ઍરી બિંબ (Airy disc) : અંગ્રેજ ખગોળશાસ્ત્રી ઍરી જ્યૉર્જ બિડલ (સર)ના નામ ઉપરથી પ્રકાશના વિવર્તનના સિદ્ધાંત ઉપરથી ઉદભવતી એક ઘટના. ટેલિસ્કોપ વડે મેળવવામાં આવતા કોઈ તારાના પ્રતિબિંબ અંગે ઍરીએ 1843માં દર્શાવ્યું કે તે સ્પષ્ટ રૂપનું તેજબિંદુ હોતું નથી; પરંતુ જેની આસપાસ પ્રકાશનાં વલયો આવેલાં હોય તેવું પ્રકાશબિંબ હોય છે. આમ ટેલિસ્કોપમાંથી પ્રકાશ પસાર થતાં તેનું વિવર્તન થઈ તક્તી કે બિંબ જેવું એક નાનું પ્રતિબિંબ મળે છે, જે ઍરી બિંબ કે ‘ઍરી ડિસ્ક’ તરીકે ઓળખાય છે. મધ્યમાં તેજસ્વી પણ દૂર જતાં ઝાંખું બનતું આ બિંબ તારાનું સાચું નહિ પણ ભ્રામક બિંબ છે. પ્રથમ તો ઍરીએ ‘ડિસ્ક’ના કદની ગણતરી કરી અને તેની ઉપરથી શોધી કાઢ્યું કે તેનું કદ, પ્રકાશની તરંગલંબાઈ (λ) તેમજ ટેલિસ્કોપના વસ્તુકાચ(object-lens)ના વ્યાસ (d), બંને ઉપર આધારિત છે. જેમ વસ્તુકાચનો વ્યાસ મોટો તેમ બિંબનું કદ નાનું મળે છે. 7.5 સેમી. વ્યાસ માટે તારાબિંબનો વ્યાસ 1.5 આર્ક-સેકન્ડ મળે છે. (1 આર્ક-સેકન્ડ = 5 × 106 રેડિયમ કોણ). વસ્તુકાચના 25 સેમી. વ્યાસ માટે ઍરી બિંબનો વ્યાસ 1 આર્ક-સેકન્ડ જેટલો છે અને 100 સેમી. માટે તે ફક્ત 0.11 આર્ક-સેકન્ડ છે. ઍરી બિંબની ત્રિજ્યા (α) હોય તો તેનો વ્યાસ (2α), નીચેના સૂત્ર અનુસાર, ત્રિજ્યા કોણમાં મળે છે.

છોટુભાઈ સુથાર