ઍબ્સર્ડ નાટક અને થિયેટર : બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપમાં હતાશા અને વ્યર્થતાનો ઓથાર અનુભવતા સંવેદનશીલ સર્જકોએ શરૂ કરેલી નાટ્યપરંપરા. તેનો સૌપ્રથમ પ્રયોગ ‘ધ થિયેટર ઑવ્ ઍબ્સર્ડ’માં 1961માં માર્ટિન એસલિને તેમના પુસ્તકમાં કર્યો. અલબત્ત, ઍબ્સર્ડવાદીઓનું કોઈ વિધિવત્ જૂથ કે એવી ઝુંબેશ અસ્તિત્વમાં ન હતાં; પરંતુ 1942માં આલ્બેર કૅમ્યૂએ પ્રગટ કરેલા ‘ધ મિથ ઑવ્ સિસિફસ’ નામના નિબંધમાં માનવજીવનની હેતુવિહીનતા વિશે વ્યક્ત કરેલા વિચારો સાથે એકબીજાથી તદ્દન ભિન્ન પ્રતિભા ધરાવતા સૅમ્યુઅલ બૅકેટ, યુજિન આયોનેસ્કો, ઝ્યાં ઝેને, આર્થર અદામૉવ, હૅરૉલ્ડ પિન્ટર, ફરનાન્ડો અરાબેલ, હૅરૉલ્ડ ઝાં તાદું, આલ્ફ્રેડ જેરી, એડ્વર્ડ ઍલ્બી તથા બૉરિસ વિથાન જેવા નાટ્યકારો મુખ્યત્વે સહમત હતા. આથી એ નાટ્યકારો, તેમની કૃતિઓ તથા તેના નાટ્યપ્રયોગો ‘થિયેટર ઑવ્ ધી ઍબ્સર્ડ’ નામે જ ઓળખાવા લાગ્યાં. જોકે આમાંના બધાયને આવી ઓળખ સ્વીકાર્ય હતી એવું પણ નથી. એ પ્રવાહના અગ્રણી ગણાતા સૅમ્યુઅલ બૅકેટે જ ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘હું ઍબ્સર્ડવાદી નથી.’
વિવેચન પૂરતું એ શબ્દપ્રયોગમાં માનવ-અસ્તિત્વની અસંગતતા તથા સૃષ્ટિ સમસ્તની નિરર્થકતા દર્શાવતી વિચારસરણી તથા નાટ્યપ્રવૃત્તિનો ઉલ્લેખ અભિપ્રેત છે. આ પ્રવૃત્તિના મૂળ તરીકે મધ્યયુગનાં મૉરાલિટી પ્રકારનાં રૂપક નાટકો, યૂરિપિડિસ તથા ઍરિસ્ટો-ફેનિસનાં નાટકો, સ્પેનનાં ધાર્મિક ર્દષ્ટાંત-નાટકો (autos sacramentales), લુઈ કૅરૉલ જેવા લેખકોની અર્થહીન કૃતિઓ, સ્ટ્રિનબર્ગનાં સ્વપ્નનાટકો, જેમ્સ જૉઇસ તથા ફ્રાન્ઝ કાફકાની સ્વપ્ન-નવલકથાઓ, આલ્ફ્રેડ જેરીનું હાસ્યાસ્પદતાથી ભરેલું નાટક ‘ઊબુ રૉઈ’ (1896), ઈશ્વરનું મૃત્યુ પોકારતી નીત્શેની નવલકથા ‘ઝરથુસ્ત્ર’ (1883), ગિયૉમ ઍપૉલિનેર, ફ્રૅન્ક વિદકિન્ડ, ચાર્લી ચૅપ્લિનનાં ફિલ્મનિર્માણ – વગેરે ઘટનાઓ તથા પરિબળોનો ઉલ્લેખ કરવામાં આવે છે. પ્રત્યક્ષ પ્રભાવક પરિબળ તરીકે ઍન્ટનાઇન આર્ટ્રુડનું ‘ધ થિયેટર ઍન્ડ ઇટ્સ ડબલ’ (1958) તથા દાદાઇઝમ, 1920 તથા 1930ના દાયકાનો પરાવાસ્તવવાદ તથા અસ્તિત્વવાદ, અભિવ્યક્તિવાદ વગેરે કારણભૂત મનાય છે. આ ઉપરાંત સાંપ્રત પરિસ્થિતિ તરીકે યુદ્ધોત્તર વિશ્વમાં સ્વીકૃત ધર્મો તરફ જાગેલી નિર્ભ્રાન્તિની વ્યથા તેમજ યુદ્ધની ભીષણતાના ઓથાર નીચે સર્જાયેલા સાર્વત્રિક મૂલ્યહ્રાસે આના ઉદભવમાં નિર્ણાયક ભાગ ભજવ્યો છે.
