હૈસ્નામ, કન્હાઈલાલ (જ. 17 જાન્યુઆરી 1941, મણિપુર; અ. 6 ઑક્ટોબર 2016, ઇમ્ફાલ, મણિપુર) : ભારતીય રંગમંચના એક જાણીતા અને માનીતા નાટ્યકાર, અભિનેતા અને નિર્દેશક.
તેઓ છેલ્લાં 35 વર્ષથી રંગમંચની સાથે નાટ્યકાર, અભિનેતા અને નિર્દેશક સ્વરૂપે જોડાયેલા હતા. તેઓ ‘કલાક્ષેત્ર મણિપુર’ના સ્થાપક અને નિર્દેશક હતા. તેમણે પ્રયોગાત્મક રંગમંચની પ્રવૃત્તિઓનું નેતૃત્વ કર્યું હતું. મણિપુરી અભિનય કલા અને સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરાઓ આધારિત રંગમંચની વૈકલ્પિક વિદ્યાઓનો વ્યાપક સ્તર પર પ્રયોગ કરતા રહ્યા. છેલ્લા બે દશકાથી દેશમાં યુવાનોને રંગમંચનું કૌશલ્ય અને શિક્ષણ પ્રદાન કર્યું હતું.
‘મેમાયર્સ ઑફ આફ્રિકા’, ‘કર્ણ’, ‘પેબેટ’, ‘ડાકઘર’, ‘અચિન ગાયનેર ગાથા’ તથા ‘દ્રૌપદી’ જેવી બહુચર્ચિત તેમની નાટ્યપ્રસ્તુતિઓ પ્રશંસા પામી છે. દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની અભિનય પરંપરાઓના અધ્યયન દ્વારા એક નવી કલાના વિકાસ માટે ‘આર્ટ્સ નેટવર્ક એશિયા’ (એ.એન.એ.) અંતર્ગત એક સંશોધન પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો હતો. ઈ. સ. 1997માં થિયેટર ફાર ધી રિચુઅલ સફરિંગ’ નામનું પુસ્તક પ્રકાશિત થયું છે.
વર્ષ 1985માં સંગીત નાટક અકાદમી, 2004માં પદ્મશ્રી તથા 2016માં પદ્મભૂષણ ઍવૉર્ડથી તેઓ સન્માનિત થયા હતા. તેઓ સંગીત નાટક અકાદમીના ફેલો પણ હતા. એમના જીવનકાળ દરમિયાન ભારતીય રંગમંચની વિવિધતાને તેમણે સમૃદ્ધ કરી હતી.
મણિપુર રાજ્ય કલા અકાદમી (1982), કેન્દ્રીય સંગીત નાટક અકાદમી (1985) અને ‘નન્દિકર પુરસ્કાર’- (2000)થી પણ સન્માનિત કરાયા હતા.
કનુભાઈ શાહ
