પંડ્યા, સૌદામિની સી. (ડૉ.) (મિસ પંડ્યા)
June, 2026
પંડ્યા, સૌદામિની સી. (ડૉ.) (મિસ પંડ્યા) (જ. 1 ઑક્ટોબર 1917, નડિયાદ અ. 13 જાન્યુઆરી 2007) : સ્ત્રીરોગ-નિષ્ણાત.
અમદાવાદ જેને મિસ પંડ્યાના નામે જાણતું હતું તે ડૉ. સૌદામિની પંડ્યા એટલે કે લોકલાડીલાં મિસ પંડ્યા. એમના માટે કહેવાતું કે એમના જેવું નિદાન કોઈ કરી શકતું નહીં.
પિતાનું નામ ચંદ્રમુખભાઈ અને માતાનું નામ નૌતમબહેન. તેમનું શાળકીય શિક્ષણ ભરૂચમાં થયું હતું. 1935માં મુંબઈમાં મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. ઍનેટૉમીમાં નાડગીર સ્કૉલરશિપ અને મેડલ મળ્યાં. ફાઇનલ એમબીબીએસમાં ત્રણ ગોલ્ડ મેડલ મળેલા. 1942માં પ્રથમ પ્રયાસે એમ.ડી. થયેલાં.
દાક્તરીનું શિક્ષણ મેળવી 1942માં લાલદરવાજા, ભદ્ર, અમદાવાદમાં ખાનગી પ્રૅક્ટિસ શરૂ કરી. શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આ સમયે એક બાજુ વિશ્વયુદ્ધ ચાલે અને બીજી બાજુ ‘હિંદ છોડો’ની ચળવળ. શહેરમાં ભયંકર કોમી રમખાણો ચાલતાં હતાં. પણ તેમના લત્તામાં માણસો ઘણા સારા હતા તેથી તેઓ હેરાન થયાં નહીં.
1946માં વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલમાં ઑનરરી ગાયનેકૉલૉજિસ્ટ તરીકે જોડાયાં પછી એમની કારકિર્દીનો ઉત્તરોત્તર વિકાસ શરૂ થયો. 1955માં તેઓ પૂર્ણ સમયનાં કાયમી તબીબ થયાં. એક સમય એવો હતો કે એમની પાસે એક સાથે 11 હોદ્દા હતા.
વી. એસ. હૉસ્પિટલમાં જોડાયાં પછી એમની સેવાની ધગશ હતી તે વધુ ને વધુ નીખરી. તેઓ દર્દીની વાત ખૂબ જ શાંતિથી સાંભળતાં. તે સમયે જ દર્દીનું દુઃખ અડધું થઈ જતું. એમનો પેશન્ટ જરા પણ હેરાન ન થાય, બેદરકારીનો ભોગ ન બને તે માટે વિશેષ કાળજી રાખતાં. એમના દર્દીઓની તે મહેમાન જેવી કાળજી રાખતાં.
તેઓ જ્યારે ડીન અને સુપરિન્ટેન્ડન્ટ તરીકે હૉસ્પિટલમાં કાર્ય કરતાં હતાં ત્યારે સવારે નવથી સાંજના પાંચ સુધી તેમની ફરજનો સમય હતો. છતાં દર્દીને તપાસવા તે મોડી રાત સુધી રોકાતાં. તેમના નિદાન પર સહુને ખૂબ શ્રદ્ધા હતી. તેઓ એક સારાં અને નિષ્ણાત ડૉક્ટર હોવા ઉપરાંત દયાળુ અને સાથે પરગજુ પણ હતાં. તેમજ તેઓ એક તેજસ્વી શિક્ષક હોવાના કારણે અન્ય મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓ તેમનાં વ્યાખ્યાનો સાંભળવા આવતા. પ્રજાની સેવા કરવી એ જ તેમનો જીવનમંત્ર હતો.
સાદું જીવન, દર્દીઓ માટે સહાનુભૂતિ, જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને મદદરૂપ થવું – એમાં જ એમને આનંદ મળતો. વી. એસ. હૉસ્પિટલમાં આવતી ગરીબ, મધ્યમવર્ગની કે ધનવાન વર્ગની બહેનો તેમના માટે વી.આઈ.પી. દર્દી જ હતી. સંખ્યાબંધ બહેનોને તેમણે મોતના મુખમાંથી ઉગારીને જીવનદાન આપ્યું છે. વી. એસ. હૉસ્પિટલમાંથી નિવૃત્ત થયાં ત્યારે તેમનો વિદાયસમારંભ ટાઉનહૉલમાં યોજાયો હતો.
નિવૃત્તિ બાદ તેમણે ખાનગી ‘નૌતમ નર્સિંગ હોમ’ શરૂ કર્યું ત્યારે તેમણે ફી ઓછી રાખેલી. તેમના હાથમાં એટલો બધો જશ હતો કે, તેમનો હાથ અડતાં જ નિરાશ દર્દીઓ હસતા થઈ જતા. સૌદામિનીબહેન શહેરના અનેક ગાયનેકૉલૉજિસ્ટ્સ માટે આધાર-સ્તંભ સમાન હતાં. કોઈ ડૉક્ટરને ઑપરેશન દરમિયાન કોઈ ગૂંચ ઊભી થાય અને મિસ પંડ્યાને બોલાવે તો તેઓ તુરત દોડી જતાં, હૂંફ આપતાં, માર્ગદર્શન આપીને સંકટ સમયની સાંકળ બનતાં. તેઓ બીજા ડૉક્ટર માટે અને દર્દીઓ માટે જવાબદાર વહાલસોયી માતા બની જતાં.
જીવનનાં છલ્લાં વર્ષોમાં તેમને લકવો થયેલો.
તેમને રોટરી ક્લબનો ઍવૉર્ડ મળેલો. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન તરફથી ‘નાગભૂષણ’ના ઍવૉર્ડથી સન્માનિત કરાયાં હતાં, તેમજ તેમને ‘ગ્લોબલ ઇન્ટરનેશનલ ઍવૉર્ડ ફોર એડવાન્સ ઇન મેડિકલ સાયન્સ’ પણ મળેલો. તેમણે લોકોના હૃદયમાં માનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
સૌદામિનીબહેન તબીબી ક્ષેત્રનાં એક અમૂલ્ય તેજસ્વી રત્ન સમાન હતાં. આવાં એક માતા સમાન મહિલા તબીબનું અવસાન થયું ત્યારે ગુજરાતમાં ઘણાં કુટુંબોમાં માતા ગુમાવ્યાની લાગણીનો અહેસાસ થયો હતો.
કનુભાઈ શાહ
