એન્ક્વિસ્ટ, પર-ઓલોવ (જ. 23 સપ્ટેમ્બર 1934, હ્યોગ્બોલે, સ્વીડન; અ.25 એપ્રિલ 2020, સ્વીડન) : વીસમી સદીના સાતમા દાયકાના સ્વીડિશ સાહિત્યકાર અને સમાજવિવેચક. એન્ક્વિસ્ટની પ્રારંભિક નવલકથાઓ ‘ક્રિસ્ટલોગર – ધ ક્રિસ્ટલ આઇ’ (1961) અને ‘ફાર્ધ્વાગેન – ધ રૂટ ટ્રાવેલ્ડ’ (1963) લેખકની બલિષ્ઠ કથનશૈલીનો પરિચય કરાવે છે. સાતમા દાયકાનું રાજકીય વાતાવરણ બદલાતાં એન્ક્વિસ્ટ ઉદારમતવાદીમાંથી સમાજવાદી બન્યા હતા. નવલકથાઓમાં તથા નાટકોમાં દસ્તાવેજી ચિત્રણ વિશેષ છે. આ પ્રકારની કુશળતા પ્રથમ ‘હેસ’(1966)માં ર્દષ્ટિએ પડે છે. તે પછી વધુ અસરકારક રીતે ‘ધ લેજિયોનૈરિસ’(1968)માં પ્રગટ થાય છે. આ નવલકથા માટે તેમને નૉર્ડિક પારિતોષિક 1969માં એનાયત થયું હતું. આ નવલકથામાં બીજા વિશ્વયુદ્ધને અંતે સ્વીડનમાંના બાલ્ટિક નિરાશ્રિતોની પરિસ્થિતિનો અભ્યાસ છે. ‘મ્યુઝિકાનીર્તાસ ઉત્તંગ’ (‘ધ ડિપાર્ચર ઑવ્ ધ મ્યૂઝિશન્સ’, 1978) તેમના વતનના પ્રદેશ એકીકરણ વિશે છે. તેમના ઉત્તમ નાટક ‘ધ નાઇટ ઑવ્ ધ ત્રિબાડેસ’(1977)માં સ્વીડિશ સાહિત્યકાર ઑગસ્ટ સ્ટ્રિડબર્ગના દાંપત્યજીવનનું વિશ્ર્લેષ્ણ કરેલું છે.
કૃષ્ણવદન જેટલી