ગૅલિલિયન ઉપગ્રહો : ગુરુના સૌથી મોટા ચાર ઉપગ્રહો : (1) આયો (Io), (2) યુરોપા (Europa), (3) ગૅનિમીડ (Ganymede) અને (4) કૅલિસ્ટો (Callisto). 1610માં ટેલિસ્કોપ યુગના મંડાણ સમયે ગૅલિલિયોએ ટેલિસ્કોપ વડે તેમને સૌપ્રથમ શોધ્યા હતા. તેમનો તેજવર્ગ લગભગ 5 હોવા છતાં ગુરુના સાંનિધ્યમાં રહેતા હોવાને કારણે તેઓ ગુરુના તેજમાં સામાન્યત: ઢંકાઈ જતા હોવાથી તેમને જોવા માટે નાના ટેલિસ્કોપ કે બાયનોક્યુલર્સની મદદ આવશ્યક બને છે. તેમની લગભગ ગોલાકાર ભ્રમણકક્ષા ગુરુના વિષુવવૃત્તીય તલમાં જ ગણાય. તેમનાં ગ્રહણ, પિધાન અને સંક્રમણના સમયગાળામાં દેખાતા ફેરફાર પૃથ્વીના કક્ષીય-સ્થાનફેર સાથે સંકળાયેલા છે, એ હકીકતને આધારે 1675માં વિજ્ઞાની ઓ. રોમરે પ્રકાશવેગનું મૂલ્ય શોધ્યું હતું.
સારણી : ગૅલિલિયન ઉપગ્રહોની પૃથ્વીના ચંદ્ર સાથે સરખામણી
ઉપગ્રહ |
વ્યાસ (કિમી.) |
કક્ષીય
ત્રિજ્યા (103 કિમી.) |
પરિભ્રમણ–
કાલ (પૃથ્વીના નક્ષત્રદિન) |
ઘનતા (ગ્રામ/ સેમી.3) |
આયો |
3640 |
422 | 1.77 |
3.50 |
યુરોપા |
3130 |
671 | 3.55 |
3.00 |
ગૅનિમીડ |
5280 |
1070 | 7.16 |
1.90 |
કૅલિસ્ટો |
4850 |
1885 | 16.69 |
1.80 |
પૃથ્વીનો ચંદ્ર |
3476 |
384 | 27.30 |
3.34 |
આયો : ચંદ્ર કરતાં થોડો મોટો અને ખડકાળ ઉપગ્રહ છે. તેની સપાટી ઉપર ગંધકના લાલાશ પડતા થર અને સલ્ફર ડાયૉક્સાઇડના સફેદ હિમઠાર (frost) જોવા મળે છે. અંતરીક્ષયાન વૉયેજર 1 અને 2ને તેના વિષુવવૃત્તીય પટ્ટામાં રહેલા 11 સક્રિય જ્વાળામુખી જણાયા હતા, તે પૈકીના 9ને ફાટતા જોયા હતા. તેની ઉપર લાગતું ગુરુનું પ્રચંડ ગુરુત્વાકર્ષણ અને અન્ય ઉપગ્રહોનાં અન્યોન્ય આકર્ષણબળ, આયો ઉપર થતી ભરતી-અસરથી પરિણમતી જ્વાલામુખ-પ્રક્રિયાનાં જનક છે. તેમાંથી ફેંકાતું દ્રવ્ય ઉપગ્રહસપાટીથી સેંકડો કિમી. ઊંચાઈ સુધી ફેલાતું વૉયેજર યાનોએ નોંધ્યું છે. આ દ્રવ્યમાંથી આયોની ભ્રમણકક્ષાની આસપાસ જાડું વલય (torus) પેદા થાય છે. તેમાં પ્રકાશિત સોડિયમ પરમાણુઓ, ગરમ ગંધક તેમજ પોટૅશિયમ અને ઑક્સિજનના આયનોની હાજરી જણાય છે. આયો ગુરુના વિકિરણપટ્ટામાંથી પસાર થાય ત્યારે રેડિયો ઘોંઘાટ ઉત્પન્ન થાય છે.