સામાન્યત: આંકડામાં કે જથ્થાના એકમમાં અભિવ્યક્ત ન થઈ શકે તેને ‘સર્ડ’ કહે છે. તે અર્થમાં તેને તર્ક-અસંગત અથવા જેનું મૂળ જડતું નથી એવું કહી શકાય. તેનો અર્થ હાસ્યાસ્પદ કે મૂર્ખામી ભરેલો છે એમ ન કહી શકાય. આમ ગાણિતિક અર્થમાં ઍબ્સર્ડનું તત્વજ્ઞાન વ્યક્ત કરાયું છે. જોકે ઍબ્સર્ડ એટલે અંદર બધે વ્યાપક એવો અભિગમ, અને નહિ કે કોઈ ખાસ વિચારની પદ્ધતિ.
આ નાટ્યરચનાઓમાં માનવજીવનની વિફળતા તથા મૂલ્યોની અસંગતતા આલેખાઈ છે અને એ રીતે વિષયર્દષ્ટિએ એ નાટકો અન્યથી જુદાં પડે છે. અસંગતતાનો વિષય કેન્દ્રમાં રાખનારું નાટ્યવિધાન પણ અસંગત બની રહે એ દેખીતું છે. એમાં તાર્કિક કે ક્રમિક નાટ્યવસ્તુ, કથાવિકાસ, સુરેખ પાત્રચિત્રણ તથા અર્થવાહી સંવાદ જેવી પરંપરાગત કે પ્રચલિત શૈલીખાસિયતોનો જાણે મૂલ્યહ્રાસ કરવામાં આવ્યો છે. અલબત્ત, એ નિમિત્તે વિશૃંખલિતતાને વ્યક્ત કરનારું ઍબ્સર્ડવાદીઓનું નવું નાટ્યશાસ્ત્ર પણ રચાઈ આવ્યું છે. અસંબદ્ધ, અર્થરહિત તથા પુનરાવર્તિત થતા સંવાદો; અતાર્કિક અને અગમ્ય વર્તણૂક તેમજ અસંગત તથા ક્રમવિહીન વસ્તુ તથા ચક્રાકાર ગતિઓ અને પ્રતીક-કલ્પનોની પુનરુક્તિ – એ આ નાટ્યરીતિની મુખ્ય ખાસિયતો ગણાય છે.
માનવજીવનની વ્યર્થતાની આવી જોશીલી આલબેલ પોકારનારા આ નાટ્યકારોને એમાંથી પ્રચુર હાસ્યપ્રદ સામગ્રી પણ મળી રહી. આ નાટકોનાં પાત્રોની તેમજ તેમનાં વર્તન-વ્યવહાર અને વાર્તાલાપની અર્થરહિતતા તથા હાસ્યાસ્પદતાના કારણે એમાં કૉમેડીનું બાહ્યાવરણ-માળખું રચાય છે. એને ઉપસાવવા અને બહેલાવવા માટે આ નાટકોની ભજવણીમાં કૉમેદિયા દ લ આર્ટે, વૉરવિલ તથા મ્યૂઝિક હૉલ જેવા સ્રોતોની પ્રેરણા ઝિલાઈ છે અને માઇમ, એક્રબૅર્ટેક્સ, લોકનાટ્ય, સામૂહિક મનોરંજનના કાર્યક્રમો, સર્કસના વિદૂષક તથા ફિલ્મ વગેરેની બહુવિધ લાક્ષણિકતાઓનો વિનિયોગ કરાયો છે; પણ આ નાટ્યજગતની સર્વાંગી અર્થશૂન્યતામાંથી રચાતી હાસ્યાસ્પદતાની ભીતરમાં કણસે છે અકથ્ય વેદના. વિષયગત અર્થગાંભીર્ય અને કારુણ્યને ગોપાવતી આવી હાસ્યના આવરણવાળી રચનાઓ ‘બ્લૅક કૉમેડી’ના નામે ઓળખાય છે, સૅમ્યુઅલ બૅકેટે ‘વેઇટિંગ ફૉર ગોદો’ નામના નાટકને ‘એ ટ્રેજિકૉમેડી ઇન ટુ ઍક્ટ્સ’ એવું જ ઉપશીર્ષક આપ્યું છે. વસ્તુત: માનવઅસ્તિત્વની તાત્વિક સમસ્યા સમજવા-સમજાવવાના પ્રયાસને વરેલી આ એક વિચારપ્રેરક રંગભૂમિ (serious theatre) પ્રવૃત્તિ હતી.
