બનાજી, કુમારી મેહર જહાંગીર (જ. 9 નવેમ્બર 1943) : દૃષ્ટિહીન બાળકોના કલ્યાણ માટે સમર્પિત સમાજસેવિકા.
તેઓએ પોતાનું જીવન દૃષ્ટિહીનોને સારું શિક્ષણ પ્રાપ્ત થાય અને જીવનમાં સારી રીતે કાર્ય કરી શકે તે માટે સમર્પિત કર્યું છે. આશરે 34 વર્ષથી ‘હેપી હોમ ઍન્ડ સ્કૂલ ફોર ધી બ્લાઇન્ડ’ સાથે તેઓ જોડાયેલાં છે. તેઓ એ સંસ્થાનાં પ્રિન્સિપાલ અને પ્રમુખ છે. છ વિદ્યાર્થીઓ માટે શરૂ કરેલી એક રૂમની શાળા આજે ત્રણ મજલા સુધીની નિવાસી શાળા તરીકે પહોંચાડી છે. જ્યાં આજે ત્રણ વર્ષથી વીસ વર્ષ સુધીનાં 200 દૃષ્ટિહીન બાળકો શિક્ષણ મેળવે છે. ‘હેપી હોમ ઍન્ડ સ્કૂલ’નાં મોટા ભાગનાં બાળકો એવા ગરીબ પરિવારોમાંથી આવે છે કે જે પોતાનાં બાળકોનો શિક્ષણ, ભોજન અને સ્વાસ્થ્યચિકિત્સાનો ખર્ચ ઉઠાવી શકે એમ નથી.
પૂર્વપ્રશિક્ષણ માટે પ્રશિક્ષણ કાર્યક્રમો અને પ્રકલ્પ (project) માટે રકમ એકત્ર કરવા માટે સ્થાનિક, રાજ્ય અને કેન્દ્ર સરકાર, રાષ્ટ્રીય સંગઠનો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સંપર્ક સ્થાપિત કર્યો છે. દૃષ્ટિહીન બાળકો માટે દેશમાં મૉન્ટેસોરી પ્રશિક્ષણ, શાળામાં પ્રવેશ પહેલાં દૃષ્ટિહીન બાળકો માટે પ્રારંભિક કાર્યક્રમ, ઓછી દૃષ્ટિવાળાં બાળકો માટે દૃષ્ટિક્ષમતા પ્રશિક્ષણ, દૃષ્ટિહીન બાળકો માટે માટીનાં વાસણો બનાવવાનો પ્રશિક્ષણ કાર્યક્રમ જેવા વિભિન્ન પ્રશિક્ષણ કાર્યક્રમોની શરૂઆત કરી છે. દૃષ્ટિહીનો માટે ‘હેપી હોમ ઍન્ડ સ્કૂલ’ની ઓળખાણ એક અગ્રણી સંસ્થાના રૂપે થઈ છે. તેઓ અધ્યાપકો અને વ્યાવસાયિક લોકોને માટે આદર્શરૂપ છે.
1996માં વિશેષ શિક્ષા (દૃષ્ટિહીન) મેં ઉત્કૃષ્ટ યોગદાન માટે રાષ્ટ્રપતિ પુરસ્કાર અને સામાજિક અને સામુદાયિક સેવા માટે ફેડરેશન ઑફ પારસી જોરોસ્ટ્રિય અંજુમન ઑફ ઇન્ડિયા પુરસ્કારથી તેઓને સન્માનિત કરવામાં આવ્યાં છે.
કનુભાઈ શાહ
