ઍગેમેમ્નૉન (ઈ. પૂ. 458) : ગ્રીક નાટ્યત્રયી ‘ઓરેસ્તીઆ’નું પ્રથમ નાટક. અન્ય બે કૃતિઓ ‘કોએફરાઇ’ (શોકગ્રસ્ત) અને ‘યુમેનાઇડીઝ’ (કોપદેવીઓ). ગ્રીક નાટ્યકાર ઇસ્કિલસે (ઈ. પૂ. 525) મહાકવિ હોમરકૃત ‘ઇલિયડ’ના એક પ્રસંગ ઉપરથી ‘ઓરેસ્તીઆ’નું અત્યંત હૃદયદ્રાવક કથાનક ઘડ્યું છે. ગ્રીક ટ્રૅજેડીનાં સ્વરૂપગત લક્ષણો સૌપ્રથમ ઇસ્કિલસના સર્જનમાં સ્ફુટ થયાં છે. ‘ઍગેમેમ્નૉન’ તેમજ તેની અનુગામી બંને કૃતિઓમાં એટ્રિયસના શાપિત ગૃહનો અખંડ તંતુ છે. ઍગેમેમ્નૉન એટ્રિયસનો વંશજ છે. એટ્રિયસે પોતાની પત્નીના ચારિત્ર્યને ક્લુષિત કરનાર તેના ભાઈ થીયેસ્ટસને કપટથી તેના જ પુત્રોનું માંસ ખવરાવ્યું. આ નિર્ઘૃણ પાપકૃત્યના ફળસ્વરૂપ એટ્રિયસનું કુળ શાપિત બન્યું. ‘ઍગેમેમ્નૉન’ના ઉઘાડમાં જ કોરસ વૃંદગાન દ્વારા નાટ્યકથાની આ આખી પશ્ચાદભૂ કલાત્મક રીતે નિરૂપવામાં આવી છે.
ક્લાઇટમ્નેસ્ટ્રાની સ્વગતોક્તિઓ અને આર્ગોસના પ્રજાજનોને ઉદ્દેશી તેણે કરેલાં સંબોધનોમાં ઍગેમેમ્નૉન પ્રત્યે તેનો અંતરાત્મા દ્વેષ અને ક્રોધથી કેટલો તો તીવ્ર પ્રજ્વળી રહ્યો છે તે સ્પષ્ટ બને છે. ઍગેમેમ્નૉને દેવોનો કોપ શાંત કરવા નિર્દોષ દીકરી ઇફિજિનિયાનો છળથી વધ કરેલો. ક્લાઇટમ્નેસ્ટ્રાએ આથી ઊંડો આઘાત અનુભવેલો. પતિ પ્રત્યેના ક્રોધનું આ મુખ્ય કારણ. ઍગેમેમ્નૉન ટ્રૉયના વિજય પછી સ્વદેશ પાછા ફરતી વેળાએ કાસાન્ટ્રાને પોતાની રખાત તરીકે સાથે લાવેલો. ક્લાઇટમ્નેસ્ટ્રાએ આ કારણે પતિ પ્રત્યે દ્વેષ અને કાસાન્ટ્રા પ્રત્યે ઈર્ષાની તીવ્ર લાગણી અનુભવેલી. પોતાના યાર એજિસ્થસ સાથે ક્લાઇટમ્નેસ્ટ્રા ઍગેમેમ્નૉનના વધનું કાવતરું ઘડે છે.
કાસાન્ટ્રાએ ઍગેમેમ્નૉનના વધનું ભાવિ ભાખેલું. ક્લાઇટમ્નેસ્ટ્રા યુદ્ધમાંથી પાછા ફરેલા વિજયી પતિનો ભવ્ય સત્કાર કરે છે, તેને રાજમહેલની અંદર નિમંત્રે છે અને છળથી તેનો વધ કરે છે. એજિસ્થસ અને ક્લાઇટમ્નેસ્ટ્રાને પણ તેમના અપકૃત્યનો બદલો મળી જાય છે. આમ નિયતિએ નિર્મિત કરેલ એટ્રિયસના કુળના વિનિપાતનું ચક્ર નાટ્યત્રયીમાં પૂરું થાય છે. પણ સાથે સાથે વ્યક્તિ સ્વયં પોતાનું કર્મફળ ઘડે છે તેનું સૂચન પણ ઇસ્કિલસે કર્યું છે. વેદનાના પાવકાગ્નિમાં તવાયા પછી ઈશ્વરના અનુગ્રહથી શાપનું વિમોચન થાય છે. ‘ઍગેમેમ્નૉન’ નાટક નાટ્યકાર ઇસ્કિલસનું જ નહિ પણ જગતનાં શ્રેષ્ઠ કરુણાંત નાટકોમાંનું એક ગણાય છે. આ નાટકના ગુજરાતીમાં થયેલા અનુવાદોમાં સૌપ્રથમ જયન્તિ દલાલનો અનુવાદ છે.
નલિન રાવળ