બૅકેટનું ‘વેઇટિંગ ફૉર ગોદો’ ફ્રેન્ચમાં 1952માં પ્રગટ થયું અને 1953માં પૅરિસમાં ભજવાયું. બૅકેટે તૈયાર કરેલું તેનું અંગ્રેજી રૂપાંતર 1954માં પ્રગટ થયું અને અંગ્રેજીમાં તેની સૌપ્રથમ રજૂઆત થઈ 1955માં કેમ્બ્રિજમાં. આ નાટકના પ્રકાશન અને પ્રયોગથી આ પ્રકારના નાટ્યપ્રવાહનો પ્રારંભ થયો. બૅકેટનું આ બહુચર્ચિત નાટક વિશ્વભરમાં ભજવાયું છે. એ પછી ‘એન્ડ ગેમ’ (1958), ‘ક્રૅપ્સ લાસ્ટ ટેપ’ (1959) તથા ‘હૅપી ડેઝ’ (1961) જેવી રચનાઓ વડે બૅકેટે માનવસમાજના સુમેળની અશક્યતા, સ્વપ્ન અને વાસ્તવજગત વચ્ચેની અનિશ્ચિતતા, સઘળા સ્નેહસંબંધોની નિશ્ચિત કરુણતા જેવા વિષયો અંગે એ થિયેટરની ભાષામાં વાત કરી છે. આ પ્રવાહને વેગ આપનારા બીજા નાટ્યકાર તે ફ્રાન્સના યુજિન આયોનેસ્કો. તેમણે ‘ધ બાલ્ડ સપ્રાનો’ (1950), ‘ધ લેસન’ (1951), ‘ધ ચેર્સ’ (1951), ‘ધ ન્યૂ ટેનન્ટ’ (1952), ‘અમેડી’ (1953), ‘રહાઇનોસરસ’ (1960) વગેરે નાટકોમાં નાસ્તિક દુ:સ્વપ્ન જેવા અસ્તિત્વનું ચિત્રણ, વિદ્રોહની વિફળતા, ઘટનાલોપનો આગ્રહ, શબ્દ અને ચેષ્ટા વચ્ચેનો સંબંધ-વિચ્છેદ વગેરેને નાટ્ય રૂપે તખ્તા ઉપર અવતાર્યાં. રશિયન નાટ્યકાર આર્થર અદામૉવે ‘પૅરડી’ (1947), ‘પ્રો. તરાને’ (1953), ‘પિંગપાગ’ (1955), ‘પાઓલો પાઓલી’ (1957) વગેરે નાટકોમાં જીવનના અર્થની નિષ્ફળ શોધ, ભાષાની નપુંસકતા, ધનલાલસાની પરાકાષ્ઠા વગેરે અવાસ્તવ પાત્ર-કથાપ્રસંગો વડે રજૂ કર્યાં. ફ્રેન્ચ નવલકથાકાર-નાટ્યકાર ઝ્યાં ઝેનેએ ‘ધ મેઇડ્ઝ’ (1954), ‘ધ બાલ્કની’ (1957), ‘ધ બ્લૅક્સ’ (1960) જેવાં નાટકોમાં પાત્ર-કથાગૂંથણી કે જીવનમાં સુસંગતતાનો અભાવ, કલ્પના અને વાસ્તવની ભૂંસાઈ ગયેલી ભેદરેખા વિચ્છિન્ન ભાષા-બંધારણ અને વ્યક્તિની સનાતન એકલતા જેવા વિષયોને સબળ વાચા આપી છે. અંગ્રેજ કવિ-નાટ્યકાર હૅરૉલ્ડ પિંટરે ‘ધ રૂમ’ (1957), ‘બર્થ-ડે પાર્ટી’ (1958), ‘ધ કેરટેકર’ (1960), ‘ધ લવર’ (1963), ‘ધ હોમકમિંગ’ (1965), ‘ઓલ્ડ ટાઇમ્સ’ (1971), ‘નો મૅન્સ લૅન્ડ’ (1975) વગેરે નાટકોમાં સ્વસ્થ માનવસંબંધોની શક્યતા તથા ર્દષ્ટિહીનતા વગેરેની રજૂઆત કરી છે. આ ઉપરાંત એડ્વર્ડ ઍલ્બી, વાલાવ હાવેલ, સ્લાવોમિર મોજેક અને પીટર વેઇસ જેવા નાટ્યકારોએ પોતપોતાની રીતે આ ઍબ્સર્ડ નાટ્યપ્રવાહને વેગ આપ્યો. કેનેથ ટિટાન, મેકહાઇન, પીટર બ્રૂક, શેરો, ઝાં વિલા વગેરે દિગ્દર્શકોએ પણ આ અપ્રચલિત નાટ્યપ્રણાલીને અનુરૂપ વિશેષ પ્રકારની નિર્માણશૈલી પ્રયોજી.
