પટેલ, ભાવિના (જ. 6 નવેમ્બર 1986, સુંધિયા ગામ, મહેસાણા, ગુજરાત) : ભારતીય પૅરાટેબલટેનિસ મહિલાખેલાડી.
જન્મ એક સાધારણ પાટીદાર કુટુંબમાં થયો. પિતા હસમુખભાઈ ગામમાં ઘરવપરાશની વસ્તુઓની નાની દુકાન ધરાવે છે. ભાવિના જ્યારે એક વર્ષની હતી ત્યારે પોલિયોની શિકાર બનવાથી તેમના શરીરનો નીચલો ભાગ સંપૂર્ણ લકવાગ્રસ્ત થઈ ગયો હતો. માતાપિતા પોલિયોગ્રસ્ત ભાવિનાની ખૂબ સારસંભાળ રાખતાં અને સહયોગ આપતાં ભાવિનાની 4 વર્ષની વયે તેમનો પરિવાર અમદાવાદ સ્થાયી થયો.

ભાવિના પટેલ
ભાવિનાનું જીવન સરળ ન હતું. શાળામાં અભ્યાસ કરતી વખતે તેમનું સ્વપ્ન શિક્ષિકા બનવાનું હતું, પરંતુ પોતાની દિવ્યાંગતાને કારણે ઇન્ટરવ્યૂમાં તે નાપાસ થયાં. ત્યાર પછી ITI કોર્સ કરવા તેમણે અંધજન મંડળમાં પ્રવેશ મેળવ્યો. અહીં તેમણે ભણવાની સાથે ટેબલટેનિસ રમવાનું પણ શરૂ કર્યું. આ રમતમાં ખૂબ રસ પડવાથી તેમણે કોચ લાલન દોશી પાસે સઘન તાલીમ લેવાનું શરૂ કર્યું.
ભાવિનાએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હરીફાઈઓમાં ઘણાં બધા ચંદ્રકો જીત્યા છે. તેઓ વ્હીલચૅરમાં બેસી રમે છે. 2011માં PTT થાઇલૅન્ડ ઓપનમાં વ્યક્તિગત શ્રેણીમાં રજત ચંદ્રક જીતી વિશ્વક્રમાંક 2 મેળવી તેમણે બધાનું ધ્યાન આકર્ષિત કર્યું. ત્યારપછી એશિયાઈ પૅરાટેબલટેનિસ સ્પર્ધા(બેજિંગ)માં ક્લાસ 4 મહિલાસિંગલ્સશ્રેણીમાં પણ રજત ચંદ્રક જીત્યો. 2017માં એશિયાઈ પૅરાટેબલટેનિસ સ્પર્ધામાં પણ કાંસ્ય ચંદ્રક જીતવામાં સફળ રહ્યાં.
2020 ટોકિયો પૅરાઑલિમ્પિક્સમાં પણ રજત ચંદ્રક મેળવ્યો. તે ટેબલટેનિસની ફાઇનલ સુધી પહોંચનારા પ્રથમ ભારતીય પૅરાઍથ્લીટ બન્યાં. 2022 રાષ્ટ્રસમૂહ સ્પર્ધામાં તેમણે મહિલા સિંગ્લસ ક્લા 3-5 શ્રેણીમાં સુવર્ણચંદ્રક જીતી ભારતની શાન વધારી છે.
તેમણે નિકુલ પટેલ સાથે લગ્ન કર્યા છે અને અમદાવાદમાં ઍમ્પ્લોયીસ સ્ટેટ ઇન્સ્યૉરન્સ કૉર્પોરેશન(ESIC)માં કામ કરે છે.
2021માં તેમને અર્જુન ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે.
અમલા પરીખ
