એતદ્ : આધુનિકતાનો પુરસ્કાર કરતું ગુજરાતી માસિક. ‘ઊહાપોહ’ના પુનર્જન્મ રૂપે પ્રગટેલા આ માસિકની શરૂઆત 1977ના નવેમ્બરમાં થઈ હતી. એપ્રિલ, 1983 સુધી તેના સંપાદનની જવાબદારી ઉષા જોશી, જયંત પારેખ અને રસિક શાહે સંભાળી હતી. જૂન, 1983થી સુરેશ જોષી અને શિરીષ પંચાલે સંપાદન સંભાળેલું. જાન્યુઆરી, 1987થી આ સામયિક ત્રૈમાસિક બન્યું છે. આ ગાળા દરમિયાન ગુજરાતી ભાષાની કેટલીક વિશિષ્ટ કૃતિઓ તેમાં પ્રગટ થઈ હતી. તેમાં મૌલિક ગદ્ય-કૃતિઓ બહુ ઓછી પ્રગટ થઈ છે. સાહિત્યવિવેચનની આબોહવા જન્માવતા કેટલાક મૌલિક અને અનૂદિત લેખો તેનું નોંધપાત્ર પ્રદાન ગણાય. આ સામયિકમાં ગુજરાતી ગ્રંથોની સમીક્ષા ખૂબ ઓછી પ્રગટ થઈ છે. પણ અધુનાતન યુરોપીય વિચારણાઓનો પરિચય કરાવવાનો આશય કેટલેક અંશે સફળ નીવડ્યો છે.
શિરીષ પંચાલ