એપેલેટ ટ્રિબ્યૂનલ : વહીવટી અધિકારીઓ અથવા નીચલા સ્તરના ન્યાયિક કે અર્ધન્યાયિક સત્તામંડળ દ્વારા આપેલા ચુકાદા સામે ભારતમાં ન્યાયિક દાદ આપતું ઉચ્ચ કક્ષાનું સત્તામંડળ.
એપેલેટ ટ્રિબ્યૂનલ (આયકર) : આયકર આયુક્ત(અપીલ)ના ચુકાદા અને હુકમ સામે દાદ આપતું સત્તામંડળ. કર-નિર્ધારણ અધિકારી (Assessing Officer) આયકર અધિનિયમની વિવિધ કલમો હેઠળ જે હુકમો કરે તેનાથી કરદાતા(assessee)ને અસંતોષ હોય તો તે ઠરાવેલા ક્ષેત્રાધિકારને અનુરૂપ આયુક્ત (અપીલ) સમક્ષ અપીલ કરી શકે છે. તેમના ચુકાદાથી કરદાતા અને/અથવા આયકર વિભાગને અસંતોષ હોય તો તે એપેલેટ ટ્રિબ્યૂનલ સમક્ષ અપીલ કરી શકે છે. વળી કર-નિર્ધારણ અધિકારીએ જે મૂળ હુકમ કર્યો હોય તે મહેસૂલના હિતને નુકસાનકર્તા છે તેવું જો આયુક્તને જણાય અને આયુક્ત તેવા મૂળ હુકમને સુધારવાનો હુકમ કરે તો કરદાતા આવા હુકમ સામે પણ એપેલેટ ટ્રિબ્યૂનલ સમક્ષ અપીલ કરી શકે છે. આયુક્ત(અપીલ)ના ચુકાદા સામે કરદાતા અથવા આયકર વિભાગ તે બન્નેમાંથી કોઈ એક પક્ષકારે શરૂઆતમાં એપેલેટ ટ્રિબ્યૂનલ સમક્ષ અપીલ કરી ન હોય પરંતુ તે બન્નેમાંનો બીજો પક્ષકાર ટ્રિબ્યૂનલ સમક્ષ અપીલ કરે તો પ્રથમ પક્ષકાર એપેલેટ ટ્રિબ્યૂનલ સમક્ષ પ્રતિ-આપત્તિ-જ્ઞાપન(memorandum of cross objection)ના સ્વરૂપમાં અપીલ કરી શકે છે.
કેન્દ્ર સરકાર એપેલેટ ટ્રિબ્યૂનલના નિર્ધારિત માળખામાં ન્યાયિક સદસ્ય અને લેખા સદસ્યની નિમણૂક કરે છે. તે અંગેની વિગતવાર જોગવાઈ કાયદામાં કરેલ છે.
એપેલેટ ટ્રિબ્યૂનલ બન્ને પક્ષકારોને સાંભળીને ચુકાદો આપે છે. હકીકતના મુદ્દા ઉપર ટ્રિબ્યૂનલનો ચુકાદો આખરી ગણાય છે પરંતુ કાયદાકીય મુદ્દા ઉપર વડી અદાલતમાં અને ત્યારપછી સર્વોચ્ચ અદાલતમાં દાદ માગી શકાય છે.
આ પ્રકારની સમકક્ષ જોગવાઈ કેન્દ્ર-કક્ષાએ સેન્ટ્રલ એક્સાઇઝ અને કસ્ટમ્સ ડ્યૂટી કાયદામાં અને રાજ્યકક્ષાએ વેચાણવેરા કાયદામાં કરવામાં આવી છે.
એપેલેટ ટ્રિબ્યૂનલ (શ્રમ) : ઔદ્યોગિક વિવાદોના શાન્તિપૂર્ણ ઉકેલ માટે આઝાદી પછીના ગાળામાં ભારતમાં વિવિધ પ્રકારનાં તથા વિવિધ સ્તરનાં વ્યવસ્થાતંત્રો ઊભાં કરવામાં આવ્યાં; તેના ભાગરૂપે શ્રમ ન્યાયાલયો, ઔદ્યોગિક ન્યાયાલયો તથા ઔદ્યોગિક ટ્રિબ્યૂનલ-(tribunal)ની સ્થાપના કરવામાં આવી હતી; પરંતુ અનુભવે સ્પષ્ટ થયું કે તેમની મનસ્વિતા પર અંકુશ મૂકવા માટે, જુદા જુદા સમયે તેમણે પ્રસ્થાપિત કરેલા સિદ્ધાંતો તથા આપેલા નિર્ણયોમાંથી ઉદભવતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તથા તેમના ચુકાદાનું વાજબીપણું, સાર્થકતા, સમાનતા અને સાતત્યની ચકાસણી કરી તેમાં સંવાદિતા અને એકસૂત્રતા લાવવા માટે તેમનાથી ચઢિયાતાં વ્યવસ્થાતંત્ર દાખલ કરવાં અનિવાર્ય છે. આ પાર્શ્વભૂમિકામાં 1950ના ‘ધ ઇન્ડસ્ટ્રિયલ ડિસ્પ્યૂટ્સ (લેબર એપેલેટ ટ્રિબ્યૂનલ) ઍક્ટ’માં શ્રમ એપેલેટ ટ્રિબ્યૂનલ સ્થાપવાની જોગવાઈ કરવામાં આવી અને શ્રમ ન્યાયાલયો, ઔદ્યોગિક ન્યાયાલયો તથા ઔદ્યોગિક ટ્રિબ્યૂનલ તેની હકૂમત (jurisdiction) હેઠળ મૂકવામાં આવ્યાં.
શ્રમ એપેલેટ ટ્રિબ્યૂનલની જોગવાઈને કારણે ઔદ્યોગિક વિવાદોના ઉકેલની પ્રક્રિયામાં વિલંબ થશે તથા ઔદ્યોગિક ન્યાયપંચ મારફત શ્રમિક વર્ગે જે અધિકારો અને સુવિધાઓ મેળવ્યાં છે તેના પર પાણી ફરી વળશે એવાં કારણો આગળ ધરીને દેશનાં મજૂર મંડળોએ તેનો વિરોધ કર્યો હતો. પરિણામે 1950માં દાખલ કરવામાં આવેલી શ્રમ એપેલેટ ટ્રિબ્યૂનલની જોગવાઈને સપ્ટેમ્બર, 1956ના સુધારાના ખરડા ‘ઇન્ડસ્ટ્રિયલ ડિસ્પ્યૂટ્સ (એમેન્ડમેન્ટ ઍન્ડ મિસલેનિયસ પ્રોવિઝન) ઍક્ટ, 1956’ દ્વારા પડતી મૂકવામાં આવી હતી અને તેની અવેજીમાં ત્રણ સ્તરની નવી અર્ધન્યાયિક વ્યવસ્થા દાખલ કરવામાં આવી હતી : રાજ્યસ્તરે ઔદ્યોગિક ટ્રિબ્યૂનલ અને શ્રમ ન્યાયાલયો તથા ઉચ્ચ સ્તરે રાષ્ટ્રીય ન્યાયપંચ.
અલબત્ત, નવી વ્યવસ્થામાંથી ઉદભવતા ચુકાદા સામે વડી અદાલત તથા સર્વોચ્ચ અદાલતમાં દાદ માગવાનો અધિકાર અકબંધ રહે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે
જયન્તિલાલ પો. જાની