ગુરુથી અંતરના ક્રમે આવેલ બીજો ગૅલિલિયન ઉપગ્રહ યુરોપા પણ ખડકાળ છે. તેની સપાટી ઉપર ઉલ્કાગર્ત જેવા ખાડા નથી તેમજ ઊંચા પર્વતો કે ઉચ્ચપ્રદેશ પણ નથી. સૂર્યમંડળમાં અન્ય કોઈ ઉપગ્રહની સપાટી આટલી લીસી જણાઈ નથી. યુરોપા ઉપર હજારો કિમી. લંબાઈની અને 15–40 કિમી. પહોળાઈ ધરાવતી તિરાડોની જાળ-ગૂંથણી જોવામાં આવી છે, જે આપણા સમુદ્ર ઉપર જામેલા બરફના બાહ્ય સ્તરમાંની તિરાડો તેમજ દબાણને કારણે ઊંચકાયેલ પૃષ્ઠરચના સાથે સમાનતા સૂચવે છે. યુરોપાનો કેન્દ્રભાગ સિલિકેટ વગેરે ઘન સ્વરૂપનો છે જેની ઉપર પ્રવાહી પાણીનું બાહ્ય આવરણ અને છેક ઉપર લગભગ 100 કિમી. જાડો પાણીના બરફનો પોપડો હોય તેમ લાગે છે. આયો ઉત્સર્જિત ગંધક જામવાને કારણે યુરોપાનો બાહ્યસ્તર લાલાશ પડતી ઝાંય દર્શાવે છે.
ગૅલિલિયન ઉપગ્રહોમાં તો ઠીક; પરંતુ સૂર્યમંડળમાંના બધા ઉપગ્રહોમાં ગૅનિમીડ સૌથી મોટો છે, બુધ(ગ્રહ) કરતાં પણ મોટો છે. તેનો લગભગ અર્ધો ભાગ ખડક અને બાકીનો ભાગ બરફયુક્ત છે. તેની સપાટી ઉપર પ્રાચીન, ઉલ્કાગર્તવાળા ભૂખંડોને વિભાજિત કરતા ચાસવાળા વિસ્તારનાં લાક્ષણિક ર્દશ્ય જોવા મળ્યાં છે, જે સૂચવે છે કે વિભિન્નન (differentiation) પ્રક્રિયાની સાથે ભૂપૃષ્ઠ-પોપડા, એકબીજાથી દૂર જતા ગયા છે. લાક્ષણિક ચાસ(groove)ની લંબાઈ સેંકડો કિમી., પહોળાઈ 1.2 કિમી., ઊંડાઈ 300–400 મીટર, અને બે ચાસ વચ્ચેનો ગાળો 10–20 કિમી. જોવા મળે છે. 4 અબજ વર્ષ પૂર્વે વિભિન્નન પ્રક્રિયા થયા બાદ તુરત જ પ્રાચીન પોપડા વચ્ચેની મોટી ફાટમાંથી સપાટી ઉપર આવેલા પ્રવાહી કે અર્ધપ્રવાહી વડે ચાસ ભરાયા હશે.
ગૅલિલિયન ઉપગ્રહોમાંનો ગુરુથી મહત્તમ અંતરે આવેલો કૅલિસ્ટો કદમાં લગભગ બુધ જેવડો છે; અને ગૅનિમીડની જેમ તેનો પણ લગભગ અર્ધો ભાગ ખડકનો અને બાકીનો બરફનો બનેલો છે. તેની ઉપર પણ વિભિન્ન પ્રક્રિયા થઈ છે; પરંતુ તેની ઉપર ગૅનિમીડની જેમ ભૂપૃષ્ઠ ફાટીને ચીરા પડેલા દેખાતા નથી. તેની સપાટી પુરાણી છે અને સપાટી ઉપર પુષ્કળ પ્રમાણમાં ઉલ્કાગર્ત જોવા મળે છે. હકીકતમાં તો તે આપણા સૂર્યમંડળમાં સૌથી વધારે પ્રમાણમાં ઉલ્કાગર્ત ધરાવવાનો વિક્રમ ધરાવે છે. ગૅનિમીડ ઉપરની આશરે 50 % અને કૅલિસ્ટો ઉપરની લગભગ 20 %થી ઓછી સપાટી ઉપર ખડકમિશ્રિત પાણીનો બરફ છવાયેલો છે. નીચેના ભાગમાંના રગડાની ઉપર બરફનો પાતળો પણ મજબૂત પોપડો આવેલો છે.
પ્ર. દી. અંગ્રેજી