર ઑબો’ (OBOE) (1953) (શરણાઈ માટેના ખંડો); 11. ‘ફર્સ્ટ સિમ્ફની’ (1957); 12. ‘સેકન્ડ કન્સર્ટો ફૉર કોલોરાચુરા સોપ્રાનો’ – ‘થીમ ઍન્ડ ફાઇવ કૅપ્રાઇસિસ’ (1959); 13. ‘કન્ચર્ટો ફૉર વૉઇસ’ (1960); 14. ‘સિન્ફોનિયેત્તા ફૉર સ્ટ્રિન્ગ્સ’.
અમિતાભ મડિયા