પાસવાન, ચિરાગ (જ. 31 ઑક્ટોબર, 1982, ખગરિયા, બિહાર, ભારત) : યુવાન રાજકારણી, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના પુત્ર, કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી અને 2021થી લોક જનશક્તિ પક્ષ(રામવિલાસ)ના પ્રમુખ. બિહારમાં 2014 અને 2019માં જમુઈ તથા 2024માં હાજીપુરથી એમ કુલ ત્રણ વાર સાંસદ. પિતા રામવિલાસનો પવન જે દિશામાં વહે એને પકડવાનો ગુણ પુત્ર ચિરાગને વારસામાં મળ્યો છે.

પિતા સ્વ. રામવિલાસ પાસવાન અને માતા રીના પાસવાન. પિતા શરૂઆતથી રાજકારણમાં સક્રિય હતા અને માતા રીના ઍર હૉસ્ટેસ હતા. રામવિલાસના પ્રથમ પત્ની રાજકુમારી દેવી. પ્રથમ પત્નીથી બે પુત્રી – ઉષા અને આશા. 1983માં એર હોસ્ટેસ રીના સાથે રામવિલાસે લગ્ન કર્યા. બીજી પત્નીથી એક પુત્ર – ચિરાગ પાસવાન અને એક પુત્રી – નિશા પાસવાન.

પ્રાથમિક શિક્ષણ દિલ્હીની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑપન સ્કૂલિંગ(NIOS)માંથી મેળવ્યું. પછી બુંદેલખંડ યુનિવર્સિટીની માન્યતા ધરાવતી ઝાંસીની ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરિંગ ઍન્ડ ટૅક્નૉલૉજીમાં કમ્પ્યૂટર એન્જિનિયરિંગમાં સ્નાતકની પદવી મેળવી. જોકે, 2024ની લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના સમયે પર્દાફાશ થયો હતો કે, તેમણે બીજાં સેમીસ્ટર પછી અભ્યાસ અધૂરો છોડી દીધો હતો અને હિંદી ફિલ્મોમાં અભિનેતા બનવા મુંબઈ દોટ મૂકી હતી.

2011માં પ્રથમ ફિલ્મ ‘મિલે ના મિલે હમ’ રીલિઝ થઈ, જેમાં અભિનેત્રી કંગના રનૌત હતી. રૂ. 20 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મ બોક્સ-ઑફિસ પર પીટાઈ ગઈ અને કુલ આવક ફક્ત આશરે રૂ. 1.42 કરોડ થઈ. બૉલિવૂડમાં શરમજનક નિષ્ફળતા મળ્યા પછી ચિરાગે છેવટે પિતા રામવિલાસ પાસવાનના માર્ગે રાજકારણમાં જ આગેકૂચ કરવાનો નિર્ણય લીધો અને પિતાની છત્રછાયામાં બિહારમાં દલિત અને પછાત જાતિઓના યુવાનો સાથે સંબંધ સ્થાપિત કર્યો.

2011થી 2013 સુધી ચિરાગે રામવિલાસ પાસવાન દ્વારા સ્થાપિત લોક જનશક્તિ પક્ષ (લોજપા)ના કાર્યકર્તાઓ સાથે ખભેખભો મિલાવીને કામ કર્યું. લોજપાને દલિત અને પછાત વર્ગના યુવાનોને આકર્ષિત કરવામાં ચિરાગની મદદ મળી. વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી અગાઉ જ લોજપાએ કૉંગ્રેસવિરોધી લહેર પર સવાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA સાથે ગઠબંધન કર્યું. રામવિલાસે પુત્ર ચિરાગને અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક જમુઈ પર ઉમેદવાર બનાવ્યા. તેમાં ચિરાગનો રાષ્ટ્રીય જનતા દળ(રાજદ)ના ઉમેદવાર સુધાંશુ શેખર ભાસ્કર સામે 85,000થી વધારે મતોથી વિજય થયો. આ રીતે 16મી લોકસભામાં ચિરાગે પહેલી વાર સાંસદ તરીકે પ્રવેશ કર્યો.

વર્ષ 2019માં લોકસભાની ચૂંટણીમાં ચિરાગ પાસવાને જમુઈ બેઠક પરથી બીજી વાર ચૂંટણી જીતી. બીજી વાર સાંસદ બન્યા પછી ચિરાગનો NDA અને ખાસ કરીને ભાજપ સાથેનો સંબંધ મજબૂત થયો. મોદી સરકારના 370મી કલમ નાબૂદ કરવાના નિર્ણયને ટેકો આપ્યો. એ જ રીતે, ડિસેમ્બર, 2019માં વિવાદાસ્પદ નાગરિકતા સુધારા કાયદાને પણ સમર્થન આપ્યું. પિતાની જેમ કેન્દ્રમાં જેની સરકાર હોય તેની સાથે રહીને યેનકેન પ્રકારે સત્તાસુખ ભોગવવાનો ગુણ પણ ચિરાગને વારસામાં મળ્યો.

ઑક્ટોબર, 2020માં રામવિલાસ પાસવાનનું મૃત્યુ થયા પછી લોજપા પર નિયંત્રણ મેળવવા ચિરાગ અને કાકા પશુપતિ કુમાર પારસ વચ્ચે સંઘર્ષ થયો. જૂન, 2021માં પશુપતિએ લોજપાના અન્ય ચાર સાંસદો સાથે ચિરાગને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ અને સંસદીય નેતા તરીકે દૂર કર્યાની જાહેરાત કરી. પ્રતિક્રિયા સ્વરૂપે ચિરાગે પશુપતિ સહિત પાંચ સાંસદોને પક્ષમાંથી બરતરફ કરી દીધા. ત્યાર બાદ ભારતીય ચૂંટણી પંચે લોજપાનું ચૂંટણી ચિહ્ન જપ્ત કરી લીધું, પરંતુ ઑક્ટોબર, 2021માં ચિરાગના જૂથને લોક જનશક્તિ પક્ષ (રામવિલાસ)ને ચૂંટણીચિહ્ન તરીકે હેલિકૉપ્ટર ફાળવ્યું અને મૂળ પક્ષ તરીકે માન્યતા પણ આપી દીધી. એ અગાઉ 27 ફેબ્રુઆરી, 2021ના રોજ ચિરાગે અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કરવા 1.11 લાખનું દાન કર્યું હતું.

વર્ષ 2024માં નરેન્દ્ર મોદીને ‘રામ’ અને પોતાને ‘હનુમાન’ ગણાવનાર ચિરાગ હાજીપુરની બેઠક પરથી ત્રીજી વાર સાંસદ બન્યા અને હાલ કેન્દ્ર સરકારમાં ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગના મંત્રી છે.

રાજકારણની સાથે ચિરાગ સમાજસેવામાં પણ સંકળાયેલા છે. તેઓ ચિરાગ કા રોજગાર નામની સેવાભાવી સંસ્થા ચલાવે છે, જે બિહારમાં વંચિત યુવાનોને રોજગારી પ્રદાન કરવાની દિશામાં કાર્યરત છે. જોકે, આ સંસ્થાએ હજુ સુધી કેટલા યુવાનોને રોજગારી અપાવી એનો કોઈ રેકૉર્ડ નથી.

કેયૂર કોટક