કથા, પાત્ર તથા સંવાદોની આવી અસંગતતા સંસ્કૃત નાટકમાં મહેન્દ્ર વિક્રમના ‘મત્ત વિલાસ’માં તથા ભવાઈ જેવી પ્રાદેશિક લોકનાટ્યપરંપરાઓમાં પણ મળી આવે છે. નાટ્યવિધાનમાં આ રીતે પશ્ચિમના નાટ્યકારોએ પ્રયોજેલી અસંગતતાને જ સારતત્વ માનીને ગુજરાતમાં પણ ઍબ્સર્ડ શૈલીનાં નાટકો લખવા-ભજવવાના પ્રયાસો થયા છે. આમાં લાભશંકર ઠાકર, આદિલ મન્સૂરી, સુભાષ શાહ, મનહર ઠક્કર, ચિનુ મોદી, મધુ કોઠારી, કિરીટ વૈદ્ય, મુકુંદ પરીખ, રમેશ શાહ વગેરેનાં નામ ઉલ્લેખનીય છે. મુખ્યત્વે કૉલેજ તથા યુનિવર્સિટીના મહોત્સવોની નાટ્યભૂખ સંતોષવા આ સદીના સાતમા દાયકામાં આ શૈલીનાં અનેક એકાંકીઓ ભજવવા નિમિત્તે લખાયાં; પરંતુ આ પ્રવૃત્તિનો રંગભૂમિવ્યાપી પ્રભાવ પડી શક્યો નહિ. 1966માં ‘એક ઉંદર અને જદુનાથ’ની તેમજ ડૉ. મીનુ કાપડિયાએ કરેલી ‘ક્રૅપ્સ લાસ્ટ ટેપ’ની રજૂઆત કંઈક આશા જન્માવી શકી, પણ સર્વાંશે ઍબ્સર્ડ નાટક ગુજરાતી સાહિત્ય અને રંગભૂમિ પૂરતો સ્થાયી પ્રવાહ બની શક્યું નથી. કદાચ એ કારણે કે કોઈ ગુજરાતી સર્જક કે કલાકારને જીવનના ખાલીપણાનો અથવા અસારતા કે અસંગતતાનો ઉત્કટ તથા સર્વગ્રાહી અનુભવ થયો ન હતો.
યુદ્ધ, આર્થિક ભીંસ, મંદી, ગરીબી જેવાં અનેક પરિબળો હેઠળ જીવનની હેતુવિહીનતા તથા મૂલ્યહ્રાસની તીવ્ર અનુભૂતિ સાથે આ ઍબ્સર્ડ નાટ્યપ્રવાહનો જન્મ આપનાર ખુદ યુરોપના દેશોમાં પણ દોઢ જ દશકામાં એટલે કે 1965ની આસપાસ આ પ્રવૃત્તિનાં વળતાં પાણી થયાં હતાં. અલબત્ત, આધુનિક નાટકના આંતર તેમજ બાહ્ય કલેવરને નવો ઘાટ આપવામાં તેમજ રંગભૂમિ પર નવા ઉન્મેષ પ્રગટાવવામાં આ નાટ્યકારોનું ગણનાપાત્ર પ્રદાન રહ્યું છે.
આ નાટ્યપ્રવાહ સાથે સંકળાયેલા અગ્રણી નાટ્યકારોએ પણ પાછળથી આ ઍબ્સર્ડનો માર્ગ ચાતરીને પોતપોતાની પ્રતિભાના ઉન્મેષ અન્ય માર્ગે પ્રગટ કરવાના પ્રયાસો કર્યા છે. આયોનેસ્કોનાં નાટકો રૂપકકથાની જેમ સવિશેષ પ્રતીકાત્મક બને છે. બૅકેટનાં નાટકોમાં અર્થપૂર્ણ લાઘવ પ્રવેશે છે. એદોમોવ એપિક થિયેટરના આદર્શને અનુસરે છે અને હેરૉલ્ડ પિન્ટર નાટકમાં અતિરંજક ફારસનું સંમિશ્રણ કરે છે. પણ ઍબ્સર્ડ થિયેટરનો આ પ્રવાહ સાવ લુપ્ત થઈ જતો નથી. કેટલાક નાટ્યકારો આ નામી સર્જકોના અનુભવોના આધારે હજી નવી દિશા શોધવા મથે છે; તો કેટલાક નાટ્યકારોએ એ નાટ્યરીતિ ઘૂંટવાનું ચાલુ પણ રાખ્યું છે.
હસમુખ બારાડી